Get The App

ટ્રમ્પ ઝેલેન્સ્કીની જેમ દ.આફ્રિકાના પ્રમુખ સાથે બાખડી પડ્યાં, જાતિવાદ-નરસંહારનો આરોપ મૂક્યો

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પ ઝેલેન્સ્કીની જેમ દ.આફ્રિકાના પ્રમુખ સાથે બાખડી પડ્યાં, જાતિવાદ-નરસંહારનો આરોપ મૂક્યો 1 - image


Donald Trump News : વ્હાઈટ હાઉસમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં જ દ.આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા સાથે બાખડી પડ્યા હતા. બંને પ્રમુખ વચ્ચે એ જ રીતે ઉગ્ર દલીલો થઈ હતી જે રીતે થોડા મહિના અગાઉ યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે જ થઈ હતી. 



જાતિવાદ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો 

દ.આફ્રિકાના પ્રમુખ રામાફોસા 19મેના રોજ વોશિંગ્ટન પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસનો ઉદ્દેશ્ય આફ્રિકા અને અમેરિકાના વચ્ચેના સંબંધમાં નવા પ્રાણ ફૂંકવાનો હતો પણ વ્હાઈટ હાઉસમાં મીટિંગ વચ્ચે ટ્રમ્પે અચાનક રામાફોસાને જાતિવાદ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું. 

ટ્રમ્પે આરોપની પુષ્ટી કરવા વીડિયો બતાવ્યો 

ટ્રમ્પે સિરિલ રામાફોસા પર આરોપ લગાવતા કહ્યું કે તમારા કાર્યકાળમાં દ.આફ્રિકામાં શ્વેત ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે અને તમે તમાશો જોઈ રહ્યા છો. જોકે જેવા રામાફોસાએ આ આરોપો ફગાવ્યા તો ટ્રમ્પે બિગ સ્ક્રીન પર વીડિયો બતાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં દાવો કરાયો હતો કે દ.આફ્રિકામાં હજારો શ્વેત ખેડૂતોની હત્યા કરાઈ છે. 



ટ્રમ્પે નરસંહારનો આરોપ મૂક્યો 

આ દરમિયાન ટ્રમ્પે અમુક મીડિયામાં છપાયેલા લેખની કોપીઓ પણ સિરિલ રામાફોસાને બતાવી હતી જેમાં આફ્રિકામાં શ્વેત ખેડૂતોના નરસંહારનો દાવો કરાયો હતો. રામાફોસાને આ કોપી બતાવતા ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે Death, Death... જેના પછી માહોલ તણાવપૂર્ણ થઈ ગયો હતો. 

રામાફોસાએ ટ્રમ્પને નેલ્સન મંડેલાની યાદ અપાવી 

ટ્રમ્પના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા સિરિલ રામાફોસાએ કહ્યું કે આફ્રિકામાં હિંસા વધી છે અને તમામ જાતિઓ અને વર્ગો તેની સામે સંઘર્ષ કરી રહ્યા છે. આ હિંસામાં માર્યા ગયેલા લોકો માત્ર શ્વેત જ નથી, પરંતુ અશ્વેત લોકો પણ મોતને ભેટ્યા છે. શ્વેત કરતાં અશ્વેતોની હત્યા વધુ થઈ છે. 

રામફોસાએ વીડિયો પર આપ્યો જવાબ 

રામાફોસાએ કહ્યું કે મેં આ વીડિયો પહેલાં ક્યારેય જોયો નથી. અમે આ વીડિયો ક્યાંનો છે તેને વેરિફાઈ કરીશું. અમારા દેશમાં ગુનાખોરી થઇ રહી છે અને તે દરેકને અસર કરી રહી છે, પછી ભલે તે શ્વેત હોય કે અશ્વેત. મારી અમેરિકા મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો હતો, જે 1994માં રંગભેદ યુગ પછીના સૌથી નીચા સ્તરે છે.

રામાફોસાએ કર્યો કટાક્ષ 

આ દરમિયાન રામાફોસાએ કતાર સરકાર દ્વારા ટ્રમ્પને ભેટમાં આપવામાં આવેલા શાહી વિમાન અંગે પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અમારી સરકાર દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, મને દુ:ખ છે કે મારી પાસે તમને આપવા માટે વિમાન નથી, જેના પર ટ્રમ્પે કહ્યું, "કાશ તમારી પાસે હોત."


Tags :