ટ્રમ્પનો ભારતીયો માટે 'સાવકાભાઇ જેવા' વ્યવહાર : અમેરીકન સીટીઝન બનવું અતિ મુશ્કેલ

- મૌખિક ઉપરાંત હવે અઘરી લેખિત પરીક્ષા અનિવાર્ય
- વસાહતીઓએ અમેરિકન ઈતિહાસ, નાગરિક શાસ્ત્રની પરીક્ષા આપવી પડશે : પાસ થવા માટે બે તક મળશે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળ્યા પછીથી સતત ઈમિગ્રેશન વ્યવસ્થામાં ફેરફાર કરવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને દૂર કરવાની સાથે વસાહતીઓ માટે પણ ટ્રમ્પે અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે. આવા સમયે હવે ટ્રમ્પે અમેરિકાની નાગરિક્તા મેળવવાનું મુશ્કેલ બનાવી દીધું છે.
ટ્રમ્પ સરકારે વર્ષ ૨૦૨૦ની જૂની વ્યવસ્થા ફરી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેના હેઠળ હવે અમેરિકન નાગરિક બનવા માટે નાગરિક શાસ્ત્રની લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. ટ્રમ્પ સરકારની આ નીતિથી અમેરિકન નાગરિક બનવાનું સપનું જોતા ભારતીયોને મોટો ફટકો પડશે.
અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવાઓ (યુએસસીઆઈએસ)એ આ શ્રેણીમાં નાગરિક શાસ્ત્ર પરીક્ષાની નવી આવૃત્તિની જાહેરાત કરી છે, જેનો અમલ ૨૦૨૫થી શરૂ થઈ જશે. ઈમિગ્રેશન વિભાગે જણાવ્યું છે કે તેણે વર્ષ ૨૦૨૫થી ફરીથી નાગરિક શાસ્ત્ર પરીક્ષાને ફરજિયાત કરવાની જાહેરાત કરતા સંઘીય રજિસ્ટર નોટિસ જાહેર કરી છે. અમેરિકન નાગરિક બનવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે. આ પરીક્ષા ૨૦ ઑક્ટોબર પછી અરજી કરનારા વસાહતીઓએ આપવાની રહેશે. અરજદારો પાસે પાસ થવા માટે બે તક હશે. ત્યાર પછી તેમણે અરજી પ્રક્રિયા ફરી કરવી પડશે.
આ નવી પરીક્ષા એવા લોકો માટે જરૂરી છે, જે અમેરિકાની નાગરિક્તા મેળવવા ઈચ્છે છે. આ નાગરિક શાસ્ત્ર પરીક્ષાનો ઉદ્દેશ્ય અમેરિકન ઈતિહાસ અને સરકાર અંગે અરજદારોના જ્ઞાાનનું આકલન કરવાનો છે. યુએસસીઆઈએસના પ્રવક્તા મેથ્યુ ટ્રૈગેસરે કહ્યું કે, અમેરિકન નાગરિક્તા દુનિયાની સૌથી પવિત્ર નાગરિક્તા છે અને તેને માત્ર એવા વિદેશીઓ માટે અનામત રાખવી જોઈએ જે એક રાષ્ટ્ર તરીકે અમારા મૂલ્યો અને સિદ્ધાંતોને સંપૂર્ણપણે અપનાવે.
ટ્રમ્પ સરકારે જણાવ્યું છે કે અમેરિકન નાગરિક બનવા માટે અરજી કરનારા વસાહતીઓએ એ પણ સાબિત કરવું પડશે કે તેઓ અરજી આપતા પહેલા ઓછામાં ઓછા ૩ અથવા પાંચ વર્ષ સુધી અમેરિકામાં કાયદેસરના સ્થાયી નિવાસી તરીકે રહી ચૂક્યા છે. તેઓ અંગ્રેજી લખી, બોલી અને વાંચી શકે છે. તેમણે અમેરિકાનો ઈતિહાસ અને રાજકીય વ્યવસ્થાની મૂળભૂત સમજ મેળવવી પડશે.
અગાઉ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં ૧ ડિસેમ્બર ૨૦૨૦થી આ વ્યવસ્થા લાગુ કરી હતી, જે ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી અમલમાં હતી. ટ્રમ્પની વિદાય પછી બાઈડેન સરકારે આ વ્યવસ્થા ખતમ કરી દીધી હતી અને પરીક્ષાને સરળ બનાવી દીધી હતી. ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન પ્રક્રિયાને આકરી બનાવવાની દિશામાં લીધેલું આ નવું પગલું છે.
અમેરિકન સરકાર ૧૯૦૦ના સમયથી જ કોઈને કોઈ સ્વરૂપે નાગરિક્તા પરીક્ષાનું આયોજન કરતી રહી છે. જોકે, તેના કોઈ નિશ્ચિત માપદંડ નહોતા. ૧૯૫૦માં આંતરિક સુરક્ષા કાયદામાં અમેરિકન ઇતિહાસ અને નાગરિક શાસ્ત્રના જ્ઞાાનને નાગરિક્તા માટે જરૂરી બનાવી દેવાયા હતા. સીઆઈએસ મુજબ હાલમાં નાગરિક્તા પરીક્ષામાં પાસ થવાનો દર ૯૧ ટકા છે.









