ટ્રમ્પ પડયા નરમ - ભારતના વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરવા કેમ તૈયાર થવું પડયું ?
બંને દેશો વચ્ચે આયાત શુલ્ક મુદ્વે તણાવ વધતો જોવા મળતો હતો
ચીન સાથેના ખરાબ સંબંધો જોતા ભારત વિરોધ અમેરિકાના હિતમાં નથી.
ન્યૂયોર્ક,૧૦ સપ્ટેમ્બર,૨૦૨૫,બુધવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા જેટલું ટેરિફ નાખ્યા પછી નરમ પડીને ભારત સાથે વાતચિત કરવા તૈયારી દર્શાવી છે. ટ્રમ્પ પ્રશાસને છેલ્લા એક મહિનામાં ભારતથી થતી આયાતો પર વધારાનું શૂલ્ક લગાવ્યું હતું. રશિયા પાસેથી ક્રુડ તેલ અને તેલ ઉત્પાદકોની ખરીદીને મોટું કારણ ગણ્યું હતું. બંને દેશો વચ્ચે શુલ્ક મુદ્વે તણાવ જોવા મળતો હતો ત્યારે ભારતે સંયમથી કામ લીધું હતું જયારે ટ્રમ્પનું વલણ આકરા વેણ ઉચ્ચારનારું રહયું હતું.
ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા લાગ્યા હતા. હવે તેનાથી આગળ વધીને ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી જેમાં જાહેરાત કરી હતી કે મને એ જણાવતા ખૂશી થાય છે કે ભારત અને અમેરિકા બંને દેશો વ્યાપાર અવરોધો દૂર કરવા માટે વાતચિત ચાલું રાખશે. આવનારા સમયમાં ભારતના પીએમ મોદી સાથે વ્યાપાર મુદ્વે ચર્ચા કરશે. ટ્રમ્પે આગળ જણાવ્યું હતું કે આવનારા સપ્તાહમાં મને પુરેપુરો વિશ્વાસ છે કે અમને બંનેને મહાન દેશો માટેે એક સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઇ જ મુશ્કેલી પડશે નહી.
નિષ્ણાતોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે ભારત સામે મોરચો ખોલ્યા પછી તેમને સત્ય સમજાઇ ગયું છે. અમેરિકામાં પણ એક લોબી ભારત સાથેના આર્થિક સંબંધો ખરાબ કરવા બદલ ટ્રમ્પની ટીકા કરી રહી હતી. વર્ષોથી ભારત જેવા પાર્ટનરને ગુમાવવાથી અમેરિકાને પણ નુકસાન થવાનું હતું. ભારત અને ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. બંને પાસે મેન પાવર અને મની પાવર છે. બંને દુનિયાના વિશાળ બજાર ધરાવે છે. ભારત જ એક એવો દેશ છે જે ચીન સાથે હરિફાઇ કરવા સમર્થ છે. ચીન સાથેના અમેરિકાના સંબંધો અત્યંત ખરાબ રહયા છે ત્યારે ભારત વિરોધ અમેરિકાના હિતમાં નથી. ભારતે રશિયા સાથેના સંબંધોને વધુ ગાઢ અને ચીન સાથે સંબંધોને વધારે સમતોલિત બનાવતા ટ્રમ્પની શાન ઠેકાણે આવી છે. જો કે ટ્રમ્પ ટેરિફનું રટણ ચાલું રાખીને તેમાં કોઇ ફેરફાર નહી કરે ત્યાં સુધી સંબંધો તણાવપૂર્ણ જ રહેવાના છે.