US-Europe Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના યુરોપીય સાથી દેશો પર આકરા પ્રહારો કર્યા છે. નાટો (NATO)ના ચીફ માર્ક રુટ સાથેની તાજેતરની મુલાકાતમાં, ટ્રમ્પે ઈરાન યુદ્ધ દરમિયાન યુરોપીય દેશો દ્વારા પૂરતો સહયોગ ન મળવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 'ઘણાં મુખ્ય સાથી દેશોએ સંકટના સમયે અમેરિકાને ભારે નિરાશ કર્યું છે.'
યુરોપના આ પ્રમુખ દેશોથી ટ્રમ્પ નારાજ
નાટો ચીફ સાથેની બેઠકમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેન જેવા શક્તિશાળી દેશોના નામ જોગ ઉલ્લેખ કરીને પોતાની નારાજગી જાહેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, 'યુદ્ધ દરમિયાન આ દેશો પાસેથી જે સ્તરના સક્રિય અને ખુલ્લા સમર્થનની આશા હતી, તે મળી નથી. જો અમેરિકાની જગ્યાએ અન્ય કોઈ દેશ આ સ્થિતિમાં હોત, તો કદાચ આજે તે આ દેશો સાથે બેઠક પણ ન કરત. ઈરાન વિરુદ્ધના લશ્કરી અભિયાનમાં સાથી દેશોએ પડદા પાછળ રહેવાને બદલે ખુલ્લેઆમ અમેરિકાની પડખે ઊભા રહેવાની જરૂર હતી, જેથી દુનિયામાં એક મજબૂત સંદેશ જઈ શકત.'
જોકે, આ તીખા પ્રહારો વચ્ચે પણ પ્રમુખ ટ્રમ્પે નાટોના વડા માર્ક રુટ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે 'અમેરિકા તથા નાટો નેતૃત્વ વચ્ચે આગામી સમયમાં પણ વાતચીતનો દોર ચાલુ રહેશે.'
નાટો ચીફ માર્ક રુટે કર્યો યુરોપનો બચાવ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા સામે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુરોપિયન દેશોનો જોરદાર બચાવ કર્યો હતો. તેમણે આ સૈન્ય કાર્યવાહીના પરિણામો અને યુરોપના ફાળા અંગે જણાવ્યું હતું કે, ' આ લશ્કરી કાર્યવાહી મુખ્યત્વે ઈરાનની પરમાણુ ક્ષમતાઓને રોકવા માટે હતી, જેને ગંભીર નુકસાન પહોંચાડવામાં સફળતા મળી છે. G7 નેતાઓએ પણ આ કાર્યવાહીના વ્યૂહાત્મક પરિણામોનો સ્વીકાર કર્યો છે. યુરોપિયન દેશોએ ભલે ખુલ્લેઆમ મોરચો ન માંડ્યો હોય, પરંતુ તેમણે પડદા પાછળ રહીને અમેરિકાને અત્યંત મહત્વપૂર્ણ સૈન્ય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી. યુદ્ધના છ અઠવાડિયાના ગાળા દરમિયાન યુરોપના વિવિધ સૈન્ય મથકો પરથી અમેરિકાના 4,000થી 5,000 લશ્કરી વિમાનો કાર્યરત હતા. યુરોપીય દેશોએ પોતાના એરપોર્ટ અને લશ્કરી સુવિધાઓ અમેરિકા માટે ખુલ્લી મૂકી દીધી હતી.'
માર્ક રુટે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટના એરપોર્ટનું વિશેષ ઉદાહરણ આપતા કહ્યું કે, 'ત્યાં અમેરિકાની લશ્કરી જરૂરિયાતોને સંતોષવા માટે તાત્કાલિક ધોરણે મોટા ફેરફારો અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં ચિંતાઓ અને મતભેદો ચોક્કસ હતા, પરંતુ એકંદરે તમામ યુરોપિયન સાથીઓ મુશ્કેલ સમયમાં અમેરિકાની પડખે જ ઊભા રહ્યા હતા.'
યુદ્ધ બાદ પણ પરસ્પર મતભેદો યથાવત
આ બેઠક અને બંને નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે ઈરાન યુદ્ધ પૂરું થયા પછી પણ અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશો વચ્ચે વૈશ્વિક સુરક્ષાની જવાબદારીઓ અંગેના મતભેદો સપાટી પર આવી ગયા છે. એક તરફ પ્રમુખ ટ્રમ્પ ભવિષ્યમાં વધુ આક્રમક અને સક્રિય સૈન્ય સમર્થનની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે બીજી તરફ નાટો નેતૃત્વ લોજિસ્ટિકલ સહાયને જ પૂરતી ગણાવી રહ્યું છે.


