ઝેલેન્સ્કી સાથેની મંત્રણા પછી ટ્રમ્પે પુતિન સાથે ફોન પર વાત કરી

- ટ્રમ્પે કહ્યું તેઓ આશરે 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા ઝેલેન્સ્કી-પુતિન વચ્ચે રૂબરૂ મંત્રણા ઇચ્છે છે
વોશિંગ્ટન/નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પે સોમવારે ઝેલેન્સ્કી અને યુરોપીય નેતાઓ સાથેની મંત્રણા પછી લગભગ તુર્ત જ પ્રમુખ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી.
પોતાના ટ્રુથ-સોશ્યલ ઉપર કરેલા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મીટીંગોના અંતે મેં પ્રમુખ પુતિન સાથે પણ ફોન ઉપર વાત કરી હતી અને ઝેલેન્સ્કી સાથે તેઓની રૂબરૂમાં મંત્રણા યોજવા જણાવવા સાથે તે મંત્રણા ક્યા અને ક્યારે યોજવી તે નક્કી કરવા પણ મેં પ્રમુખ પુતિનને જણાવ્યું હતું. તેઓએ વધુમાં લખ્યું કે, તે બંને વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા થયા પછી હું મારા સહિતની ત્રિપક્ષીય મંત્રણા યોજવા માગુ છું.
જાણકારોના જણાવ્યા પ્રમાણે પ્રમુખ ટ્રમ્પ અને પ્રમુખ પુતિન વચ્ચે આશરે ૪૦ મીનીટ સુધી વાતચીત થઈ હતી. વધુમાં રશિયન ન્યૂઝ એજન્સી જણાવે છે કે તે વાતચીત દરમિયાન બંને નેતાઓએ પ્રથમ તબક્કે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ વચ્ચે મંત્રણા યોજવા પણ સહમતી દર્શાવી હતી.
ફીન્લેન્ડના પ્રમુખ એલેકઝાંડર સ્ટબે કહ્યું હતું કે પુતિન સાથે (ઝેલેન્સ્કીની) સીધી મંત્રણા યોજવા વિચાર એક બહુ સારો વિચાર છે. જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝે કહ્યું કે, રશિયાના પ્રમુખ પુતિને બે સપ્તાહમાં ઝેલેન્સ્કી સાથે રૂબરૂમાં વાત કરવાનું સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું છે.
સોમવારે ટ્રમ્પની ઉચ્ચ સ્તરીય યુરોપીય નેતાઓ સાથે પણ મંત્રણા યોજાઇ હતી. જેમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર મેર, જર્મનીના ચાન્સેલર ફ્રેડ્રિક મર્ઝ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની, યુરોપીયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલ્લા વોન દર લેયન અને નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ્ટે ઉપસ્થિત હતા.
આ મંત્રણા પછી ટ્રમ્પે જણાવ્યું, તે નેતાઓએ સંકલિત રીતે યુક્રેનને સલામતીની ખાત્રી આપી હતી. જેમાં અમેરિકા મધ્યસ્થ ભૂમિકા ભજવવાનું છે. હવે રશિયા / યુક્રેન શાંતિ સ્થપવાની સંભાવના જોઈ દરેકે દરેક નેતાઓ ખુશ થયા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પહેલા બધાની સાથે અને પછી એક થી એક તે રીતે પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતા. પછી કહ્યું હતું કે, હજી સુધીમાં પ્રમુખ ટ્રમ્પ સાથે થયેલી મંત્રણા પૈકીની આ શ્રેષ્ઠ મંત્રણા હતી.
પ્રમુખ ટ્રમ્પે ઉપ પ્રમુખ જે.ડી. વાન્સ વિદેશ મંત્રી માર્કો રૂબિયો વિશેષ ધ્રી સ્ટીવ વિટકોફને જવાબદારી સોંપી હતી કે, તમારે રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે મંત્રણા યોજવા સંકલિત રીતે કાર્ય કરવું.
આ પછી પત્રકારોએ ટ્રમ્પને પૂછયું કે, હવે ત્રિ-પક્ષીય (પુતિન-ઝેલેન્સ્કી- ટ્રમ્પ) મંત્રણા યોજાશે ? ત્યારે અમેરિકાના પ્રમુખે કહ્યું, અત્યારે તો પહેલું પગલુ ભરાયું છે, પરંતુ તે શાંતિ પ્રત્યેનું મહત્વનું કદમ બની રહેશે.








