Get The App

ગાઝા સંકટ મુદ્દે મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક, બીજી તરફ ઈઝરાયલને એક બાદ એક આંચકા

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગાઝા સંકટ મુદ્દે મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક, બીજી તરફ ઈઝરાયલને એક બાદ એક આંચકા 1 - image


Gaza War: ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંત માટે મુસ્લિમ દેશોના નેતાઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં તેઓ ગાઝાની વર્તમાન પરિસ્થિતિ તેમજ યુદ્ધવિરામ મુદ્દે ચર્ચા કરવાના છે. આ અંગે વ્હાઈટ હાઉસે જાણકારી આપી હતી. 

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મીડિયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પ સાઉદી અરેબિયા, યુએઈ, ઈજિપ્ત, કતાર, જોર્ડન, તુર્કિયે, ઈન્ડોનેશિયા, અને પાકિસ્તાનના નેતાઓ સાથે બહુપક્ષીય બેઠક કરશે. તેઓ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા તેમજ યુદ્ધ બાદ શાસન પદ્ધતિ વિશે ચર્ચા કરશે. વધુમાં યુદ્ધમાં બનાવેલા બંધકોને મુક્ત કરવા અને યુદ્ધનો અંત લાવવા પર ભાર મુકાશે. 

ટ્રમ્પ યુએસ પ્લાન રજૂ કરશે

આ બહુપક્ષીય બેઠકમાં ટ્રમ્પ ગાઝામાં હમાસની  દખલગીરી વિના ઈઝરાયલને હથિયારો મૂકવા સહમત કરવા તેમજ યુદ્ધ ખતમ થયા બાદ શાસન મુદ્દે તૈયાર કરેલો યુએસ પ્લાન રજૂ કરશે. વોશિંગ્ટન ઈચ્છે છે કે, મુસ્લિમ દેશો ઈઝરાયલને યુદ્ધને વાવટા સંકેલી લેવા મજબૂર કરવા ગાઝામાં સૈન્ય દળ મોકલે, તેમજ ટ્રાન્ઝિશન અને યોજનાઓને પુનઃસ્થાપિત કરવા માટે ફંડ ફાળવે.

આ પણ વાંચોઃ 'અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ', ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત

આજે યુએન જનરલ એસેમ્બલીને સંબોધશે

પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપવા મુદ્દે યુનાઈટેડ નેશન્સમાં એકત્રિત થયેલા ડઝનથી વધુ વિશ્વ નેતાઓની બેઠક બાદ ટ્રમ્પ આજે મંગળવારે (23 સપ્ટેમ્બર) યુએન જનરલ એસેમ્બલીને સંબોધશે. છેલ્લા બે વર્ષથી ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના સમાધાન માટે યુએન શાંતિ સ્થાપિત કરવા દબાણ કરી રહ્યું છે. તેઓ પેલેસ્ટાઈનને અલગ ઓળખ આપવા તૈયાર છે. પરંતુ ઈઝરાયલ માને છે કે, પેલેસ્ટાઈનને અલગ ઓળખ ઉગ્રવાદનું ઈનામ બનશે.

10,000થી વધુના મોત

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઓક્ટોબર, 2023થી ચાલી રહેલા યુદ્ધમાં દસ હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝાની મોટાભાગની વસ્તી પલાયન કરવા મજબૂર બની છે. ઈઝરાયલ પેલેસ્ટાઈન હમાસના આંતકીઓ પર સતત હુમલો કરી રહ્યું છે. તે આ હુમલાને આત્મ સુરક્ષાનો ભાગ ગણાવી રહ્યું છે. ઈઝરાયલે ગાઝા સાથેના યુદ્ધમાં ઈરાન, લેબનોન, યમન, સિરિયા અને કતારમાં પણ હુમલા કર્યા હતા.

આ દેશો પેલેસ્ટાઈને અલગ દેશ બનાવવા માગે છે

ગાઝામાં થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં લેતાં યુએનના વિવિધ દેશો પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે ઓળખ આપવા માગે છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને પોર્ટુગલે યુએન જનરલ એસેમ્બલી દરમિયાન પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે ઓળખ આપવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તે પહેલાં એન્ડોરા, બેલ્જિયમ, લક્સમબર્ગ, માલ્ટાએ પણ પેલેસ્ટાઈનને અલગ ઓળખ આપવા સહમતિ દર્શાવી હતી. તદુપરાંત ગત વર્ષે અર્મેનિયા, બહમાસ, બાર્બાડોસ, આર્યલેન્ડ, જમૈકા, નોર્વે, સ્લોવેનિયા, સ્પેન, ટ્રિનિડાડ, ટોબેગોએ પણ પેલેસ્ટાઈનને અલગ દરજ્જો આપવા પર ભાર મૂક્યો હતો.

ગાઝા સંકટ મુદ્દે મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક, બીજી તરફ ઈઝરાયલને એક બાદ એક આંચકા 2 - image

Tags :