Trump Netanyahu Gaza Plan Controversy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા રજૂ કરાયેલ '20 સૂત્રીય ગાઝા પ્લાન' મુસ્લિમ દેશોમાં નવી ફૂટનું કારણ બન્યો છે. જોકે આ યોજનાનો હેતુ ગાઝામાં કાયમી શાંતિ લાવવાનો છે, પરંતુ તેની ઘણી શરતો પર આરબ અને ઇસ્લામિક દેશો સહમત નથી.
શરુઆતમાં ખુશ થયા બાદ પાકિસ્તાનમાં વિરોધ થતાં તેણે દાવો કર્યો કે મુસ્લિમ દેશોને બતાવેલો પ્લાન ટ્રમ્પના પ્રસ્તાવથી અલગ છે. આ ઉપરાંત, અમેરિકાના સહયોગી કતાર અને તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગન પણ આ પ્લાનના કેટલાક મુદ્દાઓ સાથે અસહમત છે.
શું છે ટ્રમ્પ-નેતન્યાહૂનો ગાઝા પ્લાન?
આ પ્રસ્તાવમાં ગાઝામાં 'અસ્થાયી આંતરરાષ્ટ્રીય પ્રશાસન'(અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન અને બોર્ડ ઑફ પીસની દેખરેખ હેઠળ)ની જોગવાઈ છે.
પ્રસ્તાવના મુખ્ય મુદ્દા:
હમાસનો અંત: હમાસને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની વાત છે. શાંતિ માટે તૈયાર સભ્યોને માફી અને બાકીનાને નિર્વાસિત કરાશે.
સુરક્ષા નિયંત્રણ: સરહદ સુરક્ષા ઇઝરાયલના નિયંત્રણમાં રહેશે અને ગાઝાને 'ડીમિલિટ્રાઇઝ્ડ ઝોન' (બિન-લશ્કરીકૃત ક્ષેત્ર) જાહેર કરાશે.
પેલેસ્ટાઇન રાષ્ટ્ર: પ્રસ્તાવમાં પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપના કે પૂર્વીય જેરુશાલેમની સ્થિતિ પર કોઈ સ્પષ્ટતા નથી. જોકે, તે કહે છે કે જો પેલેસ્ટાઇનની ઑથોરિટી(PA)નું પુનર્ગઠન થાય તો રાષ્ટ્ર ગઠનનો માર્ગ ખૂલી શકે છે.
વિવાદ: પ્રસ્તાવમાં પેલેસ્ટાઇન રાષ્ટ્રની વાત ગાયબ હોવાથી અને ગાઝામાં ઇન્ટરનેશનલ ફોર્સ તૈનાત કરવાના મુદ્દે ઘણા ઇસ્લામિક દેશોમાં નારાજગી છે.
ટ્રમ્પની જાળમાં ફસાયું પાકિસ્તાન
ટ્રમ્પે ઇઝરાયલી PM નેતન્યાહૂ સાથે ગાઝા પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે તેમણે વ્હાઇટ હાઉસમાં મળેલા પાકિસ્તાનના PM શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરના વખાણ કર્યા.
આનાથી ખુશ થયેલા શહબાઝ શરીફ ભૂલી ગયા કે તેમનો દેશ ઇઝરાયલ માટે 'ઝાયોનિસ્ટ રિઝીમ' શબ્દનો ઉપયોગ કરે છે અને ગાઝામાં ઇઝરાયલના યુદ્ધને 'નરસંહાર' ગણાવે છે. તેમણે ટ્વિટ કર્યું, જેમાં તેમણે ગાઝા પ્રસ્તાવ માટે ટ્રમ્પના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે 'યુદ્ધ' સમાપ્ત થવું જોઈએ.
જોકે, પાકિસ્તાનમાં લોકો ભડકી ઉઠ્યા. તેમણે આને ઇઝરાયલના નરસંહારને 'યુદ્ધ' ગણાવીને ઝાયોનિસ્ટ રિઝીમને માન્યતા આપવાના પ્રયાસ તરીકે જોયો અને શહબાઝ શરીફ પર ગદ્દારીનો આરોપ મૂક્યો.
દેશવ્યાપી વિરોધ વધતાં પાકિસ્તાન સરકાર બેકફૂટ પર આવી. વિદેશ મંત્રી ઇશાક ડારે સ્પષ્ટતા કરી કે ટ્રમ્પનો જાહેર થયેલો પ્રસ્તાવ મુસ્લિમ દેશોને બતાવેલા ડ્રાફ્ટ સાથે મેળ ખાતો નથી. તેમણે કહ્યું કે ડ્રાફ્ટમાં ગાઝામાંથી ઇઝરાયલની સંપૂર્ણ વાપસી અને ટુ-સ્ટેટ સોલ્યુશનની વાત હતી, જે બાદમાં હટાવી દેવાઈ છે. ડારે ભારપૂર્વક કહ્યું કે, 'આ 20 મુદ્દા, જેને ટ્રમ્પે સાર્વજનિક કર્યા છે, તે અમારા નથી.'
