ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા કર્યો
- અમેરિકામાં હાઉસિંગ,ઓટો પ્રોડક્ટ મોંઘી થશે
- ચીને વેપાર કરારનો ભંગ કર્યાનો ટ્રમ્પનો આંચકાજનક દાવો, વિવાદ ન ઉકેલાયો તો આકરાં પગલાં લેવાની પણ ચીમકી
- ચીનના તકલાદી સ્ટીલના બદલે અમેરિકા ગુણવત્તાસભર સ્ટીલનું મોટાપાયા પર ઉત્પાદન કરશેઃ ટ્રમ્પની શેખી
વોશિંગ્ટન : ટેરિફ કિંગ ટ્રમ્પ ફરી ત્રાટક્યા છે. તેમણે અમેરિકામાં આવતા સ્ટીલ પરનો ટેરિફ ૨૫ ટકાથી બમણો કરી ૫૦ ટકા કરવાની જાહેરાત કરી છે. તેના કારણે હાઉસિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગોમાં વપરાશમાં લેવાતા સ્ટીલ આધારિત પ્રોડક્ટસના ભાવમાં વધારો થશે. તેની સાથે તેમણે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણો કરવાની અને બંનેનો બુધવારથી અમલ કરવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફનો હેતુ અમેરિકન ઇસ્પાત ઉદ્યોગને વેગ આપવાનો છે. પેન્સિલ્વેનિયામાં યુએસ સ્ટીલ મૌન વેલી વર્કર્સ ઇરવિન પ્લાન્ટમાં બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફમાં વધારાથી સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ મળશે અને અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે.
તેમણે ચીનને ટાંકીને કટાક્ષમાં જણાવ્યું હતું કે અમેરિકાનું ભવિષ્ય શાંઘાઈના ઉતરતી કક્ષાના સ્ટીલ પર આધારિત રહેવાના બદલે પિટર્સબર્ગની તાકાત અને ગૌરવ સાથે બનાવવું જોઈએ. સરકારી આંકડા મુજબ ૨૦૧૮માં અમેરિકામાં પહેલી વખત સ્ટીલ પર ટેરિફ લગાવવામાં આવ્યા પછી સ્ટીલ ઉત્પાદકોની કિંમતમાં લગભગ ૧૬ ટકા વધારો થયો હતો. ટ્રમ્પ ફરીથી પ્રમુખ બન્યા પછી અમેરિકાના સ્ટીલના ભાવમાં ૧૬ ટકા સુધીનો વધારો અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. આ ભાવ હવે પ્રતિ મેટ્રિક ટન હજાર ડોલરને વટાવી જવાની નજીક છે. માર્ચના અંતે તે ૯૮૪ ડોલર હતા. આ ભાવ યુરોપના ૬૯૦ અને ચીનના ૩૯૨ ડોલર કરતાં વધારે છે.
અમેરિકાએ ગયા વર્ષે સ્ટીલની આયાત કરી તેનાથી ત્રણ ગણા વધારે સ્ટીલનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કર્યુ તુ. અમેરિકા મુખ્યત્વે કેનેડા, બ્રાઝિલ, મેક્સિકો અને કેનેડાથી સ્ટીલની આયાત કરે છે. ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને મજબૂત બનાવ્યો હતો.
જો કે ટ્રમ્પે આમ છતાં અમેરિકાના સૌથી મોટા જાહેરસાહસ યુએસ સ્ટીલને નિપ્પોન સ્ટીલના હાથમાં સોંપવા તૈયાર થવું પડયુ છે. ટ્રમ્પ પહેલાં આ ડીલના વિરોધી હતા, પરંતુ તેમા અમેરિકન અંકુશ રાખવામાં આવશે તે વાતે તે આ ડીલ કરવા સંમત થયા હતા. નિપ્પોન સ્ટીલ પણ અમેરિકામાં ટ્રમ્પ સ્ટીલ સેક્ટરને મજબૂત બનાવી રહ્યા છે તેનો ફાયદો ઉઠાવવા આતુર છે.
આ ઉપરાંત ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ચીન સાથે હવે બહુ લાંબા સમય સુધી સારા નહી રહી શકે, કારણ કે ચીને અમેરિકા સાથેનો કરાર તોડયો છે. ચીનથી દુર્લભ ખનીજોની અમેરિકામાં આયાત જેટલા પ્રમાણમાં આવવી જોઈએ તેટલા પ્રમાણમાં આવી રહી નથી. તેઓ આ મુદ્દે ચીનના પ્રમુખ જિનપિંગ સાથે વાત કરશે. તેમને આશા છે કે આનું વહેલામાં વહેલી તકે પરિણામ આવશે, જેથી વાત આગળ ન વધે. જો કે ચીને કયા પ્રકારના કરારનો ભંગ કર્યો છે તેની ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી.
ટ્રમ્પે લાદેલો સ્ટીલની આયાત પરનો વેરો બમણો કર્યો તેનાથી સીધો ચીનને ફટકો પડશે. અમેરિકા મુખ્યત્વે કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકોથી સ્ટીલની આયાત કરે છે, પરંતુ આ દેશોને ફટકો નહીં પડે, કેમકે તેમની સાથે ટ્રમ્પે તેમની પહેલી ટર્મ દરમિયાન જ વેપાર કરાર કર્યા હતા અને તે કરાર હજી પણ અમલી છે.