ટ્રમ્પે વિદેશી ટ્રક ડ્રાઈવરોને વિઝા આપવાનું બંધ કર્યું

- ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરે ફ્લોરિડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત કર્યો પછી ટ્રમ્પનો નિર્ણય
- અમેરિકામાં દિવસમાં 1000 કિ.મી. જેટલી ટ્રક ચલાવીને મહિને રૂ. 5-6 લાખ કમાતા ભારતના ટ્રક ડ્રાઈવરોની નોકરીઓ જોખમમાં
- અનેક ભારતીયોને ફટકો
વૉશિંગ્ટન : ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર હરજીંદર સિંહે થોડા દિવસ પહેલાં ફ્લોરિડા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત કર્યો હતો. રોંગ ટર્ન લઈને હરજીંદરે સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ડ્રાઈવરની તુરંત ધરપકડ થઈ હતી અને તેની સામે કોર્ટમાં માનવવધનો કેસ શરૂ થયો છે. આ ઘટના પછી હવે ટ્રમ્પે વિદેશી ટ્રક ડ્રાઈવરો અંગે આકરો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે અમેરિકન સરકારે તાત્કાલિક અસરથી વિદેશી ટ્રક ડ્રાઈવરોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે, તેના પરિણામે અમેરિકામાં હવે વિદેશીઓ કમર્શિયલ ટ્રક ચલાવી શકશે નહીં.
અમેરિકામાં વિદેશી નાગરિકો પર ખૂબ જ સખ્ત પૉલિસી ઘડનારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજારો-લાખો વિદેશી ટ્રક ડ્રાઈવરોને ફટકો માર્યો છે. ફ્લોરિડા હાઈવે પર એક ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરથી અકસ્માત થયો અને એમાં ત્રણ લોકોનાં મોત થયા પછી હવે અમેરિકામાં વિદેશી ટ્રક ડઈવરો પર તવાઈ આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે તાત્કાલિક અસરથી વિદેશી ટ્રક ડ્રાઈવરોના વિઝા કેન્સલ કરવાનું શરૂ કર્યું છે. નવા વિઝાની પરવાનગી બંધ કરી દીધી છે. અમેરિકામાં ભારતીયો સહિત વિદેશી નાગરિકો કમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વિઝા મેળવીને જાય છે. એક દિવસમાં ૮૦૦-૧૦૦૦ કિલોમીટર ડ્રાઈવિંગ કરીને ભારતીય ટ્રક ડ્રાઈવરો મહિને અમેરિકામાં ૫થી ૬ લાખ રૂપિયા કમાય છે. અમેરિકામાં ટ્રક ડ્રાઈવરની નોકરી એટલી સન્માનીય અને વળતર આપનારી છે કે ભારતથી જતી યુવતીઓ પણ ત્યાં ડ્રાઈવિંગ કરે છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.જોકે, ટ્રમ્પના નવા નોટિફિકેશનથી હવે આવા ડ્રાઈવરોની કમાણીની તકો છીનવાઈ જશે. માર્કો રૂબિયોએ કહ્યું હતું કે વિદેશી ટ્રક ડ્રાઈવરોની બેદરકારના કારણે અકસ્માતો વધ્યા છે. વળી, વિદેશી ટ્રક ડ્રાઈવરોની સંખ્યા વધી રહી છે તેનાથી અમેરિકન ટ્રક ડ્રાઈવરોની રોજગારી ઘટી છે. તેના કારણે આ નિર્ણય લેવાયો છે.
તે સિવાય અમેરિકન સરકારે સાડા પાંચ કરોડ વિઝાધારકોના રિવ્યૂ કરવાની જાહેરાત કરી છે. અમેરિકન સરકારને આ વિઝાધારકો શંકાસ્પદ જણાતા હોવાથી ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. આ નાગરિકો પર દેશનિકાલનું જોખમ સર્જાયું છે.









