ટ્રમ્પ સીરિયન પ્રમુખ અલ શારાને મળ્યા, પ્રતિબંધો ઉઠાવવા માટે લીલીઝંડી
- ટ્રમ્પની સીરિયન પ્રમુખ સામે મુલાકાત સામે ઇઝરાયેલને વાંધો
- 2000ની સાલમાં સીરિયન પ્રમુખ હાફેઝ અસદ અમેરિકન પ્રમુખ ક્લિન્ટનને જિનિવામાં મળ્યા હતા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયાના વચગાળાના પ્રમુખ અલ-શારાને મળ્યા હતા. આમ બંને દેશના પ્રમુખ૨૫ વર્ષ પછી એકબીજાને મળ્યા હતા. સીરિયા ચાર દાયકાથી આંતરરાષ્ટ્રીય આભડછેટનો સામનો કરી રહ્યુ છે ત્યારે અલ-શારાની ટ્રમ્પ સાથેની મુલાકાત મહત્ત્વની મનાય છે. આ બેઠક ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની બેઠકની સાથે યોજાઈ હતી.
ટ્રમ્પનું આ વલણ અમેરિકાની મધ્યપૂર્વની પોલિસીનું રીતસરનું શીર્ષાસન બતાવે છે. ટ્રમ્પે સીરિયાની વચગાળાની સરકારના પ્રમુખ અલ-શારા સાથે વાત કરી તેના માથા પર અમેરિકાએ જ એક સમયે એક કરોડ ડોલરનું ઇનામ રાખ્યું હતું. ટ્રમ્પે અલ શારાને લડાયક ગણાવીને તેની જબરદસ્ત પ્રશંસા કરી હતી. અલ શારા એક સમયે અલ કાયદા સાથે મળીને ઇરાકમાં અમેરિકન લશ્કરી દળો સામે લડતો હતો. તેના પછી તેણે સીરિયન યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. અમેરિકન લશ્કરી દળોએ તેને કેટલાય વર્ષો સુધી કેદમાં રાખ્યો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અલ શારા ખરેખર એક લીડર છે. તે એકદમ યુવા અને ઉત્સાહિત છે તથા જબરદસ્ત છે. ટ્રમ્પ હવે બશરના શાસન હેઠળ સીરિયા પર લાદેલા પ્રતિબંધો પણ ઉઠાવશે. આ વાત ફેલાવવાની સાથે મંગળવારે રાત્રે જ સીરિયામાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. તેમના દેશને હવે આશા છે કે પ્રમુખની ટ્રમ્પ સાથેની મુલાકાતથી સીરિયામાં હવે વૈશ્વિક રોકાણના દરવાજા ખૂલશે.
જો કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ તેનાથી ખાસ ખુશ નથી. તેમણે અગાઉ પણ ટ્રમ્પ સાથે મુલાકાત વખતે સીરિયા પરના પ્રતિબંધ ન ઉઠાવવા અને થોડી રાહ જોવા જણાવ્યું હતું. તેમા પણ હાલમાં ઇઝરાયેલની સરકાર ગાઝામાં યુદ્ધ કરી રહી છે ત્યારે થોભી જવા જણાવ્યું હતું, પરંતુ ટ્રમ્પ માન્યા નહી.
આ બાબત ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેનો મતભેદ દર્શાવે છે. શારા સાથેની બેઠક બાદ ટ્રમ્પ ગલ્ફ કાઉન્સિલને જણાવ્યું હતું કે હું સીરિયા પરના પ્રતિબંધો ઉઠાવવા આદેશ આપી રહ્યો છું. ટ્રમ્પે જણાવ્યું હતું કે મને લાગે છે કે સીરિયાને તક તો મળવી જોઈએ. સીરિયા છેક ૧૯૭૯થી તેની આંતરિક સ્થિતિ સામે સંઘર્ષ કરી રહ્યું છે.
ટ્રમ્પની અલ-શારા વચ્ચેની ૩૦ મિનિટની ક્લોઝ્ડ ડોર મીટિંગ યોજાઈ હતી. હાફીઝ અસદ ૨૦૦૦માં જિનિવામાં બિલ ક્લિન્ટનને મળ્યા હતા તેના પછી અલ શારા અમેરિકન પ્રમુખને મળનારી સૌપ્રથમ સીરિયન પ્રમુખ બન્યા હતા.