ટ્રમ્પે પીડિતા સાથે કલાકો વિતાવ્યા: એપસ્ટીન કેસ અંગે ડેમોક્રેટ્સનો દાવો, ઈમેલ પણ બતાવ્યા

Epstein Files: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. આ વિવાદનું કારણ જેફ્રી એપસ્ટીન ફાઇલ્સ સાથે સંબંધિત કેટલાક ઈમેલ્સ છે. એપસ્ટીન, જેના પર સગીરાઓના યૌન શોષણનો આરોપ હતો અને જેના સંપર્કમાં અમેરિકાના અનેક પ્રતિષ્ઠિત લોકો હતા, તેના કેસમાં ટ્રમ્પનું નામ સીધું સામે આવતાં મામલો ગરમાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઈમેલ્સમાં ટ્રમ્પનું નામ હોવાથી તેમની અને એપસ્ટીનની મિત્રતા તથા તેની પાછળના રહસ્યો ફરી ચર્ચામાં આવ્યા છે.
ઈમેલમાં શું લખેલું છે?
એક ઈમેલ એપ્રિલ 2011નો છે. આ ઈમેલમાં એપસ્ટીન, મેક્સવેલને લખે છે કે ટ્રમ્પે પીડિતા સાથે મારા ઘરે કલાકો વિતાવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમનો ઉલ્લેખ એક પણ વાર આવ્યો નથી. આના પર મેક્સવેલે કહ્યું કે તે પણ આ જ વિચારી રહ્યા હતા.
બીજો ઈમેલ જાન્યુઆરી 2019નો છે. લેખક માઈકલ વુલ્ફને મોકલેલા એક અન્ય ઈમેલમાં એપસ્ટીને લખ્યું હતું કે, 'નિઃશંકપણે ટ્રમ્પ છોકરીઓ વિશે જાણતા હતા, કારણ કે ટ્રમ્પે ગિસલેનને આવું કરવાની ના પાડી હતી.' આ ઈમેલ એપસ્ટીનની ધરપકડના થોડા મહિના પહેલાનો હોવાનું કહેવાય છે.
ટ્રમ્પ પર ફાઇલો છુપાવવાનો આરોપ
હાઉસ ડેમોક્રેટ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે એપસ્ટીન એસ્ટેટે કુલ 23,000 દસ્તાવેજો જાહેર કર્યા છે, જેની ઓવરસાઇટ કમિટી હાલમાં સમીક્ષા કરી રહી છે.
સાંસદ રોબર્ટ ગાર્સિયાએ કહ્યું કે, 'આ નવા ઈમેલ્સ ઘણા સવાલો ઊભા કરે છે, જેને વ્હાઇટ હાઉસ અત્યાર સુધી છુપાવતું આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એપસ્ટીન ફાઈલોને જેટલો છુપાવવાનો પ્રયત્ન કરશે, અમે તેને તેટલો જ વધારે ખુલ્લો પાડીશું.' આ ઈમેલ્સ અને પત્રો સવાલ પેદા કરે છે કે વ્હાઇટ હાઉસ બીજું શું છુપાવી રહ્યું છે અને એપસ્ટીન તથા ટ્રમ્પનો સંબંધ કેવા પ્રકારનો હતો. તેમણે માંગ કરી કે ન્યાય વિભાગે એપસ્ટીન ફાઈલોને વહેલી તકે જાહેર કરવી જોઈએ. ઓવરસાઇટ કમિટી આ જવાબો શોધી કાઢશે અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અટકશું નહીં.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી: ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ, શેખ હસીના અંગે આજે આવશે ચુકાદો
ટ્રમ્પ દ્વારા તમામ આરોપોનો ઇનકાર
જોકે, ટ્રમ્પે આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેઓ એપસ્ટીનને 1990ના દાયકાથી જાણતા હતા પરંતુ બાદમાં બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. એક વાત ધ્યાન આપવા જેવી છે કે, થોડા મહિના પહેલા જ ટ્રમ્પ પ્રશાસને આ કેસ બંધ કરી દીધો હતો અને કહ્યું હતું કે આ કેસમાં વધુ કંઈ જોવા કે સાંભળવા જેવું બાકી રહ્યું નથી.

