World

ઇરાનના ચાબહાર બંદર પર ટ્રમ્પનો પ્રતિબંધ

By GS TEAM
20 Sep 20253 mins read
ઇરાનના ચાબહાર બંદર પર ટ્રમ્પનો પ્રતિબંધ

- દોસ્ત દોસ્ત ન રહા... ભારતને વધુ એક ફટકો

- ચાબહારમાં કામ કરતી ભારતીય કંપનીઓ પર અમેરિકન દંડનું જોખમ, બંદરના સંચાલન, રોકાણ, વિસ્તરણ પર અસર પડશે : મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ અવરોધાશે

ન્યૂયોર્ક/નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યા પછી હવે વધુ એક એવો નિર્ણય લીધો છે, જેનાથી ભારતને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પ સરકારે આ મહિનાના અંતથી ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પર ૨૦૧૮માં ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરીથી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ સરકારે ઈરાન સરકાર પર મહત્તમ દબાણ લાવવાની નીતિના ભાગરૂપે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે, પરંતુ તેના આ નિર્ણયથી ભારતને પણ મોટો ફટકો પડશે, કારણ કે આ બંદરનું સંચાલન હાલ ભારત કરી રહ્યું છે. ભારત અને ઈરાને સાથે મળીને કનેક્ટિવિટી અને વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ઊર્જાથી સમૃદ્ધ ઈરાનના દક્ષિણ કાઠે સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદર વિકસાવ્યું છે. 

જોકે, ટ્રમ્પ સરકારે હવે ૨૯ સપ્ટેમ્બરથી ફરી એક વખત ઈરાનના ચાબહાર બંદર પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ સરકારના આ પગલાંથી  ચા બહાર બંદર મારફત અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ પર જોખમ તોળાવા લાગ્યું છે. 

અમેરિકન વિદેશ વિભાગના નિવેદનનો અર્થ છે કે ૨૯ સપ્ટેમ્બર પછી ચાબહાર બંદરના સંચાલનમાં સામેલ કંપની અથવા વ્યક્તિ પર અમેરિકા પ્રતિબંધ મૂકશે. અમેરિકન વિદેશ વિભાગે કહ્યું કે, વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાન પુનર્નિર્માણ સહાયતા અને આર્થિક વિકાસ માટે ઈરાન સ્વતંત્રતા અને પ્રસાર વિરોધી કાયદા (આઈએફસીએ) હેઠળ ૨૦૧૮માં જાહેર કરેલા પ્રતિબંધોની છૂટ રદ કરી દીધી છે, જે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫થી અમલી બનશે. આ પગલાંથી બંદર પર ભારતીય સંચાલકો પર અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે.  અખાતની ખાડી પર ચાબહાર બંદરનું બેહેશ્ટી ટર્મિનલ ૨૦૧૮થી ભારતીય પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડના માધ્યમથી ભારતના ઓપરેશનલ કંટ્રોલમાં છે. ભારતે ૧૩ મે, ૨૦૨૪ના રોજ ઈરાન સાથે બંદરના સંચાલન માટે ૧૦ વર્ષના કરાર કર્યા હતા. આ બંદર મારફત ભારતે મધ્ય એશિયામાં તેના વેપારનો વિસ્તાર કર્યો છે. ભારતે પહેલી વખત વિદેશના કોઈ બંદરનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું.  ભારતે આ બંદર વિકસાવવા માટે ૧૨ કરોડ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. આ ટર્મિનલની ક્ષમતા ૧ લાખથી વધારીને ૫ લાખ ટીઈયુ કરવા અને ૨૦૨૬ સુધી ઈરાનના રેલવે નેટવર્ક સાથે જોડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. પરંતુ ચાબહાર પ્રતિબંધો પરની છૂટ ખતમ કરીને અમેરિકાએ ઈરાનના પ્રોજેક્ટમાં સામેલ આંતરરાષ્ટ્રીય હિતધારકો માટે વાતાવરણ પ્રતિકૂળ કરી દીધું છે. ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક સંપત્તિ પણ છે, કારણ કે તેને ચીન-પાકિસ્તાનના ગ્વાદર બંદરનો જવાબ માનવામાં આવે છે, જે ઈરાનની સરહદ નજીક આવેલું છે.

ચાબહાર પ્રતિબંધનો નિર્ણય ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક બંને પ્રકારના પડકારો લઈને આવી છે. ચાબહારમાં કામ કરનારી ભારતીય કંપનીઓએ હવે અમેરિકન દંડનો સામનો કરવો પડશે, જેની અસર કાર્ગો સંચાલન, રોકાણ યોજનાઓ અને ભવિષ્યના વિસ્તાર પર પડી શકે છે. આ વિકાસ ભારતની અમેરિકા સાથે વધતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઈરાન સાથે લાંબાગાળાની વ્યાપારિક અને રણનીતિક સંબંધો વચ્ચે સંતુલન બનાવવાની ક્ષમતાનું પણ પરીક્ષણ કરે છે.