Get The App

કેનેડા પર રોષે ભરાયા ડોનાલ્ડ ટ્રમ્પ! વધારાનો 10 ટકા ટેરિફ ઝીંક્યો, જાણો કેમ વધ્યો વિવાદ

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
કેનેડા પર રોષે ભરાયા ડોનાલ્ડ ટ્રમ્પ! વધારાનો 10 ટકા ટેરિફ ઝીંક્યો, જાણો કેમ વધ્યો વિવાદ 1 - image

Trump Tariff On Canada: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર વધારાના 10 ટકા ટેરિફ વધારાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપાર વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે. ટ્રમ્પનું આ કડક પગલું કેનેડા દ્વારા અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનના ઐતિહાસિક ભાષણનો કથિત રીતે દુરુપયોગ કરતી એક જાહેરાતને 'છેતરપિંડી' ગણાવ્યા બાદ આવ્યું છે. નોંધનીય છે કે, કેનેડા પર અમેરિકા ટેરિફ હવે કુલ 45 ટકા સુધી વધી ગયો છે.


રીગનના ભાષણના દુરુપયોગનો આક્ષેપ

કેનેડિયન સરકારે તાજેતરમાં એક જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું, જેમાં અમેરિકાના રોનાલ્ડ રીગનના 1980ના દાયકાના રેડિયો ભાષણમાંથી પસંદ કરેલા ઓડિઓ અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જાહેરાતનો ઉદ્દેશ્ય રીગનને ટેરિફ વિરોધી તરીકે દર્શાવીને અમેરિકાની વર્તમાન ટેરિફ નીતિઓ સામે લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરવાનો હતો.

જો કે, રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટે આ જાહેરાતની સખત નિંદા કરી હતી, અને કહ્યું હતું કે ઓડિયો-વીડિયોનો ઉપયોગ ખોટી રીતે અને તેમની પરવાનગી વિના કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે.


ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા કરતાં લખ્યું, 'કેનેડાએ ટેરિફ પર રોનાલ્ડ રીગનના ભાષણની નકલી જાહેરાત મૂકી. તેનો એકમાત્ર હેતુ યુએસ સુપ્રીમ કોર્ટને પોતાનો બચાવ કરાવવાનો હતો, ભલે તેઓ વર્ષોથી અમેરિકાને નુકસાન પહોંચાડતા ઊંચા ટેરિફ લાદી રહ્યા છે. રીગન રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે ટેરિફના સમર્થક હતા, વિરોધી નહીં.'

આ મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે જાહેરાતને તાત્કાલિક દૂર કરવાનો આદેશ હોવા છતાં, તે વર્લ્ડ સિરીઝ મેચ દરમિયાન પ્રસારિત થઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે આ એક જાણી જોઈને બનાવેલું કાવતરું હતું.

આ પણ વાંચો: અમેરિકામાં 'સરકારી ભૂખમરો' : ચાર કરોડ અમેરિકનો ફૂડ બેન્કની બહાર લાઇનમાં

કેનેડા પર 10 ટકા વધારાના ટેરિફની જાહેરાત

કેનેડાની સરકારે આ ઘટના પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ ઓન્ટારિયોના મુખ્યમંત્રીએ આ જાહેરાતને વેપાર વાટાઘાટો દરમિયાન થયેલી 'ભૂલ' ગણાવી છે અને ખાતરી આપી છે કે તેને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. જો કે, ટ્રમ્પે આ વિવાદના જવાબમાં કેનેડાની આયાત પર 10 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ વધારાથી કેનેડાની નિકાસને વાર્ષિક અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે, જેનાથી બંને દેશોના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે.