- પહેલા 1 ટ્રિલિયન ડોલર નક્કી કર્યા : અચાનક 1.5 ટ્રિલિયન કરાયા
- 'વેનેઝુએલાના નેતાની ધરપકડ પછી વધેલી વૈશ્વિક તંગદિલીને દ્રષ્ટિમાં રાખી આવું તોતીંગ સંરક્ષણ બજેટ રજૂ કરવું પડયું છે'
વોશિંગ્ટન : વેનેઝુએલાના પ્રમુખની ધરપકડ કર્યા પછી સતત વધી રહેલી વૈશ્વિક તંગદિલીને નજરમાં રાખી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સંરક્ષણ બજેટ ૧.૫ ટ્રિલિયન ડોલર્સ જેટલું વધારી દીધું છે. ૨૦૨૬ માટેનું તો સંરક્ષણ બજેટ ૧.૦ બિલિયન ડોલર્સ જ હતું. ૨૦૨૭ માટેનું સંરક્ષણ બજેટ પહેલા તો ૧.૦ ટ્રિલિયન ડોલર્સ જ હતું. પરંતુ વેનેઝુએલા- ઘટના પછી તે અચાનક ૧.૫ ટ્રિલિયન ડોલર્સ (૧ ઉપર ૧૩ શૂન્ય - પંજાના તમામ વેઢા) જેટલું તોતીંગ સંરક્ષણ બજેટ કર્યું છે.
અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેનાં પત્ની બંનેની ધરપકડ કર્યા પછી અત્યંત વધી રહેલી વૈશ્વિક તંગીને નજરમાં રાખી આ તોતીંગ વધારો કર્યો છે. સાથે કેરેબિયન સમુદ્રમાં અમેરિકી નૌકાદળની હાજરી પણ વધારી દીધી છે. ઉપરાંત રાષ્ટ્રીય સલામતિને નજરમાં રાખી ડેન્માર્કના તાબા નીચેના સંપૂર્ણ સ્વાયત્ત ટાપુ ગ્રીનલેન્ડ ઉપર પણ કબજો જમાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે યુરોપીય દેશોમાં વિરોધ પણ શરૂ થઈ ગયો છે. અમેરિકન નેતૃત્વ નીચેનું લશ્કરી ગઠબંધન નાટો તૂટી જવાની પણ આશંકા ઉભી થઈ ગઈ છે.
આટલું જ નહીં પરંતુ ટ્રમ્પે પેસિફિક તથા એટલાંટિક (કેરેબિયન સમુદ્ર) તેમ બંને તરફ તટ પ્રદેશ ધરાવતાં કોલંબિયા ઉપર પણ અનિવાર્ય લાગે તો લશ્કરી કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી દીધી છે.
પોતાના ટ્રૂથ સોશ્યલ પોતાનાં વિધાનો કરતાં ટ્રમ્પે લખ્યું હતું કે, આ દ્વારા અમેરિકા તેનું ડ્રીમ મિલટરી ઊભું કરી શકશે. માટે આપણે લાંબા સમયથી રાહ જોતા હતા. તેથી પણ વધુ મહત્વની વાતતે છે કે અમેરિકાને તેના દુશ્મનો સામે વધુ સલામત અને વધુ સુનિશ્ચિત રાખી શકાશે.
આ વધારાના ખર્ચની રકમ તો સૂચિત ટેરિફમાંથી ઉભી થઈ શકશે. તેવો સધ્યારો આપતાં ટ્રમ્પે લખ્યું છે કે આપણે છેલ્લા એક વર્ષમાં અસામાન્ય પ્રગતિ સાધી છે. મિલિટરી ફોર્સ પણ ઉભુ કર્યું છે. આવું પ્રબળ સૈન્ય અમેરિકાના ઇતિહાસમાં ફરી જોવા મળ્યું નથી. બીજી તરફ દેવામાં ઘટાડો કર્યો છે. સાધારણ આવક જૂથના લોકોને વધુ ડીવીડન્ડ મળે તેવી પણ વ્યવસ્થા ગોઠવી છે.


