ટ્રમ્પે બીજા સાત દેશો પર ૨૫થી 30 ટકાનો ટેરિફ બોમ્બ ઝીંક્યો
- અગાઉ ટ્રમ્પે 12 દેશો પર ટેરિફ લાદ્યો હતો
- ભારતની ફાર્માસ્યુટિકલ્સ પર 200 ટકા ટેરિફના કારણે અમેરિકનોને મળતી સસ્તી દવા વધુ મોંઘી થશે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના જુદા-જુદા દેશો પર ટેરિફ બોમ્બ ઝીંકવાનો પ્રારંભ કરી દીધો છે. પહેલા ૧૨ દેશો પર ટેરિફ બોમ્બ ઝીંક્યા પછી ટ્રમ્પે પછીના દિવસે બીજા છ દેશો પર ટેરિફ લાદ્યા છે. ટ્રમ્પે અલ્જીરિયા, ઇરાક અને લીબિયા પર ૩૦ ટકા ટેરિફ લાદ્યો છે. બુ્રનેઈ અને મોલ્ડોવા પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે ફિલિપાઇન્સમાંથી થતી આયાત પર ૨૦ ટકા ટેરિફ લાદ્યો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તે વધુને વધુ દેશોને ટેરિફ લેટર મોકલી રહ્યા છે, તેના પછી ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આજે અમે સાત દેશોની અત્યારે જાહેરાત કરી છે અને બીજા દેશોની બપોરે જાહેરાત કરીશું.
આ પહેલા ટ્રમ્પે દિવસ અગાઉ જ બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાથી થતી આયાત પર ૧૦ ટરિફની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે આ ઉપરાંત કોપર પર ૫૦ ટકા ટેરિફની અને ફાર્માસ્યુટિકલ પર ૨૦૦ ટકા ટેરિફની જાહેરાત તો કરી જ છે. તેના પગલે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા છવાઈ છે.
ટ્રમ્પે ભારતીય ફાર્માસ્યુટિકલની આયાત પર ૨૦૦ ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ પ્રસ્તાવ પર જો તે આગળ વધે તો અમેરિકામાં ભારતીય દવાઓ મોંઘી થઈ શકે છે. તેમા ખાસ કરીને અત્યંત સાંકડા નફા માર્જિન પર કામ કરતી નાની ફાર્મા કંપનીઓ પર વિપરીત અસર પડી શકે છે.
ઉદ્યોગના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે અમેરિકા જો ભારતીય ફાર્મા પર ૨૦૦ ટકા ટેરિફ લાદે તો અમેરિકનોને જ ભારતીય દવા મોંઘી પડશે. અમેરિકનોને જ મોંઘવારીનો માર પડશે, તેથી આ પગલું લાંબા સમય સુધી ચાલુ રહે તેવી સંભાવના ઓછી છે. ખરાબમાં ખરાબ સ્થિતિમાં અમે ભાવ વધારી દઇશું.