ગાજામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને નરસંહાર ગણવા ટ્રમ્પનો ઇન્કાર, ૬૦૦૦૦થી વધુ લોકોના થયા છે મોત
ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી માટે હમાસને જવાબદાર ગણ્યું
ગાજામાં સૈન્ય કાર્યવાહી માટે હમાસ હુમલાને જવાબદાર ગણાવ્યો
વોશિંગ્ટન,૪ ઓગસ્ટ,૨૦૨૫,સોમવાર
ઇઝરાયેલે ૪૦ કિમીના પટ્ટી વિસ્તારમાં ફેલાયેલા ગાજા પર સૈન્ય કાર્યવાહી કરીને છેલ્લા ૩ વર્ષમાં ૬ હજારથી વધુ લોકોના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ૭ ઓકટોબર ૨૦૨૩ના રાજ ગાજાના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર સેંકડો રોકેટ વડે હુમલો કર્યો ત્યારથી ઇઝરાયેલ ગાજામાં સૈન્ય અભિયાન ચલાવી રહયું છે.
ઇઝરાયેલની ક્રુરતા અને માનવ અધિકાર ભંગની અનેક ફરિયાદો પણ થઇ હતી. કેટલાક ઇઝરાયેલની કાર્યવાહીને જીનોસાઇડ (નરસંહાર) ગણાવતા હતા પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાજામાં ઇઝરાયેલના હુમલાઓને નરસંહાર ગણવાનો ઇન્કાર કરી દીધો છે. ઇઝરાયેલના ગાજા પરની સૈન્ય ગતિવિધિઓ માટે હમાસના હુમલાને જવાબદાર ગણાવ્યો હતો.
ગાજા અંગે વિસ્તૃત માહિતી આપતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દોહરાવ્યું હતું કે અમેરિકા ગાજા પટ્ટીમાં પેલેસ્ટાઇનીઓ માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહયું છે. લોકોને ભોજન મળતું રહે અને ઇઝરાયેલ તેમને ખોરાક મળતો રહે તેનું ધ્યાન રાખે તેવું ઇચ્છીએ છીએ. લોકો ભૂખથી મરી જાય એવો કોઇ ઇરાદો નથી.
ગાજામાં ઇઝરાયેલી સેનાના હુમલા પછી સહાયતા પ્રતિબંધોના કારણે વ્યાપક ભૂખમરો અને કુપોષણથી મોત થતા આંતરરાષ્ટ્રીય સ્તરે નારાજગી જોવા મળે છે. ગાજામાં માનવીય સહાયતા હવાઇ માર્ગથી. ઇઝરાયેલી સેના દ્વારા તૈયાર કરાયેલા ગલિયારા દ્વારા, ઇઝરાયેલ સમર્થિત હ્મુમેનિટોરિયન ફાઉન્ડેશન,યુએન તથા સહાયક સંગઠનો મારફતે ચાલી રહી છે.