ખ્રિસ્તીઓને બચાવવા નાઈજીરિયા પર ભીષણ હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પે તૈયારીના આદેશ આપ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump to Attack Nigeria: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરીયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને શનિવારે (પહેલી નવેમ્બર) ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે જો નાઇજીરીયામાં આતંકીઓ દ્વારા ખ્રિસ્તીઓની હત્યા બંધ નહીં થાય, તો અમેરિકા ત્યાં બંદૂકો સાથે પોતાની સેના મોકલી શકે છે. નોંધનીય છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર માટેના તેમના નિષ્ફળ પ્રચાર બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર એક પોસ્ટ મૂકી, જેમાં તેમણે પેન્ટાગોન (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું હેડક્વાર્ટર)ને નાઇજીરીયા પર સંભવિત સૈન્ય હુમલાની યોજના તૈયાર કરવા આદેશ આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં શું લખ્યું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, 'જો નાઇજીરીયાની સરકાર ખ્રિસ્તીઓની હત્યાને મંજૂરી આપવાનું ચાલુ રાખશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ તાત્કાલિક નાઇજીરીયાને આપવામાં આવતી બધી સહાય બંધ કરશે. આ ભયાનક અત્યાચારો કરનારા ઈસ્લામિક આતંકવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સેના મોકલવામાં આવશે."
નાઇજીરીયાની સરકારને ચેતવણી આપતા ટ્રમ્પે લખ્યું કે, 'હું મારા યુદ્ધ વિભાગને શક્ય કાર્યવાહી માટે તૈયાર રહેવા સૂચના આપી રહ્યો છું. જો અમે હુમલો કરીશું, તો તે ભયાનક હશે.'
નાઇજીરીયામાં શું ખરેખર નરસંહાર થઈ રહ્યો છે?
નાઈજીરીયા અસંખ્ય આંતરિક સંઘર્ષોમાં ફસાયેલું છે. ટ્રમ્પે દાવો કર્યો કે નાઇજીરીયામાં હજારો ખ્રિસ્તીઓ હત્યા થઈ રહી છે અને આ માટે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ જવાબદાર છે. જો કે, એક અહેવાલ અનુસાર, નાઇજીરીયાના સંઘર્ષોમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંને કોઈ ભેદભાવ વિના માર્યા જઈ રહ્યા છે.
નાઇજીરીયાના પ્રમુખે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યા
નાઇજીરીયાના પ્રમુખ બોલા અહેમદ ટીનુબુએ ટ્રમ્પના દાવાને નકારી કાઢતા 'X' પર લખ્યું, 'નાઇજીરીયાને ધાર્મિક રીતે અસહિષ્ણુ ગણાવવું એ અમારી રાષ્ટ્રીય વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતું નથી.' નોંધનીય છે, નાઇજીરીયા મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તરીય પ્રદેશ અને મોટાભાગે ખ્રિસ્તી બહુમતી ધરાવતા દક્ષિણ પ્રદેશ વચ્ચે લગભગ સમાન રીતે વહેંચાયેલું છે.
આ પણ વાંચો: બ્રિટનની ટ્રેનમાં છરાથી અંધાધૂંધ હુમલો, જીવ બચાવવા ટોઇલેટમાં છુપાયા લોકો; 9 ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રના મતે નાઈજીરીયાનો ઉત્તરપૂર્વીય પ્રદેશ બોકો હરામ (Boko Haram) જેહાદી બળવાના કેન્દ્રમાં છે, જેમાં 2009થી 40,000થી વધુ લોકો માર્યા ગયા છે. મધ્ય નાઇજીરીયામાં, બહુમતી-મુસ્લિમ પશુપાલકો અને બહુમતી-ખ્રિસ્તી ખેડૂતો વચ્ચે વારંવાર અથડામણો થઈ છે. જોકે આ સંઘર્ષને ધર્મની લડાઈ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ તે સામાન્ય રીતે જમીન માટેનો સંઘર્ષ હોય છે.









