ટ્રમ્પે ભારતની વધારી ચિંતા ! વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખે પાકિસ્તાની સેનાના જનરલ મુનીર સાથે ડીનર કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US President Trump And Pakistan Army Chief Asim Munir : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડીનર માટે આમંત્રણ આપ્યા બાદ પાકિસ્તાની સેનાના જનરલ આસીમ મુનીર આજે (18) વ્હાઈટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રમ્પ સાથે ભોજન લીધું હતું. બંને વચ્ચે શું વાતચીત થઈ, તે હજુ સામે આવ્યું નથી, પરંતુ ટ્રમ્પની આ હરકત વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બનવાની સાથે ભારતની ચિંતા વધારી દીધી છે. કારણ કે તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું.
ટ્રમ્પ-મુનીર વચ્ચે ગુપ્ત અને રહસ્યમય ચર્ચા
ટ્રમ્પ અને મુનીર વચ્ચે આજે યોજાયેલી બેઠક સમજથી ઉપર છે, કારણ કે ટ્રમ્પ એકતરફ આતંકવાદનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, તો બીજીતરફ આતંકને પોષનારાઓ સાથે લંચ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, વ્હાઈટ હાઉસે જે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, તેમાં જનરલ મુનીરનું નામ લેવાયું નથી. વ્હાઈટ હાઉસે માત્ર ‘પાકિસ્તાન સેના પ્રમુખ’ના નામનો જ ઉલ્લેખ કર્યો છે. બંને વચ્ચે ગોપનીય અને રહસ્યમય ચર્ચા થઈ હતી, જેના કારણે તે વૈશ્વિક સહિત ભારતની ચિંતાનો વિષય બની ગયો છે.
ટ્રમ્પ-મુનીરની બેઠક ભારત માટે સતર્ક રહેવાના સંકેત
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ઘર્ષણ થયું હતું. આતંકવાદીઓએ પહલગામમાં આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેના કારણે ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના અનેક ઠેકાણાઓ નષ્ટ કરી દીધા હતા. આ દરમિયાન ભારતે સિંધુ જળ સંધી પણ સસ્પેન્ડ કરી દીધી છે. સંધી હેઠળ ભારતે પાણી અટકાવવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીએ યુદ્ધની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં અમેરિકાએ પાકિસ્તાની સેનાના જનરલને સન્માનજનક આમંત્રણ આપવું ભારત માટે રાજદ્વારી દ્રષ્ટિએ સતર્ક રહેવાના સંકેત છે.
પાક. સેના પ્રમુખો-US રાષ્ટ્રપ્રમુખોની મુલાકાતનો ઈતિહાસ
ટ્રમ્પ અને મુનીરની મુલાકાત પહેલાના ઈતિહાસની વાત કરીએ તો, પાકિસ્તાની સેનાના શાસકો અયૂબ ખાન, જિયા-ઉલ હક અને પરવેઝ મુશર્રફે અમેરિકન રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરી હતી, જોકે તેઓ પાકિસ્તાની સત્તા પર એટલે કે ત્યાંના વડાપ્રધાન બન્યા બાદ આ મુલાકાતો કરી હતી. જ્યારે ટ્રમ્પ-મુનીરની બેઠક તે મુલાકાતોથી તદ્દન અલગ છે. ટ્રમ્પે સીધી જ પાકિસ્તાની સેનાના જનરલ સાથે રાજદ્વારી વાતચીત કરી છે.
મુનીર સાથે મુલાકાત પાસે ટ્રમ્પે PM મોદી સાથે વાત કરી
ટ્રમ્પે મુનીર સાથે મુલાકાત કર્યા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. આ ફોન ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો અને લગભગ 35 મીનીટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને ભારતની આતંકવાદ વિરોધી નીતિ, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અને ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કરેલી કાર્યવાહીની માહિતી આપી હતી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ટ્રમ્પનો હાથ હોવાના દાવાને પણ ફગાવી દીધો છે.
મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારત-પાકિસ્તાનના ડીજીએમઓ સ્તર પર વાતચીત થયા બાદ યુદ્ધવિરામ થયું છે, તેમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને ભારત આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ પર કાયમ રહેશે.








