ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: 14 દેશો પર 40 ટકા સુધી ભારેખમ ટેક્સ, ભારતને લઈને પણ મોટી જાહેરાત
Trump Slaps Heavy Tariffs on 14 Nations : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ શાંત થયા બાદ હવે ફરી ટેરિફ યુદ્ધ ચર્ચામાં આવી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ દુનિયાભરના દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે. જે બાદ કેટલાક દેશો સાથે અમેરિકાએ સમજૂતી કરી છે. જે દેશો સાથે સમજૂતી ના થઈ શકી તેમના પર વારાફરતી ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી રહી છે. સોમવારે અમેરિકાએ 14 દેશોને ટેરિફનો પત્ર પાઠવ્યો છે.
જાપાન અને બાંગ્લાદેશ ટેરિફની ઝપેટમાં
ટ્રમ્પ ટેરિફ લેટર સૌથી પહેલા જાપાન અને કોરિયા મોકલવામાં આવ્યો, આ બંને દેશો પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. મ્યાનમાર અને લાઓસ પર 40 ટકા, દક્ષિણ આફ્રિકા પર 30 ટકા, ઈન્ડોનેશિયા પર 32 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા, થાઈલેન્ડ પર 36 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.
ભારત સાથે ટૂંક સમયમાં જ ડીલ થશે: ટ્રમ્પ
વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ખૂબ નજીક છીએ. રોયટર્સ અનુસાર ટ્રમ્પે કહ્યું છે, કે અમે બ્રિટન અને ચીન સાથે ટ્રેડ ડીલ કરી છે અને ભારત સાથે પણ ટૂંક સમયમાં ડીલ ફાઈનલ કરી લઈશું.
નોંધનીય છે કે જે દેશોને ટેરિફનો પત્ર પાઠવવામા આવ્યો છે તે દેશોને લઈને ટ્રમ્પનું માનવું છે કે આ દેશો હવે ડીલ નહીં કરી શકે.
કયા દેશો પર કેટલો ટેરિફ?
જાપાન 25%
સાઉથ કોરિયા 25%
મ્યાનમાર 40%
લાઓસ 40%
દક્ષિણ આફ્રિકા 30%
કઝાખસ્તાન 25%
મલેશિયા 25%
ટ્યુનિશિયા 25%
ઈન્ડોનેશિયા 32%
બોસ્નિયા 30%
બાંગલાદેશ 35%
સર્બિયા 35%
કંબોડિયા 36%
થાઈલેન્ડ 36%