Get The App

બ્રાઝિલ બાદ હવે કયા દેશ પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો? 35 ટકા ટેરિફની સાથે ધમકી પણ આપી

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાઝિલ બાદ હવે કયા દેશ પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો? 35 ટકા ટેરિફની સાથે ધમકી પણ આપી 1 - image


Trump Slaps 35% Tariff on Canadian Imports : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વિશ્વભરના દેશો સાથે ટ્રેડ વોર શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહથી એક બાદ એક અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ટેરિફ યુદ્ધમાં બ્રાઝિલ બાદ હવે કેનેડાને મોટો ઝટકો લાગ્યો છે. 

કેનેડા પર ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પની ખુલ્લી ધમકી

ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી છે કે આગામી પહેલી ઓગસ્ટથી કેનેડાથી આયાત થતાં સામાન પર 35 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. કેનેડાને સંબોધીને ટ્રમ્પે એક પત્ર પણ જાહેર કર્યો છે. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે, કે કેનેડા સાથે અમે વેપાર કરીશું પણ હવે નિયમો સાથે થશે. કેનેડા અમારા ડેરી ખેડૂતો પર 400 ટકા ટેક્સ લગાવે છે. 

આટલું જ નહીં 35 ટકા ટેક્સની સાથે કેનેડાને ધમકી પણ આપવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો કેનેડા અમેરિકા પર વળતો પ્રહાર કરશે અને ટેરિફ લગાવશે તો અમે ટેરિફના દર હજુ ઊંચા કરી દઇશું. 

બ્રાઝિલ અને અમેરિકા સામસામે 

નોંધનીય છે કે એક દિવસ અગાઉ અમેરિકાએ બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. સાથે સાથે અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા પર 30 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારે બ્રુનેઈ અને મોલ્દોવા પર 25 ટકા અને ફિલિપાઈન્સ પર 20 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નવા ટેરિફ આગામી પહેલી ઓગસ્ટથી લાગુ થશે. અમેરિકાના આ નિર્ણયથી બ્રાઝિલ બરાબરનું ભડક્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કડક શબ્દોમાં આર્થિક બદલો લેવાની ચેતવણી આપી છે. બ્રાઝિલ ભારેખમ ટેક્સ લગાવવા મુદ્દે ટ્રમ્પે જણાવ્યું છે કે નિર્ણય લેતા સમયે બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો સાથે જે વર્તણૂક થઈ રહી છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. નોંધનીય છે કે બ્રાઝિલમાં બોલસોનારો વિરુદ્ધ સત્તાપલટો કરવાનું ષડયંત્ર રચવાના આરોપ હેઠળ કેસ ચાલી રહ્યો છે.  

ડોનાલ્ડ ટ્રમ્પના આરોપો બાદ લૂલા ડા સિલ્વાએ જવાબ આપતા કહ્યું છે કે બ્રાઝિલનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને કોઈ પણ બાહ્ય દબાણ સાંખી લેવામાં આવશે નહીં. ન્યાયતંત્ર પર કોઈ પણ ધમકી કે હસ્તક્ષેપની અસર થશે નહીં. બ્રાઝિલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસા કે નફરત ફેલાવવી નથી. 

બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી

નોંધનીય છે કે અમેરિકાએ અગાઉ મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ટ્યુનિશિયા, ઈન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, થાઈલેન્ડ પર પણ ટેરિફની જાહેરાત કરી હતી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર વધારાના 10 ટકા ટેરિફની ધમકી આપી છે. જેમાં ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સામેલ છે. 

Tags :