Get The App

ટ્રમ્પનો યુ-ટર્ન: પહેલીવાર વેનેઝુએલાનું જપ્ત કરેલું ઓઈલ ટેન્કર પાછું કરશે, દુનિયા ચોંકી!

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો યુ-ટર્ન: પહેલીવાર વેનેઝુએલાનું જપ્ત કરેલું ઓઈલ ટેન્કર પાછું કરશે, દુનિયા ચોંકી! 1 - image


US Politics: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રૂડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો આદેશ આપ્યો છે. પનામાના ધ્વજ ધરાવતા M/T સોફિયા (M/T Sophia) નામના આ ટેન્કરને મુક્ત કરવાના નિર્ણયથી આખી દુનિયા ચોંકી ઉઠી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણ માટે જાણીતું છે.

શું હતો સમગ્ર વિવાદ?

અહેવાલો અનુસાર, સાતમી જાન્યુઆરી 2026ના રોજ યુએસ કોસ્ટ ગાર્ડ અને લશ્કરી દળોએ સમુદ્રમાં ઓપરેશન કરીને M/T સોફિયાને અટકાવ્યું હતું. તે સમયે અમેરિકાએ આ જહાજને "રાજ્યવિહીન" અને "ડાર્ક ફ્લીટ" (પ્રતિબંધો ચોરી છૂપીથી તોડતું જહાજ) ગણાવ્યું હતું. આરોપ હતો કે આ ટેન્કર વેનેઝુએલાના પ્રતિબંધિત ક્રૂડ ઓઈલની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ હતું. વર્ષ 2025ના અંતથી અત્યાર સુધી અમેરિકાએ વેનેઝુએલાના આવા 7 ટેન્કરો જપ્ત કર્યા છે, જેમાંથી 'સોફિયા' પરત કરાયેલું પ્રથમ જહાજ છે.

આ પણ વાંચો: જર્મનીનો અમેરિકા પરથી ભરોસો ઉઠ્યો, કહ્યું - યુરોપ 'પરમાણુ સુરક્ષા કવચ' જાતે તૈયાર કરશે

રહસ્યમય નિર્ણય અને નિષ્ણાતોનો તર્ક

અમેરિકી અધિકારીઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આટલી કડક કાર્યવાહી બાદ અચાનક જહાજ પરત કરવાનો નિર્ણય શા માટે લેવાયો. આ અંગે અનેક અટકળો લગાવાઈ રહી છે. શું અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે પડદા પાછળ કોઈ મોટી સમજૂતી થઈ છે? શું વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કાબૂમાં લેવા અમેરિકા વેનેઝુએલા પ્રત્યે વલણ નરમ કરી રહ્યું છે? શું જહાજમાં રહેલા ક્રૂડ ઓઈલના જથ્થા કે માલિકી હક બાબતે કોઈ કાયદાકીય ગૂંચ ઉભી થઈ હતી?

વિશ્વના દેશોની નજર

જો અમેરિકા વેનેઝુએલા પરના પ્રતિબંધો હળવા કરે, તો વૈશ્વિક ઓઈલ સપ્લાય ચેઈનમાં મોટો ફેરફાર આવી શકે છે. વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, પરંતુ અમેરિકન પ્રતિબંધોને કારણે તે લાંબા સમયથી આર્થિક સંકટમાં છે. હાલમાં એ પણ સ્પષ્ટ નથી કે પરત કરવામાં આવેલું આ જહાજ તેલથી ભરેલું છે કે ખાલી. પરંતુ આ એક પગલાએ વોશિંગ્ટન અને કારાકાસ વચ્ચેના સંબંધોમાં નવી દિશાના સંકેત આપ્યા છે.