Donald Trump Statement: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ-પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને અટકાવવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક નિવેદન જારી કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ હવે અસ્થાયી રૂપે બંધ થઈ જશે અને તેઓ શાંતિના માર્ગે પાછા ફરશે. આ સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની અસરકારકતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
થાઈલેન્ડ-કમ્બોડિયા સીઝફાયર અને ટ્રમ્પની ભૂમિકા
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશોના નેતાઓએ તાજેતરમાં સંમત થયેલી મૂળભૂત સંધિ અનુસાર સંઘર્ષ વિરામનો નિર્ણય લીધો છે. બંને દેશોના નેતાઓએ આ વિવાદને ઝડપથી અને ન્યાયી રીતે ઉકેલવામાં દૂરંદેશી દર્શાવી છે. યુનાઇટેડ સ્ટેટ્સને આ પ્રક્રિયામાં મદદ કરવા બદલ ગર્વ છે. આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા વૈશ્વિક સંજોગોમાં ઝડપી અને નિર્ણાયક નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી છે, જે અમેરિકાએ કરી બતાવ્યું છે.
આ પણ વાંચો: 20 મુદ્દામાંથી 90% પર સહમતિ પરંતુ મામલો ક્યાં અટક્યો? ટ્રમ્પ-ઝેલેન્સકીની બેઠક પૂરી થઈ!
'વાસ્તવિક સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા છે'
સંયુક્ત રાષ્ટ્ર (UN) પર આકરા પ્રહારો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'છેલ્લા અગિયાર મહિનામાં અમેરિકાએ આઠ જેટલા સંઘર્ષો ઉકેલવામાં કે અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.'
ટ્રમ્પના મતે યુએસ હવે "વાસ્તવિક સંયુક્ત રાષ્ટ્ર" તરીકે કાર્ય કરી રહ્યું છે, જ્યારે અસલ સંયુક્ત રાષ્ટ્રે આ સંઘર્ષોમાં બહુ ઓછી સહાય કે સમર્થન આપ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને "વર્તમાન આપત્તિ" ગણાવતા કહ્યું કે આ મામલે પણ સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા તદ્દન બિનઅસરકારક રહી છે.
વૈશ્વિક શાંતિ માટે UN ને પડકાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માંગ કરી છે કે સંયુક્ત રાષ્ટ્ર હવે માત્ર વાતો કરવાને બદલે વધુ સક્રિય બને અને વૈશ્વિક શાંતિમાં નક્કર ભૂમિકા ભજવે. તેમણે દાવો કર્યો કે, વિશ્વમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે UN એ આગળ આવીને અસરકારક હસ્તક્ષેપ કરવો જોઈએ. ટ્રમ્પના આ નિવેદન સૂચવે છે કે તેઓ આગામી સમયમાં અમેરિકાની વિદેશ નીતિને વધુ આક્રમક બનાવવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પર નિર્ભર રહેવાને બદલે સીધી મધ્યસ્થી કરવામાં માને છે. થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેના સીઝફાયરને તેઓ પોતાની મોટી રાજદ્વારી જીત તરીકે જોઈ રહ્યા છે.


