World

ટ્રમ્પની ઈરાનને નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે રૂ. 2.57 લાખ કરોડની ઓફર

By GS TEAM
28 Jun 20254 mins read
ટ્રમ્પની ઈરાનને નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે રૂ. 2.57 લાખ કરોડની ઓફર

- ઈરાનના પરમાણુ મથકોનો નાશ કર્યા પછી હવે અમેરિકાનું નવું ગતકડું

- અમારા પરમાણુ એકમો પર 30 હજાર પાઉન્ડના બોમ્બ નાંખનારા અમેરિકા સાથે વાટાઘાટોના દરવાજા બંધ : ઈરાન

વોશિંગ્ટન/તેલઅવીવ/તેહરાન : ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા ઈઝરાયેલ અને અમેરિકાએ તેના પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વીજળી ઉત્પાદનના નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે આરબ દેશો દ્વારા ૩૦ અબજ ડોલર (અંદાજે રૂ. ૨.૫૭ લાખ કરોડ)ની મદદ, પ્રતિબંધો હળવા કરવા અને જપ્ત કરેલા અબજો ડોલરની રકમ મુક્ત કરવાની ઓફર કરીને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. 

અમેરિકાએ ઈરાનના ફોર્ડો સહિત ત્રણ પરમાણુ મથકો પર ૩૦,૦૦૦ પાઉન્ડના બોમ્બ ફેંકીને તેનો સંપૂર્ણપણે નાશ કર્યાનો પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો. જોકે, અમેરિકન સંરક્ષણ ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ આ પરમાણુ એકમોને ગંભીર નુકસાન થયું છે, પરંતુ તેનો સંપૂર્ણપણે નાશ નથી થયો. હવે ટ્રમ્પ સરકારે આશ્ચર્યજનક પગલું લેતા ઈરાન સાથે ગુપ્ત વાટાઘાટો શરૂ કરી છે.

ટ્રમ્પ સરકારે ઈરાનને તેના નોન-એનરિચમેન્ટ પરમાણુ કાર્યક્રમ માટે ૩૦ અબજ ડોલરની મદદ કરવા દરખાસ્ત કરી છે. આ મદદ માત્ર નાગરિક ઉર્જા ઉત્પાદન માટે કરાશે. જોકે, ટ્રમ્પ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ અમેરિકા નહીં પરંતુ કતાર, યુએઈ અને સાઉદી અરબ જેવા આરબ દેશો આપશે. અમેરિકા આ વાટાઘાટોનું નેતૃત્વ કરવા તૈયાર છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે ભંડોળ નહીં આપે.

આ સિવાય અમેરિકાએ ઈરાન પર લાગેલા કેટલાક પ્રતિબંધો દૂર કરવા અને વિદેશી બેન્કોમાં જમા છ અબજ ડોલરની રકમ મુક્ત કરવા પણ દરખાસ્ત કરી છે. વધુમાં અમેરિકાએ ઈરાનને ફોર્ડો પરમાણુ સુવિધાનું નોન-એનરિચમેન્ટ પરમાણુ એકમ તરીકે પુનઃનિર્માણ કરવા પણ દરખાસ્ત કરી છે. જોકે, આ બધા માટે અમેરિકાની એક જ શરત છે કે ઈરાને યુરેનિયમ એનરિચમેનટ સંપૂર્ણપણે બંધ કરવું પડશે. જોકે, ટ્રમ્પ સરકારના વિશેષ દૂત સ્ટીવ વિટકોફનું કહેવું છે કે એનરિચમેન્ટ વિના ઈરાન નાગરિક પરમાણુ કાર્યક્રમ કેવી રીતે આગળ વધારી શકે તે મોટો પ્રશ્ન છે.

ટ્રમ્પની આ દરખાસ્તથી વિપરિત ઈરાન સતત કહેતું રહ્યું છે કે તેણે ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી (એનપીટી) પર હસ્તાક્ષર કર્યા છે. તેનો પરમાણુ કાર્યક્રમ વીજળી પેદા કરવા માટેનો નાગરિક પરમાણુ કાર્યક્રમ છે. તેથી તેને પોતાનો પરમાણુ સંવર્ધનનનો અધિકાર જોઈએ છે.

