આજે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે મહામુલાકાત, ઝેલેન્સ્કીએ કહ્યું- 'યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો'
Trump Putin Alaska Summit: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની છે, જે માટે બંને અલાસ્કા પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, યુક્રેન યુદ્ધને 3 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને આ યુદ્ધને રોકવાના પ્રયાસ ઝડપી બની ગયા છે. ટ્રમ્પ ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકી જાય. હવે પુતિનના મગજમાં શું છે? તેઓ શું વિચારીને આ બેઠકમાં આવી રહ્યા છે? દુનિયાની નજર આ બેઠક પર ટકેલી છે.
ટ્રમ્પ અને પુતિનની મુલાકાત આજે રાત્રે 12:30 વાગ્યે થશે
ટ્રમ્પ અને પુતિન અલાસ્કાના સૌથી મોટા શહેર ખાતે આવેલા એરફોર્સ બેઝ પર ભારતીય સમય અનુસાર આજે રાત્રે 12:30 વાગ્યે બેઠક કરશે. ટ્રમ્પે કહ્યું કે, તેમને આશા છે કે 3.5 વર્ષ જૂના આ યુદ્ધમાં યુદ્ધવિરામ હાંસલ કરવાની તેમની વૈશ્વિક શાંતિદૂત તરીકે સાખ મજબૂત થશે અને તેઓ નોબલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય સાબિત થશે. હું ઇચ્છું છું કે યુદ્ધવિરામ ઝડપી બને. જો આ આજે નહીં થાય તો હું ખુશ નહીં રહું. હું ઇચ્છું છું કે નિર્દોષોના જીવ લેવાનું બંધ થવું જોઈએ.
ઝેલેન્સ્કીએ કહ્યું- 'યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો'
ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પહેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, આ યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારી મહત્ત્વપૂર્ણ બેઠક ન્યાયપૂર્ણ શાંતિની દિશામાં રસ્તો કાઢશે. ઝેલેન્સ્કીએ આ બેઠકને યુક્રેન, અમેરિકા અને રશિયાના નેતાઓ વચ્ચે સાર્થક ત્રિપક્ષીય વાતાઘાટોનો અવસર ગણાવ્યો અને કહ્યું કે, તેઓ આ મામલે અમેરિકા પાસેથી સૌથી વધુ આશા રાખી રહ્યા છે.
અમને આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે: ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ ટ્વીટ કરીને લખ્યું કે, '...આ અઠવાડિયે મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારી, નિખાલસ વાતચીત થઈ હતી, જ્યારે મને આ પ્રસંગે વ્યક્તિગત રીતે શુભકામનાઓ પાઠવવાની તક મળી... અમને આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે, જેથી અમારી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ ખરેખર સુરક્ષિત રહે. મને વિશ્વાસ છે કે વિજ્ઞાન, ટેકનોલોજી, વેપાર અને સંસ્કૃતિમાં પરસ્પર ફાયદાકારક યુક્રેન-ભારત સહયોગની સંભાવના આગળ છે...'