- ભાવ વધતાં ફુગાવો વધી રહ્યો તેથી ટ્રમ્પ ઢીલા પડયા
- ભારે ટેરિફને લીધે ખાદ્ય પદાર્થોના ભાવ ઊંચકાયા, સાથે અનાજ કરિયાણાના ભાવ ઊંચકાતા જનઆક્રોશ : ટ્રમ્પે નમતું જોખવું પડયું
વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે ૨૦૦થી વધુ ખાદ્ય પદાર્થો પરનો ટેરિફ ઘટાડી નાખ્યો છે તેમાં સૌથી વધુ વપરાશમાં આવતા ખાદ્ય પદાર્થો જેવા કે, કૉફી, બીફ, કેળાં, ઓરેન્જ, જ્યુસ મુખ્ય છે. ખાદ્ય પદાર્થો ઉપરના ભાવ વધતાં અનાજ, કરિયાણાના ભાવ પણ ઉંચા ગયા હતા તે સાથે ફુગાવો પણ વધતા જનઆક્રોશ વ્યાપક બન્યો છે. આથી ડોનાલ્ડ ટ્રમ્પને નમતું જોખવું પડયું છે.
આ નવા પગલા નીચે ગુરૂવાર રાતથી જ ટેરિફ ઘટાડો અમલી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શુક્રવારે સાંજે (અમેરિકન સમય પ્રમાણે) ફ્લોરિડાથી વૉશિંગ્ટન પાછા ફરતા પ્રમુખ ટ્રમ્પે પ્રમુખ માટેના વિશિષ્ટ વિમાન એરફૉર્સ-વનમાં જ્યારે પત્રકારોએ ફુગાવો વધવા વિષે પ્રમુખને પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કદાચ થોડો ઘણો ફુગાવો દેખાતો હશે પરંતુ ખરેખર તો ફુગાવો વધતો જ નથી.
વર્જીનીયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્ક સીટીમાં ડેમોક્રેટસ રાજ્ય વિધાનસભાની અને (ન્યૂયોર્ક સીટી)માં વિજયી થયા છે તે માટેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ઉંચા ભાવને લીધે વ્યાપેલો જનાક્રોશ માનવામાં આવે છે. ખાસ કરીને લોઅર અને મિડલ ઇન્કમ ગૂ્રપના લોકોને તેની સૌથી વધુ અસર થાય છે તે વિષે ટ્રમ્પે કહ્યં હતું કે, આ ટેરિફ વધારામાંથી આવતી રકમ પૈકી તે વર્ગને દર મહિને ૨,૦૦૦ ડૉલર અપાશે.
ટ્રમ્પે, આર્જેન્ટિના, ઇક્વેડોર, ગ્વાટેમાલા અને અલ-સાલ્વડૉરથી આયાત કરાતા ખાદ્ય પદાર્થો ઉપરનો ટેરિફ ઘટાડવા નિર્ણય લીધો છે. કારણ કે કેટલીક ચીજોમાં તો ભાવ વધારો ડબલ ડીજીટ પર્સન્ટેજ જેટલો વધતા આક્રોશ વધે તે સહજ છે આથી હવે ટ્રમ્પ વહીવટી તંત્રે ૨૦૦થી વધુ ખાદ્ય પદાર્થો ઉપરનો ટેરિફ ઘટાડવા નિર્ણય લીધો છે.


