ભારત અને ચીન પર 100 ટકા ટેરિફ નાખવા ટ્રમ્પની જી-7ને ઉશ્કેરણી

- મોદીના વખાણ છતાં ટેરિફને લઈ અમેરિકા મક્કમ
- જી-7 દેશોના નાણાપ્રધાનો વચ્ચે યોજાનારી બેઠકમાં ભારત અને ચીન પર ટેરિફ નાખવા અંગે ચર્ચા થશે
- યુરોપીયન યુનિયન ભારત-ચીન જેવા મોટા આર્થિક ભાગીદાર પર જંગી ટેરિફ નાખવાની વિરોધમાં
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભલે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હોય, પરંતુ ભારત પર ટેરિફ મોરચે જરા પણ રાહત આપી નથી. ભારતને રાહત આપવાની વાત તો બાજુએ રહી, પરંતુ ટ્રમ્પ તો હવે યુરોપીયન યુનિયનની જેમ જી-૭ દેશોને ઉશ્કેરી રહ્યા છે કે તે પણ ભારત અને ચીન પર અમેરિકાએ લાદેલા ટેરિફની જેમ ૫૦થી લઈને ૧૦૦ ટકા ટેરિફ નાખે. જો કે અમેરિકન સરકાર તરફથી સત્તાવાર રીતે કશું કહેવાયું નથી.
ટ્રમ્પ પોતે આ સંદર્ભમાં જી-૭ દેશો સાથે બેઠક કરી રહ્યા છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ અમેરિકા જી-૭ દેશોને ભારત અને ચીન પર વધારે ટેરિફ લગાવવાની અપીલ કરી રહ્યું છે. ટેરિફનો આ દર ૫૦થી ૧૦૦ ટકાની વચ્ચે હોઈ શકે છે.
આ માટે કેનેડા, ફ્રાન્સ, અમેરિકા, જાપાન, ઇટાલી, બ્રિટન અને જર્મનીના નાણા પ્રધાન શુક્રવારે વિડીયો કોલ દ્વારા બેઠક કરવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ રોઇટર્સના રિપોર્ટમાં એક અમેરિકન અધિકારી અને એક ઇયુના અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પે ઇયુના અધિકારીઓને ચીન પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાની અપીલ કરી છે, જેથી તેના દ્વારા રશિયાના પ્રમુખ પુતિન પર દબાવ લાવી શકાય. ઇયુના અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે ઇયુને જણાવ્યું હતું કે ભારત પર પણ તેઓ આ જ પ્રકારના ટારેફ લગાવે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સની વાતમાં અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ચીન અને ભારત રશિયન ઓઇલ ખરીદીને પુતિનની વોર મશીનને મદદ કરી રહ્યા છે. તેના લીધે યુક્રેનના લોકોની મોતમાં વધારો થયો છે. આ સપ્તાહે અમે અમારા યુરોપીયન સહયોગીઓને જણાવ્યું છે કે જો તે યુદ્ધ ખતમ કરવા માટે ગંભીર છે તો તેમણે અમારી સાથે મળીને ટેરિફ લગાવવા પડશે. આ ટેરિફ યુદ્ધ ખતમ થતાં પરત લેવામાં આવશે.
ટ્રમ્પે ભારત પર પ્રારંભમાં ૨૫ ટકા ટેક્સ અને રશિયન ઓઇલની ખરીદી બદલ બીજો વધારાનો ૨૫ ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપ પણ રશિયા સાથે વેપાર કરે જ છે. તેથી આવા બેવડા વલણો ન ચાલે. આશ્ચર્યની વાત એ છે કે ચીન પણ રશિયન ઓઇલના ખરીદદારોમાં એક છે, પરંતુ તેના પર અમેરિકાએ ૩૦ ટકા જ ટેરિફ લગાવ્યો છે.
ટ્રમ્પના વલણની સાથે યુરોપીયન યુનિયન સંમત નથી. બ્રસેલન્સનું માનવું છે કે ભારત અને ચીન જેવા મોટા વ્યાપારિક ભાગીદારો પર ભારે ટેરિફ નાખવાથી વિપરીત સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ટેરિફ વોર શરૂ થઈ શકે છે. તેના બદલે ૨૦૨૭ સુધીમાં રશિયન ઉર્જા પરનું અવલંબન ખતમ કરવું અને રશિયા પર વધારે આકરા પ્રતિબંધ નાખવા તે યોગ્ય વિકલ્પ છે.








