ટ્રમ્પે વિઝા ફી વધારતા ભારતીય વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સને ઝટકો

- અમેરિકન ડ્રીમ હવે 'મોંઘું' સપનું બને તેવી સંભાવના
- વિઝા ફી 185 ડોલરમાંથી સીધી 472 ડોલર કરી દેવાતા ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે
વોશિંગ્ટન : કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા, પરંતુ હવે તો અમેરિકાના કિસ્સામાં આ કહેવત પણ નહી કહી શકાય. ટ્રમ્પ વહીવટીતંત્રએ વિઝા ફીમાં એટલો તોતિંગ વધારો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓથી લઈને પ્રોફેશનલ્સ અને ટુરિસ્ટ માટે પણ વિઝા માટે અરજી કરવાનું મોંઘું થઈ ગયું છે. ટ્રમ્પે બિગ એન્ડ બ્યૂટીફૂલ બિલ હેઠળ ૨૫૦ ડોલર (અંદાજે રુ. ૨૧,૦૦૦)ની વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરી દીધી છે.
ટ્રમ્પનુ આ મહત્ત્વાકાંક્ષી બિલ ચાર જુલાઈના રોજ કાયદો બની ગયું છે. બિલ હેઠળ આવતી ફી મોંઘવારી મુજબ દર વર્ષે બદલાશે. તે એક પ્રકારના સિક્યોરિટી ડિપોઝિટ જેવી હશે, આ રકમ વિઝા માટે અરજદાર જો કેટલીક શરતોનું પાલન કરે છે તો પરત કરવામાં આવે છે.
આ પગલાં દ્વારા ટ્રમ્પ તંત્રએ ભારતીયોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમે અનવોન્ટેડ છો. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આ નવી ફીને અરજદારોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું પાલન કરવાના પ્રયત્નોના સ્વરૂપમાં જોવામાં આવી રહી છે. આના પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અમેરિકન ડ્રીમ મોંઘું થઈ ગયું છે.
નવા નિયમ મુજબ આ અનિવાર્ય ફી ૨૦૨૬થી અમલી બનશે. તે કોઈપણ વિદેશીને જારી કરવામાં આવેલા કોઈપણ અપ્રવાસી વિઝા અરજી પર લાગુ પડશે. તેમા ટુરિસ્ટ-બિઝનેસ, (બી-વન, બી-ટુ), સ્ટુડન્ટ (એફ-એમ), વર્ક (એચ-૧બી) અને એક્સ્ચેન્જ (જે) વિઝા પર પણ લાગુ પડશે. ફક્ત ડિપ્લોમેટિક વિઝા કેટેગરી (એ અને જી)ને જ તેમા છૂટ આપવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પછી અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના પ્રયત્નોના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટક્યું હતું. રૂબિયોએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની જોડે જ બેસીને ચાલતી બેઠકમાં ટ્રમ્પે વિવિધ યુદ્ધો બંધ કરાવ્યા તેનો અહેવાલ આપતા આ વાત જણાવી હતી.
હોમલેન્ડ સુરક્ષા વિભાગ વર્તમાન વિઝા અરજી ઉપરાંત વિઝા જારી કરતી વખતે સરચાર્જ પણ લગાવશે. આ નવા નિયમ પ્રમુખ ટ્રમ્પ તરફથી ગેરકાયદેસર ઇમિગ્રેશન નિયમોને મજબૂત કરવાના પ્રયત્નો વચ્ચે આવ્યા છે.
અમેરિકા સ્થિત ઇમિગ્રેશન સર્વિસ ફર્મ ફ્રેગોમેનના રિપોર્ટમાં જણાવાયું છે કે બિલમા અન્ય યાત્રા સંલગ્ન ફી પણ સામેલ છે. તેમા ૨૪ ડોલરની આઇ-૯૪ ફી, વિઝા છૂટ કાર્યક્રમો માટે ૧૩ ડોલરની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇએસટીએ) ફી, અને ૧૦ વર્ષીય બી-વન,બી-ટુ વિઝાવાળા ચીની નાગરિકો માટે ૩૦ ડોલરની ઇલેક્ટ્રોનિક વિઝા અપડેટ સિસ્ટમ (ફી) પણ સામેલ છે. આમા ક્યાંય રાહત નથી.
આજની તારીખમાં ભારતીયો માટે અમેરિકન ટુરિસ્ટ-બિઝનેસ વિઝાની કિંમત ૧૮૫ ડોલર એટલે કે ૧૫,૮૫૫ રૂપિયા છે. નવા સરચાર્જ સાથે તેમા ૨૫૦ ડોલરની ઇન્ટિગ્રિટી ફી ઉમેરાતા, ૨૪ ડોલરની આઇ-૯૪ ફી અને ૧૩ ડોલરની ઇએસટીએ ફી ઉમેરાઈ છે. આમ ટુરિસ્ટ વિઝાની કિંમત વધીને સીધી ૪૭૨ ડોલર એટલે કે રૂ. ૪૦,૪૫૬ રૂપિયા થઈ ગઈ છે. આ ફી મૂળ કિંમત કરતાં અઢી ગણી વધારે છે.









