ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના વિરોધીઓને મૂર્ખ ગણાવ્યાં, કહ્યું - દરેક અમેરિકનને 2000 ડોલર મળશે

Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટેરિફ નીતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય રહી છે. જ્યારે અમેરિકામાં પણ તેનો વિરોધ શરૂ થયો, ત્યારે ટ્રમ્પે તેનો સખત બચાવ કર્યો અને વિરોધીઓ પર નિશાન સાધ્યું. રવિવારે, ટ્રમ્પે વિરોધ કરનારાઓને 'મૂર્ખ' ગણાવ્યા. આ સાથે, તેમણે દાવો કર્યો કે ટેરિફના કારણે અમેરિકા વિશ્વનો સૌથી સમૃદ્ધ અને આદરણીય દેશ બન્યો છે, જ્યાં લગભગ કોઈ મોંઘવારી નથી.
દરેક અમેરિકનને 2000 ડોલર મળશે
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, 'ટેરિફથી અમેરિકા ટ્રિલિયન ડોલર કમાઈ રહ્યું છે અને આ જ પૈસાથી દેશ જલ્દી પોતાનું દેવું ચૂકવવાનું શરૂ કરશે. તેમજ તમામ અમેરિકનોને ઓછામાં ઓછા $2,000નું ડિવિડન્ડ આપવામાં આવશે.' જોકે આ રકમ ઊંચી આવકવાળા લોકોને નહીં મળે.
ટીકાકારો પર ટ્રમ્પે સાધ્યું નિશાન
વિશ્વને પોતાના ટેરિફથી ડરાવનારા ડોનાલ્ડ ટ્રમ્પ, આ નીતિથી અમેરિકાને મળતા ફાયદાઓ સતત ગણાવી રહ્યા છે. 'ટ્રુથ સોશિયલ' પ્લેટફોર્મ પરની પોતાની તાજેતરની પોસ્ટમાં, તેમણે પોતાની વેપાર નીતિને પ્રોત્સાહન આપ્યું. ટ્રમ્પે દાવો કર્યો કે, 'તેમના નેતૃત્વને કારણે અમેરિકા વિશ્વનો સૌથી ધનવાન અને સન્માનિત દેશ બન્યો છે, જ્યાં રેકોર્ડ સ્ટોક મૂલ્યો, ઊંચું 401(K) (નિવૃત્તિ બચત યોજનાઓ) બેલેન્સ અને ફેક્ટરીઓમાં દરેક જગ્યાએ વૃદ્ધિ જોવા મળી રહી છે.'

અમેરિકાની આર્થિક મજબૂતી માટે ટેરિફને મુખ્ય પરિબળ ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પે તેનો બચાવ કર્યો. આ સાથે જ, તેમણે ટેરિફના વિરોધીઓ અને ટીકાકારો પર પણ નિશાન સાધ્યું. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું કે, 'જે લોકો ટેરિફની વિરુદ્ધ છે, તેઓ મૂર્ખ છે!' અમેરિકન પ્રમુખએ દલીલ કરી કે ટેરિફે રોકાણ અને રોજગારની તકોને વેગ આપ્યો છે.
ટેરિફથી ખરબોની આવક, દેવું ઓછું કરીશું
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, 'ટેરિફથી આવતી રેવેન્યુ દ્વારા અમેરિકાને ખરબો ડોલરની આવક થઈ રહી છે અને તેનો ઉપયોગ અમેરિકા પરના દેવું ચૂકવવા માટે પણ થઈ શકે છે, જે હવે $37 ટ્રિલિયન થઈ ગયું છે.' ટેરિફને લઈને ટ્રમ્પનો આ તાજો દાવો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે તેમનો આ ટેરિફ કાર્યક્રમ કાનૂની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે.
આ પણ વાંચો: અમેરિકામાં સરકારી શટડાઉનનો અંત નજીક! ડેમોક્રેટ્સ-રિપબ્લિકન્સ વચ્ચે સહમતિના સંકેત
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે મહત્ત્વની સુનાવણી
જણાવી દઈએ કે વિશ્વભરમાં ટેરિફને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટે છ નવેમ્બરથી ટ્રમ્પના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન લગાવવામાં આવેલા વૈશ્વિક ટેરિફને લઈને મહત્ત્વપૂર્ણ સુનાવણી શરૂ કરી છે. આ મામલો અમેરિકન અદાલતોમાં ઘણો મહત્ત્વનો આર્થિક મામલો માનવામાં આવી રહ્યો છે.
ન્યાયાધીશોએ ટ્રમ્પની નીતિ પર શંકા વ્યક્ત કરી
મામલાની સુનાવણી દરમિયાન ઘણા ન્યાયાધીશોએ ટ્રમ્પની નીતિ પર શંકા વ્યક્ત કરી. જસ્ટિસ બેરેટે સવાલ ઉઠાવ્યો કે વહીવટીતંત્રે એક સંઘીય કાયદાનો ઉપયોગ કરીને તમામ દેશો પર સમાન ટેરિફ કેમ લગાવ્યો. આ દરમિયાન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે અદાલતમાં કહ્યું કે વહીવટીતંત્ર આને આર્થિક કટોકટી (ઇકોનોમિક ઇમરજન્સી) તરીકે જુએ છે.

