Get The App

ટ્રમ્પે એચ-1બી વિઝા પર વાર્ષિક એક લાખ ડોલરની ફી ઝીંકી

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે એચ-1બી વિઝા પર વાર્ષિક એક લાખ ડોલરની ફી ઝીંકી 1 - image

- અમેરિકા ફર્સ્ટ માટેનું ટ્રમ્પનું અભિયાન, ભારતીયોને મોટો ફટકો

- છ વર્ષ સુધી કંપનીઓએ આ ફી ચુકવવી પડશે, નવા નિયમ તમામ એચ-૧બી વિઝાધારકોને 21મીથી લાગુ, વિદેશીઓની છટણી શરૂ

- કંપનીઓ અત્યંત જરૂરી હોય તેવા જ વિદેશી કર્મચારીઓ રાખશે, અમેરિકનોને પ્રાથમિકતા આપવા મજબુર થશે

વોશિંગ્ટન : અમેરિકામાં નોકરીની આશાએ જતા ભારતીયો સહિતના વિદેશીઓના સપનાઓ પર પાણી ફેરવી નાખતો નિર્ણય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો છે. ટ્રમ્પ પ્રશાસને નોકરી માટે અપાતા એચ-૧બી વિઝા મેળવવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. જે મુજબ હવેથી એચ-૧બી વિઝા માટે પ્રતિ કર્મચારી અમેરિકી કંપનીઓએ દર વર્ષે એક લાખ ડોલર સરકારને ચુકવવા પડશે. આ ભરપાઇ એક કે બે વર્ષ નહીં પણ છ વર્ષ સુધી કરવી પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝાના નિયમોમાં ફેરફાર કરતા આ સરકારી આદેશ પર સહી કરી દીધી છે. નવા નિયમો અમેરિકાના તમામ એચ-૧બી વિઝાધારકોને લાગુ પડશે.  

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે આદેશ પર સહી કરી હતી જેનો અમલ ૨૧મી સપ્ટેમ્બરે રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે, આ દરમિયાન અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે એચ-૧બી વિઝાના નવા નિયમોને જાહેર કરતા કહ્યું હતું કેે અમેરિકાને કુશળ કર્મચારીઓની જરૂર છે, વિઝાના નવા નિયમો પાછળનો ઉદ્દેશ્ય વિદેશીઓ કરતા અમેરિકન કર્મચારીઓને વધુ તક આપવાનો છે. અમેરિકન કંપનીઓએ અમેરિકન કર્મચારીઓને પ્રાથમિકતા આપવી પડશે. આ પોલિસી તમામ એચ-૧બી વિઝાધારકોને લાગુ રહેશે. જે લોકો વિઝા રિન્યૂ કરાવવા માગતા હોય તેમને પણ લાગુ પડશે. કંપનીએ  છ વર્ષ સુધી પ્રતિ વર્ષ ૧ લાખ ડોલરની ફી ચુકવવી પડશે જે ભારતીય રૂપિયામાં વાર્ષિક આશરે ૮૮ લાખ રૂપિયા થાય છે.  ટ્રમ્પની હાજરીમાં હોવર્ડ લુટનિકે અમેરિકામાં સક્રિય કંપનીઓને કહ્યું હતું કે જો કંપનીઓ કોઇ કર્મચારીને તાલિમ આપી તૈયાર કરવા જઇ રહી હોય તો તેમાં અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલાને તક આપે, અમેરિકાના લોકોને તાલિમ આપે. આપણી નોકરીઓને બીજાના હાથમાં જતા અટકાવો. જો વિદેશી કર્મચારીઓ કંપની તેમજ અમેરિકાની માટે અત્યંત મૂલ્યવાન હોય તો તેમને જરૂર તક આપો, કુશળતા ન ધરાવતા કર્મચારીઓને કાઢી મુકો અને અમેરિકનોને તક આપો. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકામાં કંપનીઓમાં દોડધામ શરૂ થઇ ગઇ છે. કંપનીઓ ખર્ચ બચાવવા માટે એવા જ કર્મચારીઓને રાખશે જે કંપની માટે વધુ મહત્વના હોય, અન્ય વિદેશી કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. હવેથી અત્યંત કુશળ અને કંપનીને એમ લાગે કે તેમના માટે કર્મચારી બહુ જ જરૂરી છે તેવા વિદેશી કર્મચારીઓને જ અમેરિકામાં કામ કરવાની તક મળશે.   

અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડે વધુમાં દાવો કર્યો હતો કે નવા વિઝા પ્રોગ્રામથી અમેરિકાને વધુ કુશળ વિદેશી કર્મચારીઓ મળશે, હાલ જે કર્મચારીઓ અમેરિકામાં કામ કરી રહ્યા છે તેઓ પણ માત્ર આર્થિક ફાયદો મેળવવાના બદલે અમેરિકાના વિકાસમાં યોગદાન પણ આપશે. વ્હાઇટ હાઉસ સ્ટાફ સેક્રેટરી વિલ સ્કાર્ફે કહ્યું હતું કે જો કંપનીઓએ કુશળ કર્મચારીઓને રાખવા હોય તો આ ફી વધારો ભરવો જ પડશે, સરકારના આ નિર્ણયથી અમેરિકામાં કામ કરતી કંપનીઓ હવેથી અત્યંત કુશળ કર્મચારીને જ પ્રાથમિકતા આપશે. જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે અમને વર્કર્સની જરૂર છે, અત્યંત સારા વર્કર્સની જરૂર છે અને તે થઇને જ રહેશે. નોંધનીય છે કે એચ-૧બી વિઝા મેળવવા હોય તો અમેરિકામાં સક્રીય કંપનીઓએ વિદેશી કર્મચારીને સ્પોન્સર કરવો પડે છે. જે માટે હવેથી પ્રત્યેક કર્મચારી કંપનીએ દર વર્ષે એક લાખ ડોલર ટ્રમ્પ સરકારને ચુકવવા પડશે.    

