અમેરિકા સીરિયા પરના પ્રતિબંધો હટાવશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
US President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે (13 મે) એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, અમેરિકા સીરિયા પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી રહ્યું છે. તેમણે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આયોજિત ઈવેસ્ટમેન્ટ પરિષદને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે સીરિયાને તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાની તક મળવાનો સમય આવી ગયો છે.
પ્રતિબંધો હટાવીશું, કંઈક ખાસ કરી બતાવો : ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, ‘હું સીરિયા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવાનો આદેશ આપીશ, જેથી તેમને ફરીથી પોતાને સ્થાપિત કરવાની તક મળી શકે. આ તેમનો ચમકવાનો સમય છે. અમે બધા પ્રતિબંધો હટાવી રહ્યા છીએ. શુભકામના સીરિયા, અમને કંઈક ખાસ કરી બતાવો.’
ટ્રમ્પે પ્રતિબંધોનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયાનો દાવો કર્યો
તેમણે સ્પષ્ટતા કરી છે કે, પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયા પર દબાણ લાવવાનો હતો જેથી તે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવ અધિકારોનું સન્માન કરે. હવે આ તબક્કો પૂરો થઈ ગયો છે, તેથી સીરિયાને પુનર્નિર્માણ અને શાંતિ તરફ આગળ વધવાની મંજૂરી આપવી જોઈએ.
પ્રતિબંધો શા માટે લાદવામાં આવ્યા?
સીરિયાના ગૃહયુદ્ધ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘન અને લશ્કરી કાર્યવાહીને કારણે અમેરિકા અને તેના સાથીઓએ સીરિયા પર અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. આ પ્રતિબંધોનો હેતુ સીરિયાની સરકાર પર આર્થિક અને રાજદ્વારી દબાણ બનાવવાનો હતો, જેથી ત્યાં લોકશાહી પ્રક્રિયાને પ્રોત્સાહન મળી શકે અને નાગરિકોના અધિકારોની સુરક્ષા થઈ શકે.
ટ્રમ્પની આ જાહેરાતથી સીરિયાને મોટી રાહત થઈ શકે છે, જોકે આંતરરાષ્ટ્રીય સમુદાયે હજુ સુધી તેના પર કોઈ પ્રતિભાવ આપ્યો નથી. યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો તરફથી આ નિર્ણયનો શું પ્રતિભાવ મળશે તે જોવાનું બાકી છે.