Get The App

‘ટેલર સ્વિફ્ટ હવે હૉટ નથી રહી’, સ્ટાર સિંગર પર ટ્રમ્પની ટિપ્પણીથી સૌ કોઈ ચોંક્યું, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
‘ટેલર સ્વિફ્ટ હવે હૉટ નથી રહી’, સ્ટાર સિંગર પર ટ્રમ્પની ટિપ્પણીથી સૌ કોઈ ચોંક્યું, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ 1 - image


વૈશ્વિક રાજકારણ હોય કે ઘરઆંગણાના મુદ્દા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર એવા એલફેલ વિધાનો કરતા રહે છે કે એનાથી વિવાદ સર્જાઈ જાય છે. તાજેતરમાં તેમણે અમેરિકન પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ માટે ‘એ હવે “હોટ” નથી રહી’ એવું લખીને લોકોની ટીકા વહોરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે લખ્યું હતું કે, ‘શું કોઈએ એ વાત પર ધ્યાન આપ્યું છે કે, જ્યારથી મેં “હું ટેલર સ્વિફ્ટને નફરત કરું છું” એવું કહ્યું ત્યારથી તે “હોટ” રહી નથી?’ આ મુદ્દે સોશિયલ મીડિયા વપરાશકારોએ ટ્રમ્પની ટીકા કરવા માંડી છે.


સ્વિફ્ટના ઘર પાસેથી માનવ અવશેષ મળી આવ્યા

કરોડો દિલોની રાણી એવી ટેલર સ્વિફ્ટ તાજેતરમાં જુદા કારણોસર ચર્ચામાં આવી છે. વિસ્તારની દૃષ્ટિએ અમેરિકાના સૌથી નાના રાજ્ય ‘ર્‍હોડ આઈલેન્ડ’ (Rhode Island)માં ટેલર સ્વિફ્ટનું ભવ્ય ઘર આવેલું છે. તાજેતરમાં એના ઘર પાસેથી માનવ અવશેષો મળી આવતાં સ્વિફ્ટ સમાચારોમાં ઝળકી છે. દરિયાના પાણીમાં વહીને એક માનવ પગ ટેલર સ્વિફ્ટના ઘર નજીક આવી ગયો હતો. આ સમાચાર માધ્યમોમાં ચગ્યા બાદ ટ્રમ્પે ટેલર સ્વિફ્ટ વિશે પેલી અઘટિત પોસ્ટ કરી હતી. 

સોશિયલ મીડિયા પર ટ્રમ્પને ‘નબળા’ ગણાવાયા

ટ્રમ્પની પોસ્ટના વિરોધમાં લોકો લખી રહ્યા છે કે, ‘35 વર્ષની ટેલર સ્વિફ્ટે અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રતિસ્પર્ધી કમલા હેરિસને સમર્થન આપ્યું હોવાથી 78 વર્ષના ટ્રમ્પ પોતાનો બળાપો આ રીતે ઠાલવી રહ્યા છે.’

એક વપરાશકારે લખ્યું હતું કે, ‘ટેલર સ્વિફ્ટે વર્ષો પહેલાં ટ્રમ્પની ટીકા કરી હતી, ત્યારથી એ માણસના મનમાં ખૂન્નસ છે. ટ્રમ્પ એક નબળો માણસ છે જે એ હકીકત સહન નથી કરી શકતો કે વિશ્વની સૌથી પ્રખ્યાત મહિલા તેને પસંદ નથી કરતી.’ 

બીજાએ લખ્યું હતું કે, ‘આ રાષ્ટ્રપતિપદને છાજે એવું વર્તન નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ટ્રમ્પ ટેલર સ્વિફ્ટ બાબતે આટલી નીચી હદે ઉતરી જશે.’

સિરિયલ કિલિંગની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે

તાજેતરમાં અમેરિકામાં મેસેચ્યુસેટ્સ રાજ્યમાં પાંચ, કનેક્ટિકટમાં પાંચ અને હવે ર્‍હોડ આઈલેન્ડમાં એક પછી એક કરીને ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જેને લીધે આ કોઈ સિરિયલ કિલરનું કામ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

Tags :