ફોર્ડૌ અણુ મથક પર હુમલા માટે ટ્રમ્પે બી-2 સ્ટીલ્થ બોમ્બર રવાના કર્યા

- ઈરાનના ફોર્ડૌ પરમાણુ મથકનો નાશ કરવા ઈઝરાયેલ સક્ષમ નહીં : ટ્રમ્પ
- ઈઝરાયેલે 1,000 કિ.મી. દૂરથી ટોચના કમાન્ડરને ઠાર કર્યો, અન્ય બે કમાન્ડરનો ખાત્મો, ઈસ્ફાહનમાં પરમાણુ સંશોધન કેન્દ્ર પર હુમલો
વોશિંગ્ટન/તેલ અવીવ/તહેરાન : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ નવમા દિવસમાં પ્રવેશી ગયું છે. ઈરાનને પરમાણુ હથિયાર બનાવતું રોકવા માટે ઈઝરાયેલ સતત નવ દિવસથી ઈરાનના નતાંઝ અને ફોર્ડૌ સહિતના પરમાણુ મથકો પર હુમલા કરી રહ્યું છે, પરંતુ ઈઝરાયેલ તેમાં સફળ થઈ શક્યું નથી. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈઝરાયેલ ફોર્ડૌ પરમાણુ મથકનો નાશ કરવા સક્ષમ નથી. ટ્રમ્પે ઈરાન પર સીધો હુમલો કરવાનો નિર્ણય બે સપ્તાહ મુલતવી રાખ્યો હોવાનું જણાવ્યું છે. તેમ છતાં ફોર્ડૌ પરમાણુ મથકનો નાશ કરવા સક્ષમ અમેરિકાના છ જેટલા બી-૨ સ્ટીલ્થ બોમ્બર મિસૌરીના વ્હિટમેન એરફોર્સ બેઝથી રવાના થયા હોવાનું મનાય છે.
અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ અમેરિકન એરફોર્સના બી-૨ સ્ટીલ્થ બોમ્બર્સ હવામાં જ રીફ્યુઅલિંગની સુવિધા આપતા આઠ કેસી-૧૩૫ સ્ટ્રાટોટેન્કર્સ સાથે મિસૌરીથી રવાના થયા છે. આ એરક્રાફ્ટ હિંદ મહાસાગરમાં અમેરિકાના વ્યૂહાત્મક સૈન્ય બેઝ ડિએગો ગાર્સિઆ તરફ રવાના થયા છે. ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ ચાર ટેન્કર્સના બે જૂથ બોમ્બર્સ સાથે કેન્સાસ પરથી ઉડતા જોવા મળ્યા હતા.
અમેરિકન સૈન્યે ફાઈટર્સ, ટેન્કર્સ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સહિત તેના અનેક વિમાનો તેમજ સૈન્ય શસ્ત્ર સરંજામ યુરોપ અને મધ્ય-પૂર્વમાં ગોઠવ્યો છે તેવા સમયે બી-૨ બોમ્બર્સનું રીપોઝિશનિંગ મહત્વપૂર્ણ છે. આ બોમ્બર્સ ફોર્ડૌ પરમાણુ મથકનો નાશ કરવા માટે સક્ષમ બંકર બ્લસ્ટર બોમ્બને વહન કરી શકે છે. વધુમાં બી-૨ સ્ટીલ્થ બોમ્બર્સ પરંપરાગત અને પરમાણુ શસ્ત્રો વહન કરવા તેમજ લાંબા અંતરના સ્ટ્રાઈક મિશન્સ માટે પણ સક્ષમ છે.
દરમિયાન ઈઝરાયેલની સેનાએ શનિવારે ઈરાનના પરમાણુ રિસર્ચ એકમ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે શનિવારે સવારે ઈસ્ફાહનમાં એક પર્વત નજીકના વિસ્તારમાં પરમાણુ રિસર્ચ એકમ પર બે વખત હુમલો કર્યો હતો. તેના નિશાના પર બે સેન્ટ્રિફ્યુઝ ઉત્પાદન એકમ હતા. ટાર્ગેટેડ હુમલામાં ઈઝરાયેલે ડ્રોન હુમલો કરતા ૧,૦૦૦ કિ.મી. દૂરથી ઈરાનની આઈઆરજીસીના હથિયાર ટ્રાન્સફર યુનિટના કમાન્ડર બેહનામ શહરયારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહરયારી ઈઝરાયેલથી ૧૦૦૦ કિ.મી. દૂર પશ્ચિમ ઈરાનમાં કારમાં ક્યાંક જઈ રહ્યા હતા તેવા સમયે ઈઝરાયેલના દળોએ તેમની કાર પર ડ્રોનથી સચોટ હુમલો કર્યો હતો. શહરયારી પર મધ્ય-પૂર્વમાં પ્રોક્સી સાથીઓને હથિયાર પહોંચાડવાની જવાબદારી હતી.
આ સિવાય ઈઝરાયેલે ૭ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ ઈઝરાયેલ પર આતંકી હુમલા માટે હમાસને ફન્ડિંગ કરનારા કુર્દ ફોર્સના સઈદ ઈઝાદીને કોમ શહેરમાં ઠાર કર્યો હતો. ઈઝરાયેલના સૈન્યે આઈઆરજીસીના સેકન્ડ યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર ઝૌદકીને પણ ઠાર કર્યો છે. આ સિવાય ઈઝરાયેલે ઈરાનની ગુપ્તચર એજન્સીના જાસૂસો અને ૧૫ સૈનિકોને મારી નાંખ્યા હતા. ઈઝરાયેલના હુમલામાં ઈરાનમાં અત્યાર સુધીમાં ૬૫૦થી વધુ લોકોનાં મોત થઈ ગયા છ ેજ્યારે ૨,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન સિંધુ હાથ ધર્યું છે, જેના હેઠળ અત્યાર સુધીમાં ૮૨૭ ભારતીયોને સ્વદેશ લવાયા છે. શમ્મદથી ભારતીય નાગરિકોને લઈને આવતા મહાન એરના ત્રણ વિમાનો શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. આ સમયે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ બધા જ ભારતીયોને બહાર લવાશે. મોદી સરકાર ભારતીયોની સાથે ઈરાનમાંથી નેપાળી નાગરિકોને પણ ભારત લઈ આવશે.









