World

ટ્રમ્પ અચાનક ચીન પર વરસ્યા ટેરિફમાં 90 દિવસની રાહત

By GS TEAM
13 Aug 20253 mins read
ટ્રમ્પ અચાનક ચીન પર વરસ્યા  ટેરિફમાં 90 દિવસની રાહત

- ભારત પર ટેરિફ નાંખવાથી રશિયાને મોટો ફટકો પડયો : ટ્રમ્પ

- ભારતીય દવાઓ અને ઈલેક્ટ્રોનિક્સ પર અમેરિકાએ વધારાનો કોઈ ટેરિફ નાંખ્યો નથી : કેન્દ્ર સરકારનો લોકસભામાં ખૂલાસો

વોશિંગ્ટન/નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે ભારત અને બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. જોકે તેમણે અમેરિકામાં સોનાની આયાત પર ટેરિફ અંગે ચૂપકિદી જાળવી રાખી હતી. ટ્રમ્પે હવે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સોનાને ટેરિફ યુદ્ધમાંથી બહાર રખાયું છે. વધુમાં ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડની સૌથી વધુ ખરીદી કરતાં ચીન પર ટેરિફનો અમલ ૯૦ દિવસ પાછો ઠેલ્યો છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં કહ્યું કે, ભારતના ફાર્મા અને ઈલેક્ટ્રોનિક્સ પર વધારાના કોઈ ટેરિફ નંખાયા નથી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો પર ટેરિફ નાંખવાની જાહેરાત કરતી વખતે સોના પર ટેરિફ અંગે કોઈ જાહેરાત કરી નહોતી. હવે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શૅર કરતા કહ્યું છે કે સોના પર કોઈ ટેરિફ લાગુ નહીં થાય. ગયા સપ્તાહે સોના પર ટેરિફ લાગશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી હતી. કસ્ટમ અને સરહદ સુરક્ષા વિભાગે પણ સોના પર જંગી ટેરિફ લાગવાના સંકેત આપ્યા હતા. સોના પર ૫૦ ટકા ટેરિફ લાગવાની અફવાઓથી તેના ભાવમાં ભારે ઊછાળો જોવા મળ્યો હતો.

જોકે, ટ્રમ્પે પોતે જ પોસ્ટ શૅર કરતા બધી જ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું, સોના પર ટેરિફ નહીં લાગે. ટ્રમ્પે આ અંગે વધુ કોઈ માહિતી આપી નથી. ટ્રમ્પની આ પોસ્ટ પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રાઝિલ અને ભારત પર ૫૦ ટકા ટેરિફની જાહેરાત વચ્ચે ભારત માટે આ રાહતના સમાચાર છે. આ સાથે ટ્રમ્પે કહ્યું હતું કે તેણે ભારત ૫ર ૫૦ ટકા ટેરિફ નાંખીને રશિયાને મોટો ફટકો પહોંચાડયો છે. રશિયાના અર્થતંત્ર પર તેની વિપરિત અસર પડી શકે છે.

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરીને ભારત યુક્રેન યુદ્ધમાં પ્રમુખ પુતિનને મદદ કરી રહ્યું છે તેવો આક્ષેપ કરીને અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે ત્યારે રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદનારા ચીન પર પ્રમુખ ટ્રમ્પે નરમ વલણ અપનાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના સામાનો પર લાગનારા ટેરિફની ડેડલાઈન ફરીથી આગળ વધારી દીધી છે. ટ્રમ્પે આ સંબંધમાં એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ચીન-અમેરિકા વચ્ચે ટેરિફ વોરની સમય મર્યાદા ખતમ થવાના કેટલાક કલાક પહેલાં જ તેમણે ચીન પર લાગુ થનારા ટેરિફનો અમલ ૯૦ દિવસ પાછો ઠેલ્યો હતો. એટલું જ નહીં તેમણે ચીનના પ્રમુખ શી જિનપિંગને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે. ચીન પર ટેરિફનો અમલ હવે નવેમ્બર ૨૦૨૫માં લાગુ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં સત્તા સંભાળ્યા પછી ચીન પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. જવાબમાં ચીને પણ અમેરિકા પર વળતો ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. પરંતુ મે મહિનામાં બંને દેશો વચ્ચે સમજૂતીના ભાગરૂપે અસ્થાયીરૂપે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો, જેને પગલે ચીનમાંથી આયાત થતા સામાન પર ૩૦ ટકા ટેરિફ નાંખ્યો હતો જ્યારે ચીન અમેરિકાથી આયાત પર ૧૦ ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. જોકે, આ સમાધાન પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાગનારો ટેરિફ અટકાવી દીધો હતો, જેની સમય મર્યાદા મંગળવારે ખતમ થતી હતી. આ સમય મર્યાદાને ટ્રમ્પે ફરી વધારી દીધી છે.

દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું કે, અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર ૨૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ નાંખ્યો છે, જેનો અમલ ૭ ઑગસ્ટથી શરૂ થઈ ગયો છે. આ સિવાય ૨૭ ઑગસ્ટથી ચોક્કસ વસ્તુઓની નિકાસ પર વધારાનો ૨૫ ટકા ટેક્સ લાગુ પડી શકે છે. જોકે, અમેરિકાએ હજુ સુધી ભારતમાંથી દવાઓ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની નિકાસ પર કોઈ વધારાનો ટેક્લ નાંખ્યો નથી.