World

ટ્રમ્પનો રેર અર્થ માટે ઓસ્ટ્રેલિયા સાથે 8.5 અબજ ડોલરનો સોદો

By GS TEAM
22 Oct 20252 mins read
ટ્રમ્પનો રેર અર્થ માટે ઓસ્ટ્રેલિયા સાથે 8.5 અબજ ડોલરનો સોદો

- રેર અર્થ મુદ્દે અમેરિકાનું નાક દબાવતા ચીનને મોટો ફટકો

- ક્રિટિકલ મિનરલ્સ માટે લઘુત્તમ મૂલ્ય નિશ્ચિત કરાયું, બંને દેશે વેપાર, સંરક્ષણ સાધનો અને સબમરીન પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજી મુજબના વ્યાપારિક સોદા માટે ચીનને ટેરિફની ધમકી આપી રહ્યા છે. બીજીબાજુ ચીને પણ રેર અર્થની નિકાસ પર પ્રતિબંધો મૂકીને અમેરિકાનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા સંજોગમાં અમેરિકાએ સોમવારે રેર અર્થ મુદ્દે ઓસ્ટ્રેલિયા સાથે મહત્વપૂર્ણ સોદો કરી ચીનને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સ સંબંધિત સોદા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથેની બેઠકમાં ૮.૫ અબજ ડોલર (અંદાજે રૂ. ૭૧,૦૦૦ કરોડન)ના મૂલ્યના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી ચાર-પાંચ મહિનાની વાતચીત પછી થઈ શકી છે. આ સોદો રેર અર્થ મિનરલ્સ અને ક્રિટિકલ મિનરલ્સ સંબંધિત છે, જે ઈલેક્ટ્રિક વાહન, જેટ એન્જિન અને સંરક્ષણના સાધનો બનાવવા માટે જરૂરી છે.

ટ્રમ્પ અને અલ્બાનીઝે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર, સંરક્ષણ સાધનો અને સબમરીન પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરી હતી. આ કરાર હેઠળ આગામી છ મહિનામાં બંને દેશ ખનન અને પ્રોસેસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે. સાથે જ ક્રિટિકલ મિનરલ્સ માટે લઘુત્તમ મૂલ્ય નિશ્ચિત કરાયું છે, જે લાંબા સમયથી પશ્ચિમી કંપનીઓની માગ હતી. 

ચીન પાસે દુનિયાના સૌથી મોટી રેર અર્થ અનામતો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પણ આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ખેલાડી છે. અમેરિકા હવે પોતાના ક્વાડ સાથીદાર ઓસ્ટ્રેલિયા પર વિશ્વાસ વધારી રહ્યું છે, જેથી ચીન પર નિર્ભરતા ઘટી શકે. ઓસ્ટ્રેલિયા સાથેની સમજૂતી ભૂ-રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. પશ્ચિમી દેશો હવે રેર અર્થ મુદ્દે ચીન પર નિર્ભરતા ઘટાડવા માગે છે. ચીને તાજેતરના મહિનાઓમાં રેર અર્થની નિકાસ પર નિયંત્રણો મૂકી દેતા વૈશ્વિક પુરવઠા ચેઈન પર દબાણ વધી ગયું છે. ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે, આગામી એક વર્ષમાં અમારી પાસે આટલા પ્રમાણમાં ક્રિટિકલ મિનરલ્સ હશે કે સમજમાં નહીં આવે કે તેનું શું કરવું જોઈએ. તેનું મૂલ્ય માત્ર બે ડોલર જેટલું રહી જશે. વડાપ્રધાન અલ્બાનીઝે કહ્યું કે, આ સમજૂતી અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. તેમણે આ સોદાને ઓસ્ટ્રેલિયાની સુરક્ષા નીતિ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.