'ભારત પર ટેરિફથી રશિયાને મોટો ઝટકો', પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પનું વધુ એક મોટું નિવેદન
Trump Says 50% Tariffs on India Hurt Russia : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત પહેલા ફરી ભારત યાદ આવ્યું છે. શરૂઆતમાં વારંવાર સીઝફાયર અંગે ટ્રમ્પ ભારતનું નામ લેતા, હવે ટેરિફની વાત આવે ત્યારે વારંવાર ભારતનો ઉલ્લેખ કરે છે. પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પનો દાવો છે કે ભારત પર ટેરિફ લગાવ્યા બાદ રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.
ભારત પર ટેરિફથી રશિયાને ઝટકો: ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે અમેરિકામાં મોટું નિવેદન આપતા કહ્યું, કે 'રશિયાના બીજા સૌથી મોટા તેલ ખરીદનારા દેશને અમે કહ્યું કે હવે તમે તેલ ખરીદશો તો 50 ટકા ટેરિફ લગાવીશું. આ એક મોટો ઝટકો છે. રશિયાની અર્થવ્યવસ્થા સારી પરિસ્થિતિમાં નથી.
ફરી સીઝફાયર મુદ્દે ટ્રમ્પે શ્રેય લેવા પ્રયાસ કર્યા
નોંધનીય છે કે ટ્રેડ ડીલ ન થવાના કારણે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યા હતા. બાદમાં ટ્રમ્પે રશિયાથી ઓઇલ ખરીદવાના કારણે વધારાના 25 ટકા ટેરિફ લગાવ્યા. આમ કુલ 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા. ભારતે આ નિર્ણયનો વિરોધ કરતાં ટેરિફને અનુચિત અને અસ્વીકાર્ય ગણાવ્યા હતા.
ટ્રમ્પે પત્રકાર પરિષદમાં વધુ એક દાવો કરતાં કહ્યું હતું કે મેં મારા બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં પાંચ યુદ્ધ રોકાવ્યા છે. જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધનો પણ ટ્રમ્પે ફરી એક વાર ઉલ્લેખ કર્યો. જોકે શરૂઆતથી જ ભારત ટ્રમ્પના દાવાને ફગાવતું આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે અગાઉ પણ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના DGMOએ સંઘર્ષ રોકવાની વિનંતી કર્યા બાદ ભારતે હુમલા રોક્યા હતા.