યુક્રેનને 'ટોમ-હોક' મિસાઇલ્સ આપતાં ટ્રમ્પ ખચકાયા છતાં યુક્રેન યુદ્ધ તુર્ત જ બંધ થવાની આશા દર્શાવી

- શાંતિ સ્થાપવાનાં પહેલા ચરણરૂપે બંનેએ સેના જ્યાં છે ત્યાં રોકવી
- આ પૂર્વે ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી હતી કે જો તે યુક્રેન ઉપરનું આક્રમણ બંધ નહીં કરે તો યુ.એસ. યુક્રેનને ટોમ-હોક મિસાઇલ્સ આપશે
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝેલેન્સ્કી વચ્ચે ગઈકાલે (શુક્રવારે) ગહન મંત્રણાઓ યોજાઈ હતી. જેમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, 'સૌથી મહત્વની વાત તો રશિયા-યુક્રેન બંનેએ પરસ્પર પ્રત્યેની શત્રુતા છોડી દેવી જોઈએ. જો તેમ થાય તો આ યુદ્ધ તુર્ત જ બંધ થઈ શકે.' આમ છતાં ઝેલેન્સ્કી વાસ્તવમાં જે માટે અમેરિકા ગયા હતા તે 'ટોમ-હોક' મિસાઇલ્સ આપવા અંગે ટ્રમ્પ ખચકાયા હતા. તેઓએ આ મંત્રણામાં ઝેલેન્સ્કીને કહ્યું કે, તેમણે હમાસ ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ બંધ કરાવ્યું છે. વધુમાં કહ્યું કે, 'આ રીતે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાય તેમાં આરબ અને મુસ્લીમ દેશો મળી ૫૯ દેશોએ સહમતી આપી હતી.' વાસ્તવમાં આ યુદ્ધ તો ઘણું ગૂંચવાયેલું હતું તે તમો જાણો જ છો.
આ શાંતિ સમજૂતી સમયે ૫૯ દેશો ઉપસ્થિત હતા તે પૈકી લગભગ તમામ માનતા જ હતા કે આ શાંતિ સમજૂતી સિદ્ધ નહીં થઈ શકે.
ટ્રમ્પે ઝેલેન્સ્કીને તેમ પણ કહ્યું કે મારે પુતિન સાથે લંબાણપૂર્વક ટેલીફોન વાતચીત થઈ હતી. પુતિન પણ ઈચ્છે છે કે આ યુદ્ધ બંધ થાય કારણ કે તેઓ જાણે જ છે કે બંને તરફે અનેકનાં મૃત્યુ થયા છે.
આ પછી ટ્રમ્પે તેઓના 'ટ્રુથ સોશ્યલ' પર લખ્યું કે, અમારી વચ્ચેની મંત્રણા ઘણી જ સારલ્યભરી રહી, તેઓ પણ હત્યાઓ બંધ થાય તે માટે સમજૂતી કરવા તૈયાર થયા છે.
સૌથી વધુ મહત્વની વાત તો ટ્રમ્પે તે કરી કે બંને વિજય માટે દાવો કરી શકશે. હવે ઈતિહાસને જ કહેવા દો કે, હવે વધુ યુદ્ધો નહીં વધુ મૃત્યુ નહીં કે નહીં અકારણ અને અસામાન્ય તેવા યુદ્ધ ખર્ચ નહીં.
આ સાથે પોતાના પુરોગામી જો બાયડન ઉપર આડકતરો કટાક્ષ કરતા હોય તેમ ટ્રમ્પે કહ્યું, 'હું ભાંગી પડું તેવો નથી. અરે ! હજારો લોકો દરેક સપ્તાહે માર્યા જાય છે. હવે તે ફરી બનશે નહીં સૌ કોઈ શાંતિપૂર્વક પોત પોતાનાં ઘરે જઈ શકશે, રહી શકશે.'
નિરીક્ષકો કહે છે કે, યુક્રેનને 'ટોમ-હોક' મિસાઇલ્સ આપવાની ટ્રમ્પે તૈયારી દર્શાવી ત્યારથી મોસ્કો ચિંતાગ્રસ્ત થઈ ગયું હતું.
ટ્રમ્પ સાથેની વાતચીતમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેમની પુતિન પ્રત્યેની ધિક્કારની ભાવના માત્ર વ્યક્તિગત નથી પરંતુ તેમણે અમારી ઉપર આક્રમણ કર્યું તેથી તેઓ અમારા દુશ્મન બની ગયા. તેઓ હુમલા કરવાનું બંધ જ નથી કરતા, તેથી તેઓ અમારા દુશ્મન છે. નિ:શંક, દુશ્મન જ છે.
ઝેલેન્સ્કી જે આક્રોશ ઠાલવે તે, પરંતુ ટ્રમ્પે શાંતિ સ્થાપવા માટે પહેલાં ચરણ તરીકે બંનેને સેનાઓ જ્યાં છે, ત્યાં જ સ્થગિત કરવા સૂચવ્યું હતું.








