ભારતનો ઈનકાર છતાં ટ્રમ્પે ફરી કહ્યું - મારી પીએમ મોદી સાથે વાત થઇ, રશિયાથી ભારત નહીં ખરીદે ઓઈલ

US Pressure India Russian Oil Imports: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મોસ્કો પર દબાણ કરવાના અભિયાનના ભાગ રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરશે. જો કે, ટ્રમ્પના આ નિવેદન બાદ તરત જ ભારતીય અધિકારીઓએ આવી કોઈ વાતચીતથી અજાણ હોવાનું કહીને તેમના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
ટ્રમ્પનો દાવો અને ભારતનો નકાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને વ્યક્તિગત રીતે ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.' જો કે, ભારતીય અધિકારીઓએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ભારત સરકારે આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર, આવી કોઈ વાતચીત થઈ નથી, જેના પર કોઈ પ્રતિબદ્ધતા આપવામાં આવી હોય.
ભારત રશિયાનો બીજો સૌથી મોટો ખરીદદાર
ચીન પછી ભારત રશિયાના ક્રૂડ ઓઈલનો બીજો સૌથી મોટો ખરીદનાર દેશ છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી પ્રતિબંધોના કારણે ભારતે ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડની મોટા પાયે ખરીદી કરી છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, 'ભારત તાત્કાલિક શિપમેન્ટ બંધ કરી શકે નહીં, કારણ કે તે થોડી મુશ્કેલ પ્રક્રિયા છે, પરંતુ તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.'
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 3 ક્રિકેટર્સ સહિત 10ના મોત, સીઝફાયરનું ઉલ્લંઘન
ટ્રમ્પના યુદ્ધ સમાપ્તિના પ્રયાસો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના તેમના પ્રયાસોથી હતાશ છે, જે લગભગ ચાર વર્ષ પહેલાં રશિયાના આક્રમણથી શરૂ થયું હતું. તેમણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે, જેમને તેમણે ઉકેલમાં સૌથી મોટો અવરોધ ગણાવ્યો છે. ટ્રમ્પ શુક્રવારે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ઓગસ્ટમાં ભારત પર ટેરિફ વધાર્યો હતો, જે રશિયન ક્રૂડ ઓઈલ ખરીદીના સંદર્ભમાં દબાણ વધારવાના એક પગલા તરીકે જોવાયો હતો.

