ટેરિફ વૉરનો દાયરો વધ્યો, યુરોપિયન યુનિયનની ટ્રમ્પને ચેતવણી - અમે પણ તૈયારી કરી રાખી છે
EU and Donald Trump Tariff News : યુરોપીયન યુનિયને જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પ વહીવટીતંત્રએ બધા જ પ્રકારના સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ નાખ્યો તેના જવાબમાં અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રી પ્રોડક્ટ્સ પર નવો વેરો લાદશે. વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ બ્લોક યુરોપીયન યુનિયનને આની અપેક્ષા તો હતી જ અને તેથી તે તેના માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યું હતું.
ગયા મહિને અમેરિકાએ યુરોપને ચેતવણી આપી હતી કે યુરોપે ભવિષ્યમાં તેની સુરક્ષાની ચિંતા જાતે કરવાની આવશે. આ બતાવે છે કે બંને વચ્ચેના સંબંધ કેટલા વણસી ગયા છે.
ઇયુ દ્વારા લેવામાં આવનારા પગલાઓમાં ફક્ત સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ જ નહીં પણ ટેક્સ્ટાઇલ્સ, હોમ એપ્લાયન્સીસ અને કૃષિ માલસામગ્રીનો સમાવેશ થાય છે. અમેરિકાની મોટરસાઇકલ્સ, બૌર્બન, પીનોટ બટર અને જીન્સ પર પણ તે વળતો વેરો નાખીને 26 અબજ યુરો (28અબજ ડોલર) વસૂલશે. ઇયુએ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં પણ ટેરિફનો સામનો કર્યો હતો.
ઇયુ દ્વારા લાદવામાં આવેલી જકાતોનું ધ્યેય અમેરિકામાં પ્રેશર પોઇન્ટ્સને દબાવવાનું છે, જેથી યુરોપને લઘુત્તમ નુકસાન થાય. તેમા પણ યુરોપીયન યુનિયન દ્વારા લાદવામાં આવારા ટેરિફ રિપબ્લિકન રાજ્યોમાં બનતા સામાનને જ લાગશે. તેના લીધે સ્પીકર માઇક જહોન્સનના સોયાબીન્સની સાથે કેન્સાસ અને નેબ્રાસ્કામાં બીફ અને પોલ્ટ્રી પર પણ અસર પડશે. અલ્બામા, જ્યોર્જિયા અને વર્જિનિયામાં બનતી પેદાશોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.
આમ ઇયુ આ પગલા દ્વારા તેનું રક્ષણ પણ કરશે અને ટ્રમ્પને એટલે કે ખાસ કરીને રિપબ્લિકનોને ફટકો પણ મારશે. યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લીયેને જણાવ્યું હતું કે તેમનો બ્લોક હંમેશા વાટાઘાટ માટે તૈયાર હોય છે.
અમેરિકન ચેમ્બર્સ ઓફ ગુ્રપે ઇયુને જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વેરા અને તેના વળતા જવાબમાં લાદવામાં આવેલા વેરા બંને પક્ષે સમૃદ્ધિ, નોકરીઓ અને સલામતીને નુકસાન કરશે. તેથી બંનેએ આ સ્થિતિ નિવારવા વાટાઘાટ જારી રાખવી જોઈએ. કેનેડાના પીએમ માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે અમેરિકા તેમના પ્રત્યે સન્માન નહીં જાળવે અને મુક્ત વ્યાપાર અંગે પ્રતિબદ્ધતા નહીં બતાવે ત્યાં સુધી તેઓ અમેરિકા પર ટેરિફ નાખશે. મારી સરકાર અમેરિકાના ટેરિફની કેનેડા પર ઓછામાં ઓછી અસર પડે તે જોવા પ્રયત્નશીલ છે. આ દરમિયાન ઓન્ટારિયોના પ્રીમિયરે અમેરિકાના ત્રણ રાજ્યોમાં ૨૫ ટકાનો ટેરિફ નાખવાનું આયોજન રદ કરતાં ટ્રમ્પે પણ ૫૦ ટકા ટેરિફ રદ કરવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે આખા વિશ્વમાંથી સ્ટીલ અને સ્ટીલની આયાત પર ૨૫ ટકાનો ટેરિફ લાદતા યુકેના પીએમ સ્ટારમેરે જણાવ્યું હતું કે તેમણે બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.તેમણે ટ્રમ્પના પગલાં અંગે નિરાશા વ્યક્ત કરી હતી.