યુદ્ધની તૈયારીમાં 'શાંતિદૂત' ટ્રમ્પ ? અમેરિકાએ 3 યુદ્ધ જહાજ, 4000 સૈનિકો વેનેઝુએલા રવાના કર્યાં
- પ્રમુખ નિકોલસ માદુરો કટ્ટરવાદી ડાબેરી નેતા છે
- વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો ઉપર ડ્રગ-તસ્કરીને સાથ આપવાનો 'આરોપ મુકાયો છે' : વેનેઝુએલાએ પણ વિશાળ મિલિશિયા તૈયાર રાખી છે
વોશિંગ્ટન (ડીસી) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એઝીઝ પ્રકારની ગાઇડેડ મિસાઇલ ડીસ્ટ્રોયર તેવા ત્રણ વિશાળ યુદ્ધ જહાજો, વેનેઝુએલાના જળ ક્ષેત્ર તરફ રવાના કર્યા છે. તે ઉપરાંત ૪૦૦૦ અત્યંત તાલિમબદ્ધ અને સક્ષમ સૈનિકો મરીન્સ પણ મોકલવાની યોજના ઘડી રહ્યા છે.
આ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ માને છે કે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અમેરિકામાં થઈ રહેલી ડ્રગ તસ્કરીને સાથ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ માદુરો એક કટ્ટર સામ્યવાદી નેતા છે.
પ્રમુખ માદુરો ઉપર તે કારણસર જ ટ્રમ્પનાં નિશાન પર હશે, તેમ પણ કેટલાકનું માનવું છે. આ મહિનાની શરૂઆતમાં તેના ઉપરનું ઇનામ બમણું કરી ૫૦ મિલિયન ડોલર કરી નખાયું છે.
છેલ્લી બે ચૂંટણીમાં માદુરોને મળેલી જીતને અમેરિકાએ સ્વીકાર્ય ગણી નથી. ઉપરાંત અમેરિકાએ તેમની ઉપર કાર્ટેલ-દે-બેસ- સોલ્સ' (કાર્ટલ ઓફ ધી સન્સ) નામક કોકેન- તસ્કર ગેંગનું નેતૃત્વ કરવાનો આક્ષેપ મુક્યો છે.
આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે, કયુબાના દિવંગત પ્રમુખ ફીડેલ કાસ્ટ્રોની જેવા જ માદુરો પણ કટ્ટર સામ્યવાદી અને અમેરિકા વિરોધી છે.
ગયા મહિને ટ્રમ્પ વહીવટી તંત્રે તે ગેંગને આતંકવાદી ટોપી જેવું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે, પ્રમુખ માદુરો તેના ગુપ્ત રીતે ખરા અર્થમાં નેતા છે.
મંગળવારે વ્હાઇટ હાઉસ પ્રેસ બ્રિફીંગમાં પૂછવામાં આવ્યું ત્યારે તેના જવાબમાં કહેવામાં આવ્યું કે - ડ્રગ્સની તસ્કરી રોકવા દરેક વિકલ્પો વિચારાઈ રહ્યા છે.
કેટલાક નિરીક્ષકોનો મત છે કે, તેલ-સમૃદ્ધ અને અઢળક અપ્રાપ્ય ધાતુઓ અને વનરાજી ધરાવતા આ રાષ્ટ્ર ઉપર ટ્રમ્પે પોતાના કહ્યાગરા પ્રમુખ જોવા માગે છે. તેઓએ માદુરો પ્રમુખ પુતિનના તરફદાર હોઇ હવે ટ્રમ્પ તેની ઉપર ખરેખરા ગિન્નાયા છે.