Get The App

EUમાં ખળભળાટ! ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ કરનારા 8 યુરોપિયન દેશો પર ટ્રમ્પે 10 ટકા ટેરિફ ઝીંક્યો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
EUમાં ખળભળાટ! ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ કરનારા 8 યુરોપિયન દેશો પર ટ્રમ્પે 10 ટકા ટેરિફ ઝીંક્યો 1 - image


US-Greenland issue: અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે તલપાપડ થઈ રહ્યું છે. તેવામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલેન્ડ ખરીદીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરનારા યુરોપના 8 દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાગશે. 

EUમાં ખળભળાટ! ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ કરનારા 8 યુરોપિયન દેશો પર ટ્રમ્પે 10 ટકા ટેરિફ ઝીંક્યો 2 - image

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આવનાર 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને યુનાઇટેડ કિંગડમથી આયાત થતા માલ પર 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. ત્યારબાદ આ ટેરિફ 1 જૂનથી વધારીને 25 ટકા કરવામાં આવશે અને જ્યાં સુધી કોઈ કરાર ન થાય.

'ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ'

ટ્રમ્પે ટેરિફ ઝીંકતા કહ્યું "વિશ્વ શાંતિ ખતરામાં છે. ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ અને ડેનમાર્ક તેના અંગે કંઈ કરી શકતું નથી, આ સંભવિત ખતરનાક પરિસ્થિતિને શક્ય તેટલી ઝડપથી અને શંકા વિના સમાપ્ત કરવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ.'

વાતચીત છતાં મતભેદ યથાવત્

આ મુદ્દે અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સામેલ હતા. બેઠક બાદ ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે "મૂળભૂત અસહમતિ" યથાવત્ છે. જોકે, મતભેદો છતાં, સંભવિત ઉકેલ શોધવા માટે એક ઉચ્ચ-સ્તરીય કાર્યકારી જૂથની રચના કરવા પર સહમતિ સધાઈ છે. રાસમુસેને સ્પષ્ટ કર્યું કે આ જૂથ અમેરિકાની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં લેશે, પરંતુ ડેનમાર્કની "રેડ લાઇન્સ"(લક્ષ્મણ રેખા)નું સન્માન કરવું પડશે.

ટ્રમ્પની જીદ સામે યુરોપિયન દેશો એકજૂટ

અમેરિકાના દબાણ સામે ડેનમાર્ક એકલું નથી. ડેનમાર્કે ગ્રીનલૅન્ડમાં પોતાની સૈન્ય હાજરી વધારવાની જાહેરાત કરી છે, અને તેના સમર્થનમાં ફ્રાન્સ, જર્મની, નોર્વે અને સ્વીડન જેવા દેશોએ પણ મર્યાદિત સંખ્યામાં સૈનિકો મોકલવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ કિંગડમ અને જર્મનીએ પણ આર્કટિક સુરક્ષા અભ્યાસના ભાગરૂપે સૈનિકોની તૈનાતીની પુષ્ટિ કરી છે. આ પગલાંને ટ્રમ્પની યોજના સામે યુરોપની એકતાના સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

યુરોપીયન દેશોએ ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલ્યા

મહત્વનું છે કે યુરોપીયન દેશોની આર્મી સી-130 હરક્યુલિસ સૈન્ય વિમાનમાં ગ્રીનલેન્ડના નૂકમાં મિલિટ્રી બેઝ પર પહોંચી રહી છે. અનેક યુરોપીયન દેશોએ ડેનમાર્કમાં સૈન્યની તૈનાતી અને યુદ્ધાભ્યાસ વધારી દીધો છે. ડેનિશ સંરક્ષણ મંત્રી ટ્રોલ્સ લૂંડ પોલસેને કહ્યું હતું કે, ડેનમાર્ક ગ્રીનલેન્ડ અને તેની આજુબાજુ સૈન્ય પ્રવૃત્તિ વધારશે. રાસમુસેને કહ્યું કે, તેમનો દેશ આર્કટિકમાં સુરક્ષા મજબૂત કરી રહ્યો છે. ત્યાં જહાજ, ડ્રોન, ફાઈટર વિમાન તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે. ડેનમાર્કની સાથે ફ્રાન્સ, જર્મની, નોર્વે અને સ્વીડન સહિત યુરોપના અન્ય દેશોએ પણ તેમની સેના ગ્રીનલેન્ડ મોકલવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: Explainer : માંડ 56 હજારની વસતી ધરાવતા ગ્રીનલૅન્ડમાં એવું તો શું છે કે ગમે તે ભોગે કબજો કરવા માંગે છે ટ્રમ્પ?

નાટો સભ્યો સાથે સૈન્ય ક્ષમતા વધારશે

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કહ્યું કે, ફ્રાન્સની સેનાની પહેલી ટૂકડી નીકળી ગઈ છે અને અન્ય સૈનિકો પણ પહોંચશે. જર્મનીના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, જર્મનીએ પણ તેમના સૈનિકોને ગ્રીનલેન્ડ મોકલવા રવાના કર્યા છે. તેઓ ગ્રીનલેન્ડમાં નાટો સભ્યો સાથે સૈન્ય ક્ષમતા વધારશે. નાટોના એક અધિકાર મુજબ નાટો પણ તેના સૈનિકોને આર્કટિકમાં મોકલવા તૈયારી કરી રહ્યું છે.

હવે ટ્રમ્પના ટેરિફ એક્શન બાદ યુરોપિયન દેશો પણ મોટું પગલું ભરી શકે છે. ઘણા મુખ્ય EU દેશોએ ડેનમાર્કને ટેકો જાહેર કર્યો છે અને અમેરિકાને ચેતવણી આપી છે કે જો NATOના કોઈપણ વિસ્તાર પર લશ્કરી કબજો કરશે તો નાટો ગઠબંધનને મોટો ફટકો આપી શકે છે.