ચીન બાદ હવે ભારતના મિત્ર દેશ સાથે ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ, 50 ટકા ટેક્સનો બોમ્બ ફોડ્યો
Trump Imposes 50% Tariff on Brazil : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ઝટકો બ્રાઝિલને આપ્યો છે. બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા પર 30 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારે બ્રુનેઈ અને મોલ્દોવા પર 25 ટકા અને ફિલિપાઈન્સ પર 20 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નવા ટેરિફ આગામી પહેલી ઓગસ્ટથી લાગુ થશે.
બ્રાઝિલે બદલો લેવાની ધમકી આપી
અમેરિકાના આ નિર્ણયથી બ્રાઝિલ બરાબરનું ભડક્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કડક શબ્દોમાં આર્થિક બદલો લેવાની ચેતવણી આપી છે. બ્રાઝિલ ભારેખમ ટેક્સ લગાવવા મુદ્દે ટ્રમ્પે જણાવ્યું છે કે નિર્ણય લેતા સમયે બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો સાથે જે વર્તણૂક થઈ રહી છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. નોંધનીય છે કે બ્રાઝિલમાં બોલસોનારો વિરુદ્ધ સત્તાપલટો કરવાનું ષડયંત્ર રચવાના આરોપ હેઠળ કેસ ચાલી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આરોપો બાદ લૂલા ડા સિલ્વાએ જવાબ આપતા કહ્યું છે કે બ્રાઝિલનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને કોઈ પણ બાહ્ય દબાણ સાંખી લેવામાં આવશે નહીં. ન્યાયતંત્ર પર કોઈ પણ ધમકી કે હસ્તક્ષેપની અસર થશે નહીં. બ્રાઝિલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસા કે નફરત ફેલાવવી નથી.
બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી
નોંધનીય છે કે અમેરિકાએ અગાઉ મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ટ્યુનિશિયા, ઈન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, થાઈલેન્ડ પર પણ ટેરિફની જાહેરાત કરી હતી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર વધારાના 10 ટકા ટેરિફની ધમકી આપી છે. જેમાં ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સામેલ છે.