ટ્રમ્પના નિર્ણયથી બે લાખ ભારતીયો પર માઠી અસર

અમેરિકામાં આઇટી સહિતના ક્ષેત્રની કંપનીઓમાં બે લાખથી વધુ ભારતીય કર્મચારીઓ છે. 

જેમના પર આ નિર્ણયની સીધી અસર પડશે. તેમના પર છટણીનો ખતરો વધુ રહેશે, કામનું દબાણ વધશે. જો કામમાં કુશળતા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા તો કંપનીઓ ફીના બોજથી બચવા છટણી કરશે.  હવેથી ભારતીયો સહિતના વિદેશી કર્મચારીઓને અમેરિકામાં કામ કરવાની પહેલા કરતા ઓછી તક મળશે. 

લાખોનો ખર્ચો કરીને અમેરિકામાં શિક્ષણ મેળવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં નોકરી મેળવી મુશ્કેલ થઇ જશે.    

અમેરિકાની કંપનીઓમાં સ્થાનિકોને કાઢી મુકી વિદેશીઓને પ્રાથમિકતા

* ૫૦૦૦ એચ-૧બી કર્મચારીઓને એક સોફ્ટવેર કંપનીને વર્ષ ૨૦૨૫માં મંજૂરી મળી હતી. 

* ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની આ જ કંપનીએ જાહેરાત કરી હતી જેમાં મોટાભાગના સ્થાનિકો હતા. 

* ૧,૭૦૦ H-1B વર્કરો માટે વર્ષ ૨૦૨૫માં અન્ય એક કંપનીને મંજૂરી મળી હતી.  

* ૨,૪૦૦ અમેરિકન કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય જુલાઈમાં ઓરેગોનમાં જાહેર કર્યો. 

* ૨૭,૦૦૦ અમેરિકન કર્મચારીઓને ત્રીજી કંપનીએ ૨૦૨૨ રવાના કર્યા હતા છે. સામે એચ-૧બી વિઝાની સંખ્યા વધારી હતી. 

* ૧૦૦૦ અમેરિકનોને હટાવનારી અન્ય એક કંપનીને ૨૦૨૫ માટે ૧,૧૦૦થી વધુ H-1B વર્કરો માટે મંજૂરી આપવામાં આવી હતી.

અમેરિકાના એચ-1બી વિઝા વિષે અવનવુ

ગયા વર્ષે એચ-૧બી વિઝા માટેની ચાર લાખ જેટલી અરજીઓ મંજૂર થઇ હતી, જેમાં અડધાથી વધુ રિન્યૂ માટેની અરજીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિઝાધારકોમાં ભારતીયો ટોચના સ્થાને છે, જેમ કે વર્ષ ૨૦૨૩માં મંજૂર થયેલી કુલ અરજીઓમાંથી ૭૩ ટકા એવા લોકોની હતી કે જેમનો જન્મ ભારતમાં થયો હોય. બીજા ક્રમે ચીનનો સમાવેશ થાય છે જે કુલ એચ-૧બી વિઝાધારકોમાં ૧૨ ટકા હિસ્સો ધરાવે છે.  મંજૂર થયેલી અરજીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી માસ્ટર્સ ડિગ્રી ધારકોની સંખ્યા બેચલર ડિગ્રીધારકો કરતા વધી છે.  જે પણ લોકોએ એચ-૧બી વિઝા મેળવી નોકરી પ્રાપ્ત કરી તેમાં કમ્પ્યુટર કે આઇટી ક્ષેત્ર સાથે ૬૪ ટકા, એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે ૯ ટકા છે. 

શિક્ષણ સાથે ૬ ટકા, સ્વાસ્થ્ય અને મેડિસિન ક્ષેત્રમાં ૪ ટકાનો સમાવેશ થાય છે. એચ-૧બી વિઝા માટે ઓછામાં ઓછુ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ જરૂરી છે. વોશિંગ્ટન ડીસી, સાન જોસે, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક સૌથી લોકપ્રિય સ્થળો છે કે જ્યાં સૌથી વધુ લોકો નોકરી માટે જાય છે.     

પિયૂષ ગોયલ ટ્રેડ ડીલ માટે 22 સપ્ટે. અમેરિકા જશે

ભારતના વેપાર અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અમેરિકા વેપાર મંત્રણા માટે ૨૨ સપ્ટેમ્બરે અમેરિકા જશે. વાણિજ્ય અને વેપાર પ્રધાને આ અંગેની જાહેરાત કરી હતી. હાલમાં અમેરિકાની ટીમ ભારત આવી રહી છે અને ભારતમાં વેપાર અને વાણિજ્ય સચિવ રાજેશકુમાર અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ સાથે ચર્ચા વિચારણા કરી રહી છે. 

ગયા વર્ષે સૌથી વધુ એચ-1બી વિઝાધારકો રાખનારી કંપનીઓ

એમેઝોન

 ૯૩૦૦

ઇન્ફોસીસ

૮૧૦૦

કોગ્નિઝન્ટ

૬૩૦૦

ગુગલ

૫૪૦૦

ટીસીએસ

૫૩૦૦

મેટા

૪૮૦૦

માઇક્રોસોફ્ટ

૪૭૦૦

એપલ

૩૯૦૦

કુલ

૪૭,૦૦૦