ટ્રમ્પ પ્રતિબંધો હળવા કરવાની ના કહે છે, ફરી ઇરાન પર બોમ્બમારો કરવા માગે છે
- આમ છતાં ખામેનીને ખતમ કરવાનાં ઇઝરાયલનાં આયોજન ઉપર અમેરિકાના પ્રમુખે પ્રતિબંધ મુક્યો છે
વૉશિંગ્ટન : ઇરાનના સર્વોચ્ચ નેતા, અલિ ખામેનીની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉગ્ર ટીકા કરી હતી. સાથે ઇરાન ઉપરના પ્રતિબંધો ઉઠાવવાની સ્પષ્ટ ના કહેતાં તેઓએ ઇરાન ઉપર ફરી બોમ્બમારો કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી, અને કહ્યું હતું કે ઇરાન જો પરમાણુ શસ્ત્ર બની શકે તેટલી હદે યુરેનિયમ તૈયાર કરશે તો ફરી તેની ઉપર બોમ્બવર્ષા કરવામાં આવશે.
ખામેનીએ કહ્યું હતું કે અમેરિકાએ બોમ્બ વર્ષા કર્યા પછી કતાર સ્થિત અમેરિકી સૈન્ય મથકો ઉપર હુમલો કરી ઇરાને અમેરિકાનાં મોં ઉપર તમાચો મારી દીધો છે. ઇરાન કદી શરણાગતિ સ્વીકારશે નહીં.
ઇરાન પર ફરી બોમ્બીંગ કરી તેને વેરાન કરવાનું કહેવા છતાં ટ્રમ્પે ખામેનીને નિશાન બનાવવાની ઇઝરાયલની યોજના પર વીટો વાપર્યો હતો.
સોશ્યલ મીડીયા પર મુકેલા એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું. તેમના દેશમાં રહેલાં ત્રણ પરમાણુ સંકૂલો સંપૂર્ણ રીતે નાશ કરાયાં છે. હું જાણું છું કે તે સંકુલો ક્યાં હતાં. વિશ્વની સૌથી મહાન સત્તાએ તે ખતમ કરી નાખ્યાં છે. આમ છતાં મેં તેઓને (ખામેનીને) ઘણાં જ વિનાશક મૃત્યુમાંથી બચાવી લીધા છે.
શુક્રવારે વ્હાઇટ હાઉસમાં સંબોધેલી પત્રકાર પરિષદમાં ટ્રમ્પે ફરી કહ્યું હતું કે હું ઇરાન પર ફરી બોમ્બિંગની સંભાવના નકારતો નથી. જો જરૂર લાગશે તો તેમ કરવું જ પડશે. પરંતુ ખામેનીને ખતમ કરવાની ઇઝરાયલની યોજના પર મેં પ્રતિબધ્ધ (વીટો) મુક્યો છે.