World

સામાન્ય અમેરિકન મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ત્યારે ક્રીપ્ટો કરન્સી વેપારથી ટ્રમ્પ કુટુંબની મૂડી 5 અબજ ડોલર વધી છે

By GS TEAM
4 Sep 20252 mins read
સામાન્ય અમેરિકન મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ત્યારે ક્રીપ્ટો કરન્સી વેપારથી ટ્રમ્પ કુટુંબની મૂડી 5 અબજ ડોલર વધી છે

- એક તરફ ટ્રમ્પ કુટુંબની વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સ લિ.નો ધંધો ધમધોકાર વધતો જાય છે, અમેરિકામાં મોંઘવારી માઝા મૂકતી જાય છે

ન્યૂયોર્ક : પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કુટુંબનાં ક્રીપ્ટો કરન્સી અંગેના નવા સાહસથી ટ્રમ્પ કુટુંબની તિજોરીમાં ૫ અબજ ડોલરનો વધારો થયો છે. ત્યારે બીજી તરફ સામાન્ય અમેરિકન નાગરિક જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુમાં ૫૦ ટકા જેટલો ભાવવધારો- ટ્રમ્પ ટેરિફના પગલે થતાં મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વર્લ્ડ લિબર્ટી ફાયનાન્શ્યલ લિમિટેડના સહસંસ્થાપક છે. તેમજ તેના આજીવન ચેરમેન પદે તેઓ રહી શકે તે પ્રકારનો કંપનીના શેર હોલ્ડરોની મીટીંગમાં ઠરાવ પણ પસાર થઈ ચૂકયો છે.

થોડા દિવસો પૂર્વે ટ્રમ્પે ફલોરિડા સ્થિત રિસોર્ટમાં કંપનીના શેર હોલ્ડરોની સભા બોલાવી હતી અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ તે કંપનીના આજીવન ચેરમેન પદે રહી શકે તેવો ઠરાવ પણ પસાર કરાયો હતો. આથી પ્રશ્ન સહજ રીતે જ ઉપસ્થિત થાય છે કે ટ્રમ્પ વેપારી પહેલા છે કે પ્રમુખ પહેલા છે ?

આ કંપની ક્રીપ્ટો કરન્સીનો વેપાર કરે છે. તેમાં તેના બંને પુત્રો, એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તથા જમાઈ જેરેડ ફુંંશનર કુલ મળી ૬૦% શેર્સ ધરાવે છે. ટ્રમ્પ તે કંપનીના સલ્ફ-સ્ટાઇલ્ડ પ્રેસિડેન્ટ છે. તેમણે ચૂંટણી ઝૂંબેશમાં અમેરિકાને ક્રીપ્ટો-બગવવાનું વચન આપ્યું હતું.

ટ્રમ્પની વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સ લિમિટેડે ક્રીપ્ટો કરન્સીનો મોટા પાયે ધંધો કરે છે. આશ્ચર્ય તે છે કે, આ વર્ષના પ્રારંભે ટ્રમ્પે એકિઝકયુટિવ ઓર્ડર દ્વારા ક્રીપ્ટો કરન્સીને સ્થિરતા આપવા સાથે વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સ લિમિટેડ જેવી કંપનીઓને કાનુની મંજૂરી પણ આપી દીધી છે. તે સાથે ટ્રમ્પ-કુટુંબની મૂડીમાં વધારો થતો જ જાય છે. અને તે વધારો સપ્ટેમ્બર ૧ સુધીમાં તેમાં પાંચ અબજ ડોલરનો વધારો થઈ જશે.

બીજી તરફ સામાન્ય અમેરિકન મોંઘવારીમાં ભીંસાઈ રહ્યો છે. તેનું કારણ ટ્રમ્પે ભારત, ચીન, રશિયા પર લાદેલો ભારે ટેરિફ છે. તેથી અમેરિકન નાગરિકને દરેક ચીજ વસ્તુનો ૫૦ ટકા જેટલો ભાવો વધારો વેઠવો પડે છે. ૧૫૦ ડોલરમાં મળતી વસ્તુ માટે હવે ૨૦૦ ડોલર ચુકવવા પડે છે. પરિણામે સામાન્ય નાગરિકનું માસિક બજેટ જ ખોરવાઈ ગયું છે. તેથી તેને ખાદ્ય પદાર્થોના વપરાશ ઉપર પણ કાપ મુકવો પડે છે. તૈયાર કપડાની ખરીદી ઘટી ગઈ છે. વિદેસથી આયાત થતાં શૂઝ, મોજા કે હેટ પણ મોંઘા થઈ ગયા છે. (અમેરિકા-રશિયા- નાની ચીજો ખાસ બનાવતાં નથી તેઓનો મુખ્ય ઉદ્યોગ જ લશ્કરી- સાધન સામગ્રી, વિમાનો, સ્ટીમરો, યુદ્ધ જહાજો, યુદ્ધ વિમાનો વ. બનાવવાનો છે.)