ટ્રમ્પ વિઝા નિયમોમાં લોટરીના બદલે વેઇટેજ સિસ્ટમ લાવવાની તૈયારીમાં
- અમેરિકન પ્રમુખ એચ-1બી વિઝા નિયમોમાં ધરખમ ફેરફાર કરશે
- નવી સિસ્ટમ હેઠળ પગાર અને શૈક્ષણિક અભ્યાસ પર વિશેષ ધ્યાન અપાશે : ભારતીય પ્રોફેશનલ્સને લાભની શક્યતા
- ભારતીયોનો સૌથી વધુ હિસ્સો છે તેવા એચ-વનબી વિઝા નિયમોના માળખામાં મોટાપાયા પર પરિવર્તન
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ બીજી વખત ચૂટાયા પછી કેટલાય સ્તરે અને અનેક મોરચે ધરમૂળથી ફેરફારો કરી રહ્યા છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-વનબી વિઝા જારી કરવાના નિયમોમાં ફેરફાર કરવાનું આયોજન કરી રહ્યુ છે. આ ફેરફાર હેઠળ લોટરી સિસ્ટમ ખતમ કરી વેઇટેજ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. અહેવાલ મુજબ ટ્રમ્પ તંત્ર આ ફેરફાર માટે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.
આના જ ભાગરૂપે હોમલેન્ડ સુરક્ષા વિભાગે વર્તમાન લોટરી સિસ્ટમના સ્થાને અત્યંત મર્યાદિત પ્રમાણમાં અરજદારોની પસંદગી કરવા માટે એક વેઇટેજ સિસ્ટમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એચવન-બી વિઝાના નિયમોમાં ફેરફાર સૌથી વધુ ભારતીયોને અસર કરશે. ભારતીયો એચ-વનબી વિઝામાં ૭૦ ટકા હિસ્સો ધરાવે છે.
હોમલેન્ડ સિક્યોરિટીના ફાઇલિંગમાં વેઇટેજ આધારિત સિલેકશન સિસ્ટમ અંગે હાલમાં બહુ ઓછી જાણકારી બહાર આવી છે, પરંતુ તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફેરફાર વિઝા જારી કરવાની પ્રક્રિયાની કાયદાકીય પ્રક્રિયામાં એક મર્યાદિત હિસ્સા પર અસર કરશે. હાલમાં તેને કમસેકમ ૮૫ હજાર વિઝા સુધી સીમિત રાખવામાં આવનાર છે. તેમા લગભગ ૨૦ હજાર વિઝા માસ્ટર ડિગ્રીધારીઓ માટે અનામત હશે.
હોમલેન્ડ વિભાગની ફાઇલિંગ મુજબ યુનિવર્સિટીઝ અને રિસર્ચ ઇન્સ્ટિટયુટને વાર્ષિક સીમાના આધીન રાખવામાં આવ્યા નથી. અહીં તેઓ આખા વર્ષ દરમિયાન વિદેશી પ્રતિભાઓને નીમી શકે છે અને તેના આધારે વિઝા જારી કરી શકે છે. નવી સિસ્ટમ હેઠળ વિઝા જારી કરતી વખતે અરજદારનું વેતન અને ક્વોલિફિકેશન પણ જોવામાં આવશે, જેને પગલે સ્થાનિક લોકોની નોકરી જોખમાશે નહીં અને ઊંચી ડિગ્રી ધરાવનારા હાઈલી ક્વોલિફાઈડ લોકોને જ વિઝા આપવાનું સરળ બનશે. નવી સિસ્ટમથી ભારતીય પ્રોફેશનલ્સને લાભ થવાની શક્યતા છે.
અમેરિકન સિટિઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ આ આખી કામગીરી સંભાળશે. હાલમાં એચ-વનબી વિઝા એક રેન્ડમ લોટરી સિસ્ટમ દ્વારા જારી કરવામા આવે છે, જેમા યોગ્યતા કે સ્પોન્સરશિપ વગેરે પર ધ્યાન આપ્યા વગર દરેક સાથે સમાન ધોરણે વ્યવહાર કરવામાં આવે છે. જો કે એમેઝોન, માઇક્રોસોફ્ટ, મેટા અને ગૂગલ જેવી મોટી ટેકનોલોજી કંપનીઓ મોટાપાયા પર અરજીઓ જમા કરાવે છે, જેથી ઉપલબ્ધ વિઝાનો નોંધપાત્ર હિસ્સો હાંસલ કરવામાં મદદ મળે છે.