Get The App

રશિયા નજીક બે પરમાણુ સબમરીન તૈનાત કરવા ટ્રમ્પનો સેનાને આદેશ

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
રશિયા નજીક બે પરમાણુ સબમરીન તૈનાત કરવા ટ્રમ્પનો સેનાને આદેશ 1 - image

- અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધના ભણકારા

- આવવા દો, તમારી સબમરીનો, અમારી પાસે વધુ પરમાણુ સબમરીનો : રશિયાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ખુલ્લો પડકાર

વોશિંગ્ટન/મોસ્કો : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા સતત ચેતવણી આપે છે ત્યારે રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને પુતિનના વિશ્વાસુ દિમિત્રી મેદવેદેવે ડોનાલ્ડ ટ્રમ્પ પર 'અલ્ટિમેટમ ગેમ' રમવાનો આક્ષેપ કરતાં ટ્રમ્પ વિફર્યા હતા. તેમણે શુક્રવારે રશિયા નજીક બે પરમાણુ સબમરીનો તૈનાત કરવા સેનાને આદેશ આપ્યો હતો. જોકે, બીજા જ દિવસે રશિયાએ અમેરિકાને પડકાર આપતા કહ્યું, આવવા દો તમારી સબમરીનો, અમારી પાસે સૌથી વધુ પરમાણુ સબમરીન છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને ડેડ ઈકોનોમી કહેતાં ભડકેલા રશિયાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રિ મેદવેદેવે કહ્યું હતું કે, અમે ઈઝરાયેલ કે ઈરાન નથી. ટ્રમ્પ તરફથી અપાયેલા દરેક અલ્ટીમેટમને અમે યુદ્ધની ધમકી સમજીશું. 

મેદવેદેવના નિવેદનશી ઉશ્કેરાયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે બે પરમાણુ સબમરીન્સ એવા ક્ષેત્ર તરફ મોકલવા આદેશ આપ્યો છે કે જ્યાં ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ વધી રહી છે. એટલે કે ટ્રમ્પે રશિયા તરફ બે પરમણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હોવાના સંકેત આપ્યા હતા.

ટ્રમ્પના આ નિવેદન સામે રશિયા ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. રશિયાની સંસદ ડૂમાના વરિષ્ઠ સાંસદ વિક્ટર વોદોલાત્સ્કીએ અમેરિકાને પડકાર ફેંકતા કહ્યું કે, આવવા દો, તમારી સબમરીનોને. તે પહેલેથી જ અમારાં નિશાન પર છે. હવે એ જરૂર છે કે રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ મૌલિક સમજણ થઈ જાય, જેથી ત્રીજા વિશ્વયુદ્ધ અંગેની અટકળો સમાપ્ત થઈ જાય. વિશ્વના મહાસાગરોમાં ફરતી રશિયન પરમાણુ સબમરીનોની સંખ્યા અમેરિકન સબમરીનોની સંખ્યા કરતાં ઘણી વધારે છે. અને અમેરિકન ન્યુક્લિયર સબમરીનો તો પહેલેથી જ રશિયન કંટ્રોલરૂમના રડારમાં છે.

સાંસદ વોદોલાત્સ્કીએ રશિયન સરકારી સમાચાર સંસ્થા તાસને કહ્યું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે સબમરીનોને 'નિશ્ચિત' ક્ષેત્રો તરફ મોકલવવાની વાત કરી છે. તે સબમરીનો પહેલેથી જ અમારા નિયંત્રણ ક્ષેત્રમાં આવી જ ગઈ છે. આથી રશિયન ફેડરેશન તરફથી કોઈ વિશેષ પ્રતિક્રિયા આપવાની જરૂર જ નથી.