Get The App

ઇરાન હોર્મુઝની ખાડી બંધ કરશે તેવા ડરથી ટ્રમ્પ આક્રમણ કરતાં નથી

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન હોર્મુઝની ખાડી બંધ કરશે તેવા ડરથી ટ્રમ્પ આક્રમણ કરતાં નથી 1 - image

- ઇરાનમાં માદુરો જેવી કાર્યવાહી કરવી શક્ય નથી

- હોર્મુઝનો અખાત એક મહિનો બંધ રહે તો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 110 ડોલરને આંબી જાય

નવી દિલ્હી : ઇરાનમાં ઇસ્લામિક કટ્ટરવાદી સરકાર સામે પ્રજાનું જબરદસ્ત વિરોધ પ્રદર્શન છે અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તેમને ધમકીઓ પર ધમકીઓ આપે છે. આમ છતાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો જેવી કોઈ કાર્યવાહી કેમ કરતા નથી કે ઇરાન પર કેમ હુમલો કરતાં નથી તે સવાલ બધાને થાય તેમ છે. ટ્રમ્પ આમ કરતાં ખચકાઈ રહ્યા છે તેનું કારણ છે હોર્મુઝની ખાડી.

કોઈને પણ સવાલ થાય કે હોર્મુઝની ખાડીમાં વળી એવો તે શું છે કે તેના કારણે ટ્રમ્પ ઇરાન પર સીધો હુમલો કરતાં નથી. વાસ્તવમાં ઇરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝનો અખાત વિશ્વના સૌથી મહત્ત્વના સમુદ્રી રસ્તાઓમાં એક છે. તે ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. વિશ્વનો સૌથી મહત્ત્વનો ઓઇલ ચેકપોઇન્ટ હોવાના કારણે અહીંથી વૈશ્વિક તેલ પુરવઠાનો પાંચમો હિસ્સો પસાર થાય છે અને મોટાપાયા પર લિક્વીફાઇડ નેચરલ ગેસ (એલએનજી)નો વેપાર થાય છે.

હવે જો અમેરિકા હુમલો કરે તો ઇરાન બદલાની કાર્યવાહીમાં હોર્મુઝની સામુદ્રધુનીને નિશાન બનાવી શકે છે. તેના માટે તે દરિયામાં માઇન્સ બિછાવી શકે છે,મિસાઇલો અને ડ્રોન હુમલા કરી શકે છે. આ સિવાય વેપારી જહાજોને હેરાન કરીને આ રસ્તો અવરોધી શકે છે.આ દરિયાઈ માર્ગમાં જરા પણ અવરોધ આવે છે તો તેની સીધી અસર વૈશ્વિક ઉર્જાબજાર પર પડે છે. તેના કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમત આકાશને આંબી શકે છે.

આ સામુદ્રધુનીના સૌથી સાંકડા હિસ્સાની પહોળાઈ ફક્ત ૩૩ કિ.મી.ની છે. ખાડી દેશોમાંથી તેલ અને ગેસને આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચાડવાનો આ એકમાત્ર માર્ગ છે. આ રસ્તા પરથી વિશ્વના કુલ ક્રૂડ ઓઇલનો ૨૦ ટકા હિસ્સો રોજ પસાર થાય છે.૨૦૨૫માં પ્રતિ દિન ૧.૩ કરોડ બેરલ ઓઇલ આ રસ્તા પરથી પસાર થયું હતુ, જે વૈશ્વિક દરિયાઈ વેપારના ૩૧ ટકા થાય. 

સાઉદી અરેબિયા, ઇરાક, ઇરાન, કુવૈત અને યુએઈ જેવા મોટા ઓઇલ ઉત્પાદક દેશ ઉર્જાનો પુરવઠો પૂરો પાડવા નિકાસ કરવા માટે આ જ રસ્તા પર આધારિત છે. તેમા પણ ખાસ કરીને એશિયાઈ બજારો માટે ચીન, જાપાન, ભારત અને દક્ષિણ કોરીયા જેવા દેશ આ રસ્તાથી આવતા ૮૦ ટકા જેટલા ઓઇલ, કંડેનસેટ અને એલએનજીનો ઉપયોગ કરે છે. તેથી હોર્મુઝની સ્થિરતા સીધી આર્થિક સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. 

ગોલ્ડમેન સાક્સના રિપોર્ટમાં જણાવાયું હતું કે એક મહિના માટે પણ ક્રૂડ ઓઇલનો પુરવઠો રોકાયો તો તેનો ભાવ પ્રતિ બેરલ ૩૦ ડોલર કરતાં પણ વધુ ઊચકાઈને ૧૧૦ બેરલ ડોલરે જઈ શકે છે. તેનાથી ભારતીય શેરબજારોમાં ઉથલપાથલ વધી શકે છે. ભારત અને ચીનમાં મોંઘવારી વધી શકે છે.