ટ્રમ્પની ટેરિફનીતિના કારણે ભારતને વધુ એક ઝટકો: પેટ્રોલ-ડીઝલની કિંમત પર પડી શકે અસર
Trump announces 25% tariff on any country buying Venezuelan oil : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે જાહેરાત કરી છે કે વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદતા તમામ દેશો પર અમેરિકા 25 ટકા વધારાનો ટેરિફ લગાવશે. વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. એવામાં વેનેઝુએલા પર દબાણ વધારવા માટે ટ્રમ્પે આ જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયના કારણે ભારતને પણ ઝટકો લાગ્યો છે.
શું કહ્યું ટ્રમ્પે?
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું હતું, કે 'વેનેઝુએલા અમેરિકા પ્રત્યે દુશ્મનાવટ રાખે છે તેથી જો કોઈ પણ દેશ વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદે છે તો તેણે અમેરિકા સાથે વેપાર પર 25 ટકા ટેરિફ આપવો પડશે.'નોંધનીય છે કે અમેરિકા સતત વેનેઝુએલા પર અનેક પ્રતિબંધો લગાવતું રહ્યું છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા માન્યતા આપતું નથી. ટ્રમ્પ સરકારનો આરોપ છે કે વેનેઝુએલાના કારણે અમેરિકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી જાય છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાને આર્થિક રીતે ઝટકો આપવા માંગે છે.
ભારત માટે કેમ સમસ્યા વધી?
ટ્રમ્પની આ જાહેરાતના કારણે તેલ અને ગેસ ખરીદવામાંમાં ભારતને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ છે અને વેનેઝુએલાથી કાચા તેલની આયાત કરવામાં આવે છે. ટેરિફના કારણે ભારતે હવે સાઉદી અરેબિયા, ઈરાક અથવા રશિયાથી તેલની આયાત વધારવી પડશે જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર અસર પડે તેવી શક્યતા છે. ભારતની સાથે સાથે ચીન અને તુર્કીયેને પણ ટ્રમ્પની જાહેરાતથી ઝટકો લાગ્યો છે.