અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ફરી ધમકી, 'આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ'
Trump Warnings For Raising Tariff on India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધારવાની ચોંકાવનારી ચીમકી આપી છે. હજી 1 ઓગસ્ટે જ ટ્રમ્પે ભારતની તમામ આયાતો પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'ભારત પર અમે 25 ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ હું વિચારી રહ્યો છું કે, આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધારો કરૂ.'
ટ્રમ્પનું ભારત પર સતત દબાણ
ટ્રમ્પે ગઈકાલે જ ભારતને ધમકી આપી હતી કે, ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં તે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી રહ્યો છે. રશિયા સાથેના વેપાર સંબંધો બદલ હું તેના પર વધુ પેનલ્ટી લાદીશ. અગાઉ 1 ઓગસ્ટે ટ્રમ્પે પ્રતિબંધો હોવા છતાં ભારતના રશિયા સાથેના વેપાર સંબંધો પર પ્રશ્નો ઉઠાવતાં 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ પેનલ્ટી પણ લાદી હતી.
આ પણ વાંચોઃ 'ટેરિફ જ નહીં ભારતીયોને અપાતાં વિઝા પણ બંધ કરો', રિપબ્લિકન નેતાની ટ્રમ્પને કાનભંભેરણી
ભારત દબાણમાં આવી નિર્ણયો લેશે નહીંઃ વિદેશ મંત્રાલય
અમેરિકા સાથે ભારતના વધી રહેલાં તણાવ વચ્ચે નવી દિલ્હીએ વધારાના ટેરિફની ધમકીને "અયોગ્ય અને ગેરવાજબી" ગણાવી છે, ટ્રમ્પની આવી દબાણ યુક્તિઓને "ગેરકાયદેસર" ગણાવી હતી. તેમજ કોઈપણ દબાણમાં આવ્યા વિના ભારતના હિતોને ધ્યાનમાં રાખી નિર્ણયો લેશે.
અમેરિકા સ્વીકારવા તૈયાર નથી કે તેનું વર્ચસ્વ ઘટ્યું
રશિયાના દિમિત્રિ પેસ્કોવેના પ્રવક્તાએ ટ્રમ્પની ધમકીઓ પર નિવેદન આપ્યું હતું કે, સાર્વભોમત્વ ધરાવતા દેશોને પોતાના ટ્રેડિંગ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે. રશિયા સાથે વેપાર સંબંધો ધરાવતા દેશો પર ટ્રમ્પ દબાણ કરી રહ્યા છે. વધુમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ પણ જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના ઘટી રહેલા વર્ચસ્વનો સ્વીકાર કરી શકતો નથી. તે વિશ્વમાં બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. તેમ છતાં અમેરિકા નિઓ-કોલોનિલિસ્ટ એજન્ડા ચલાવી રહ્યુ છે.