કતારે પણ વિરોધ નોંધાવ્યો
કતાર અમેરિકાનો મહત્ત્વનો સહયોગી અને હમાસનો નજીકનો દેશ છે, તે ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપે છે, પરંતુ તેમાં બદલાવ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. કતારને લાગે છે કે આ પ્લાન ઇઝરાયલની તરફેણમાં છે (જેમ કે બફર ઝોન બનાવવો), તેથી તે પેલેસ્ટાઇનની સાર્વભૌમત્વ સુરક્ષિત રહે તે માટે સંશોધનની માંગ કરશે.
કતારના PM અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ કહ્યું કે પ્રસ્તાવમાં યુદ્ધ સમાપ્ત કરવાની વાત છે, પણ કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટીકરણની જરૂર છે, જેના પર તેઓ ઇજિપ્તમાં થનારી વાતચીતમાં ચર્ચા કરશે.
ગાઝા પ્લાન પર તૂર્કિયેનો આંશિક વિરોધ
સંયુક્ત રાષ્ટ્રમાં ગાઝા પ્રસ્તાવ પરની બેઠકને તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગને સફળ ગણાવી હતી. જોકે, પ્રસ્તાવ જાહેર થયા બાદ તૂર્કિયેના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો કે તેમાં ઇઝરાયલના કબજા હેઠળના વિસ્તારોમાંથી સેનાની વાપસીમાં વિલંબ થઈ શકે તેવી વાતો છે.
તૂર્કિયે પહેલેથી જ ઇઝરાયલની કબજાવાળી નીતિની વિરુદ્ધ રહ્યું છે, આથી ટ્રમ્પના પ્રસ્તાવને તૂર્કિયેનું પૂર્ણ સમર્થન મળ્યું નથી. રાષ્ટ્રપતિ એર્દોગન ઇઝરાયલ પર નરસંહારના આરોપો પણ લગાવતા રહ્યા છે અને તેમણે નેતન્યાહૂને તાજેતરમાં સંઘર્ષ રોકવા આગ્રહ કર્યો હતો.
ટ્રમ્પના ગાઝા પ્લાન પર ઈરાનની ચેતવણી
અમેરિકાના જૂના દુશ્મન ઈરાને ટ્રમ્પના ગાઝા પ્લાન પર અસહમતિ દર્શાવી છે, કારણ કે તેમાં તેના સમર્થિત સંગઠન હમાસના ખાત્માની વાત છે, જે ક્ષેત્રમાં ઈરાનની નબળાઈ વધારી શકે છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે હમાસની પ્રતિક્રિયાનું સમર્થન કરતાં ચેતવણી આપી કે પ્લાનમાં ઘણા જોખમો અને ખતરનાક પાસાઓ છે. ઈરાને કહ્યું કે તે નરસંહાર રોકવા, ઇઝરાયલી સેનાની વાપસી, પેલેસ્ટાઇનના આત્મ-નિર્ણયના અધિકારનું સન્માન અને ગાઝાના પુનર્નિર્માણની વાત કરતો દરેક નિર્ણય આવકારે છે.
જોકે, મંત્રાલયે ઇઝરાયલ પર શાંતિના પ્રયાસોમાં અવરોધ પેદા કરવાનો આરોપ મૂક્યો અને ભારપૂર્વક કહ્યું કે આ મામલે અંતિમ નિર્ણય પેલેસ્ટાઇનની જનતા અને પ્રતિરોધ સંગઠનોનો અધિકાર છે.
ગાઝા પ્લાનનું સમર્થન કરી રહેલા મધ્ય-પૂર્વના મોટા દેશો
સાઉદી અરબ, UAE, બહેરીન અને ઇજિપ્ત જેવા આરબ દેશો ટ્રમ્પના પ્રસ્તાવ સાથે સહમત છે, કારણ કે તેમને લાગે છે કે તેનાથી ગાઝામાં યુદ્ધવિરામ અને માનવીય સહાયતા પુનઃસ્થાપિત થઈ શકે છે.
ટ્રમ્પે જાહેરાત કરી કે ઇઝરાયલ ગાઝામાંથી પ્રારંભિક વાપસી માટે સહમત છે અને હમાસની સંમતિ મળતાં જ યુદ્ધવિરામ લાગુ થઈ જશે. હમાસએ યુદ્ધવિરામ યોજનાના કેટલાક ભાગોથી સહમતિ દર્શાવી છે, જેમાં ઇઝરાયલી બંધકોની મુક્તિ સામેલ છે, પણ કહ્યું છે કે વધુ વાતચીત જરૂરી છે. જોકે, હમાસે તેના હથિયારો પેલેસ્ટાઇન-ઇજિપ્તીયન પ્રશાસનને સોંપવા અંગેના અલ-અરબિયાના રિપોર્ટને ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે.


