Get The App

ચીન પર પહેલી ફેબુ્રઆરીથી 10 ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પનું આયોજન

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
ચીન પર પહેલી ફેબુ્રઆરીથી 10 ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પનું આયોજન 1 - image

- અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરના એંધાણ

- બીજી વખત ચૂંટાયેલા ટ્રમ્પે પ્રથમ કાર્યકાળમાં ચીનથી થતી ૩૦૦ અબજ ડોલરની આયાત પર ટેરિફ નાખ્યો હતો

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ પહેલી ફેબુ્રઆરીથી જ ચાઇનીઝ આયાતો પર ૧૦ ટકા ટેરિફ લગાવવા વિચારી રહ્યા છે, તેનો પ્રારંભ તે ફેન્ટાનિલથી કરી શકે છે.ફેન્ટાનિલ અત્યંત ઘાતક ડ્રગ છે, જેને બૈજિંગ દ્વારા મેક્સિકો અને કેનેડા મોકલવામાં આવે છે. ટ્રમ્પના  આ નિર્ણયના પગલે  અમેરિકા-ચીન વચ્ચે અગાઉના સમયમાં જોવા મળી હતી તેવી ટ્રેડવોર જોવા મળી શકે છે. 

ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે ચીનની પ્રોડક્ટ્સ પર ૧૦ ટકા ટેરિફની વાત કરી રહ્યા છીએ, તેનો પ્રારંભ ફેન્ટાનિલથી કરીશું. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ પહેલી ફેબુ્રઆરીથી દસ ટકા ટેરિફ લાદવા આયોજન કરી રહ્યા છે. આ બેઠકમાં ઓરેકલના સીટિઓ લેરી એલિસન, સોફ્ટબેન્કના સીઇઓ સસાયોશીનો પુત્ર અને ઓપનએઆઇનો સીઇઓ સામ ઓલ્ટમેન પણ હતા. 

ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ ટ્રમ્પે તેના પ્રથમ કાર્યકાળમાં ૩૦૦ અબજ ડોલરથી વધુ રકમની ચીનની આયાતો પર ટેરિફ લાદ્યો હતો. તેના પછી આવેલા બાઇડેને ચાઇનીઝ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સોલર સેલ્સ, સેમીકંડક્ટર્સ અને એડવાન્સ બેટરીઝ પર વધારાનો ટેરિફ લાદ્યો હતો. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે મેક્સિકો અને ચીનને લઈને આપણે લગભગ ૨૫ ટકા ટેરિફની વાત કરી રહ્યા હતા. એક અન્ય સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ચીનના પ્રમુખ જિનપિંગ સાથે ગયા સપ્તાહે વાત થઈ ત્યારે ટેરિફ અંગે ખાસ વાત થઈ ન હતી. 

તેમને જ્યારે યુક્રેન યુદ્ધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને આ યુદ્ધ અટકાવવા ખાસ કશું કર્યુ નથી. તેને જબરદસ્ત પાવર મળ્યો છે. મેં તેમને જણાવ્યું હતું કે તમારે આ વિવાદનો ઉકેલ લાવવો જોઈતો હતો, એમ તેમણે જણાવ્યું હતું.