બીજીબાજુ ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમ અંગે ટૂંક સમયમાં જ ફરી વાટાઘાટો શરૂ થશે તેવા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વારંવારના દાવા છતાં તેહરાને સંકેત આપ્યા છે કે તેમનો દેશ અમેરિકા સાથે નવી પરમાણુ વાટાઘાટો કરવા માગતો નથી. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું કે, પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે વાતચીતના દરવાજા બંધ છે, કારણ કે અમેરિકાએ અમારા ત્રણ પરમાણુ મથકો પર ૩૦,૦૦૦ પાઉન્ડના બોમ્બ ફેંકવાની ભારે ભૂલ કરી છે. અમેરિકાના હવાઈ હુમલાએ વિનાશક દૌર શરૂ કર્યો છે, જે અંગે તેહરાનનું સ્પષ્ટ માનવું છે કે તેના પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું છે.

વધુમાં ઈરાન તેના પરમાણુ એકમોને થયેલા નુકસાનના વળતર માટે સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ફરિયાદ કરી શકે છે. ઈરાન તેના પર આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરતા હુમલો કરાયો હતો તેવું સાબિત કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને જીનેવા કન્વેન્શન જેવા આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની મદદથી અમેરિકા પાસેથી વળતર માગવા અંગે વિચારણા કરી રહ્યું છે.

દરમિયાન ઈરાનના ફોર્ડો પરમાણુ મથકમાંથી ૪૦૦ કિલો એનરિચ યુરેનિયમ ગાયબ થઈ ગયું છે. આ અંગે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે કહ્યું કે ઈરાને તેનું ૪૦૦ કિલો એનરિચ યુરેનિયમ સોંપવું જ પડશે. સૂત્રો મુજબ ઈરાને તેના યુરેનિયમને ૬૦ ટકા સુધી એનરિચ કરી દીધું છે. આ એનરિચમેન્ટ સ્તર ૯૦ ટકા સુધી પહોંચી જાય તો ઈરાન આ યુરેનિયમમાંથી નવ પરમાણુ બોમ્બ બનાવી શકે છે. 

કાટ્ઝે કહ્યું કે, ઈઝરાયેલને ખબર નથી કે ઈરાનના બધા જ એનરિચ યુરેનિયમનો ભંડાર ક્યાં છે. જોકે, આજે તેમની પાસે પરમાણુ બોમ્બ બનાવવાની કોઈ રીત નથી, કારણ કે અમે યુરેનિયમને નક્કરરૂપમાં બદલવાની ટ્રાન્સફર સુવિધાનો પણ નાશ કરી દીધો છે. જોકે, ઈરાનનું ૪૦૦ કિલો એનરિચ યુરેનિયમ જ્યાં પણ હોય તેણે આ યુરેનિયમ સોંપવું પડશે.

અમેરિકા અને ઈઝરાયેલ અંધારામાં

ઈરાને નવું ગુપ્ત પરમાણુ મથક કુહ-એ-કોલાંગ ગઝ-લા બનાવ્યું

તેહરાન : ઈરાનના પરમાણુ મથકો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા પછી પારસી શબ્દ કુહ-એ-કોલાંગ ગઝ-લા એટલે કે પિકેક્સ માઉન્ટેન ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આ શબ્દનો અર્થ છે કોદાળી જેવો દેખાતો પર્વત. પરમાણુ મથકો પર વિનાશક હુમલા છતાં ઈરાને એનરિચ યુરેનિયમ ક્યાંક છુપાવી દીધું છે. ઈરાને આ યુરેનિયમ કુહ-એ-કોલાંગ ગઝ-લા ખાતે છુપાવ્યું હોવાની આશંકા છે. ઈરાનનો આ નવો પરમાણુ પ્રોજેક્ટ પિકેક્સ માઉન્ટેન તેહરાનથી દક્ષિણ તરફ લગભગ ૨૨૫ કિ.મી. દૂર છે. તે ફોર્ડોથી દક્ષિણે ૯૦ માઈલ પરંતુ નતાંઝથી કેટલીક મિનિટના અંતરે જ છે. અમેરિકા અને ઈઝરાયેલને અંધારામાં રાખીને ઈરાને સંભવતઃ ૨૬૦ ફૂટ અને ૩૨૮ ફૂટની ઊંડાઈ પર આ નવું પરમાણુ સંશોધન કેન્દ્ર બનાવ્યું હોવાનું મનાય છે.