યુક્રેન-યુદ્ધમાં શાંતિ ન સ્થપાવાથી ટ્રમ્પ હતાશ છે : વ્હાઈટ હાઉસ

- નાતાલ પહેલા શાંતિ-સમજૂતીની આશા નિરાશ બની ?
- 'મેં શાંતિ મંત્રણામાં થતી અત્યંત ધીમી પ્રગતિ અને મીટિંગો માત્ર મીટિંગો ખાતર જ યોજાતી હોવાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત હતાશ છે : કેરોલિન લિવિટ
વોશિંગ્ટન : વ્હાઈટ હાઉસે ગુરૂવારે (સ્થાનિક સમય) જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ ન થવાથી પ્રમુખ ટ્રમ્પ અત્યંત હતાશ છે. તેટલું જ નહીં પરંતુ શાંતિ મંત્રણામાં થઈ રહેલી અત્યંત ધીમી ગતિથી પણ તેઓ નારાજ છે. વાસ્તવમાં તેઓ આશા રાખતા હતા કે, નાતાલ-પહેલા યુક્રેન-યુદ્ધમાં શાંતિ સ્થપાઈ જશે. પરંતુ, તેમ થયું નથી. પ્રમુખને સૌથી વધુ તે વાતનું દુ:ખ છે કે, રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે જે મીટીંગો યોજાય છે, તે મીટીંગો માત્ર મીટીંગ યોજના માટે જ યોજાઈ રહી છે. તેમાં કોઈ નક્કર પરિણામ આવતું નથી. મંત્રણાઓનો કોઈ અર્થ નથી. યુદ્ધ-બંધ થવું જ જોઈએ.
ગુરૂવારે પત્રકારોને કરેલા સંબોધનમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ માહિતી આપતાં કહ્યું હતું કે, યુદ્ધમાં બંને પક્ષોના વલણથી પ્રમુખ અત્યંત વ્યથિત છે. મીટીંગો ખાતર મીટીંગો યોજાઈ રહી છે તેથી પણ હતોત્સાહ છે. તેઓ હવે કોઈ વધુ વાતો ઇચ્છતા નથી. કાર્ય સિદ્ધિ ઇચ્છે છે. યુદ્ધ બંધ થાય તેમ ઇચ્છે છે.
આ સાથે કેરોલિન લેવિટેએ આગળ કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્ર શાંતિ પ્રયાસોમાં સતત સક્રિય છે. પ્રમુખ ટ્રમ્પે યુરોપના નેતાઓ સાથે બુધવારે વાતચીત કરી હતી. પ્રમુખના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને તેઓની ટીમ બંને પક્ષો સાથે સીધી વાતચીત કરે છે.
આગામી સપ્તાહે યોજાનારી ઉચ્ચ સ્તરીય મંત્રણામાં અમેરિકા ભાગ લેશે કે કેમ ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં લેવિટે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય લેવાયો નથી. વિચારણા ચાલે છે. તેઓ તે સાથે કહ્યું કે, ધ ડીસીશન રીમેન્સ અપ-ઇન-ધી એર (નિર્ણય હજી હવામાં લટકે છે) આપણને ખાતરી જ થાય કે હવે શાંતિ સ્થપાશે ત્યારે જ આપણે આગળ વધી શકીએ.
ટૂંકમાં યુક્રેન યુદ્ધનો અંત ક્યારે આવશે તે આ તબક્કે તો કોઇ કહી શકે તેમ નથી તે સ્પષ્ટ છે. તેવું વિશ્લેષકોનું મંતવ્ય છે.








